Get The App

દોસ્ત, દોસ્ત ના રહા .

Updated: Oct 5th, 2024

GS TEAM


Google News
Google News
દોસ્ત, દોસ્ત ના રહા                                   . 1 - image


અસંભવ લાગતા એક દ્રશ્યની કલ્પના કરવાની મજા આવશે. ઈરાન નામનો દેશ એક ઠેકાણે યુદ્ધ લડી રહ્યો છે અને ઈરાનને મદદ કરવા માટે ઇઝરાયેલ નામનો દેશ શસ્ત્રો પહોંચાડી રહ્યો છે. ટાઢા પહોરના ગપ્પા જેવી આ વાત લાગતી હોય તો એમાં હજુ એક પરિમાણ ઉમેરીએ. ઈરાનને મદદ કરવા માટે ઇઝરાયેલ થકી શસ્ત્રો પહોચાડનાર દેશનું નામ છે અમેરીકા! કોઈ નવાસવા બનેલા નવલકથાકારે ફક્ત સનસનાટી મચાવવા માટે આવો તરંગી તુક્કો વિચારી રાખ્યો હોય એવું લાગે પણ વાસ્તવમાં આ હકીકત છે, ઇતિહાસ છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સુમધુર સબંધો હતા અને એ પણ બહુ દૂરના ઇતિહાસમાં નહી. આજથી કેલેન્ડરમાં પચાસ કરતા પણ ઓછા વર્ષો પાછળ જઈએ તો ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે પાક્કી દોસ્તી હતી. એ મિત્રતા એટલી સઘન હતી કે બંને દેશો વચ્ચે કાશ્મીરથી કન્યાકુમારી વચ્ચે જેટલું અંતર છે તેના કરતાં પણ વધુ અંતર હોવા છતાં બંને દેશોના નાગરીકો પાડોશી દેશોને છોડીને એકબીજાના મુલકમાં ફરવા માટે જતા.

આશ્ચર્ય સાથે આઘાત પણ લાગી શકે કે ઈરાન અને ઇઝરાયેલના અમુક પરિવારો વચ્ચે રોટી - બેટીનો વ્યવહાર હતો. અત્યારે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે રણશિંગુ ફૂંકાઈ ગયું છે. આખું વિશ્વ જાણે સ્પોર્ટ્સ મેચ હોય એમ રાહ જોઈ રહ્યું છે કે ક્યારે બંને દેશો બાખડી પડે. મીડિયા તલપાપડ છે એના અખબારમાં - ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ - એવી હેડલાઈન બાંધવા માટે. અમેરિકા છડેચોક ઇઝરાયેલના પક્ષે છે. અમેરિકાની આગામી ચૂંટણીમાં ટ્રમ્પ આવે કે કમલા રાષ્ટ્રપ્રમુખ બને, ઇઝરાયેલને ટેકો આપવાનું કાર્ય અવિરત ચાલુ રહેશે. કારણ કે ઇઝરાયેલની ટોટલ વસ્તી કરતા વધુ યહૂદીઓ અમેરિકામાં રહે છે. અમેરિકાને ઇઝરાયેલનો સાથ આપ્યા વિના ચાલવાનું નથી. પણ આ જ અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાનની એક સમયે ત્રિપુટી ટોળકી હતી જે આજે એકબીજાને પરાસ્ત કરવામાં ખુદ બરબાદ થઈ જવા તૈયાર છે. તો છેલ્લી અડધી સદીમાં એવા તે કયા સમીકરણો બદલાયા કે દોસ્ત દોસ્ત ના રહા?

કટ્ટરવાદ કેટલો જોખમી સાબિત થઈ શકે છે કે તે આખા દેશને દોજખની આગમાં ધકેલી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ઈરાનનો રાજકીય-સાંસ્કૃતિક ઇતિહાસ છે. ઈ. સ. ૧૯૭૯ સુધી ઈરાનમાં મોહમ્મદ રઝા પહેલવીનું શાસન હતું. રમુજ લાગવાનો પૂરતી સંભાવના હોવા છતાં એ વાત અહીં કહેવી જ જોઈએ કે ઈરાન એ સમયે એક બિનસાંપ્રદાયિક સ્વતંત્ર રાજ્ય હતું! પશ્ચિમી દેશો જેવી રહેણીકરણી એ દેશમાં હતી. ઇઝરાયેલ સાથે મળીને આરબના આતંકીઓનો સફાયો કરવાનું અભિયાન ઈરાને શરૂ કરેલું જેને અમેરિકાની સતત મદદ મળી રહેતી. આ ગુલાબી ચિત્ર ડાર્ક ત્યારે થયું જ્યારે ઈરાનના તખ્તમાં પલટો આવ્યો.

આયાતોલ્લહ ખોમૈની સરમુખત્યાર તરીકે આરૂઢ થયા. સત્તાધીન થયા પછી પહેલું કામ તેણે અમેરિકા અને ઇઝરાયેલને નવા નામ આપવાનું કર્યું. અમેરિકા એટલે બડા શેતાન અને ઇઝરાયેલ એટલે છોટા શેતાન. કટ્ટરવાદી, જુનવાણી અને જડ એવા ખોમૈનીને કારણે ઈરાનની સ્ત્રીઓ અને ઈરાનના શસ્ત્ર ઉત્પાદન, બંને પર કાળો પડદો આવી ગયો. ઈરાન હિઝબુલ્લાહ, હમાસ, લેબનોન અને સીરિયાના અંતિમવાદી મિલીટન્ટ ગુ્રપ અને ઇસ્લામિક જિહાદ ચલાવતા જૂથોને બધી રીતે મદદ કરવા લાગ્યું. છતાં પણ ઈ.સ.૧૯૮૦ થી ૧૯૮૮ દરમિયાનના ઈરાન - ઈરાક યુદ્ધમાં ઇઝરાયેલે ઈરાનની મદદ કરી.

મૂરખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો. આ કહેવત હિબુ્ર ભાષામાં હોય કે નહી તે ખબર નથી પણ ઈરાને ઇઝરાયેલના ઉપકારનો બદલો અપકારથી વળવાની શરૂઆત કરી. નેવુંના દાયકા પછી ન્યુક્લિયર પ્લાન્ટ સ્થાપીને આણ્વિક સત્તા બનવા માટે જોરશોરથી તૈયારીનો આરંભ કર્યો. જે ઇસ્લામમાં ન માનતા હોય એમાં પણ ખાસ કરીને યહૂદીઓ વિરુદ્ધ નફરત ફેલાવવાની ઘણી પ્રવૃત્તિઓ ઈરાને ચાલુ કરી. ઇઝરાયેલ એની આદત મુજબ ચૂપ બેસી રહે એવું હતું નહી. ઈરાનના ઉંદરકામાનો જવાબ ઇઝરાયેલે જંગલી બિલાડી બનીને આપ્યો. ઈરાનના ન્યુક્લિયર વિજ્ઞાાનીઓની હત્યા, સાયબર એટેક ઇત્યાદિ જુદા જુદા હુમલા કરીને ઈરાનના અણુ - કાર્યક્રમને રોકવા માટે નક્કર પ્રયત્નો કર્યા. અકારણ હંમેશા ગુસ્સામાં રહેતા ઈરાનના સર્વેસર્વા ખોમૈનીને વધુ ક્રોધ ચડયો. આવી જ ઘટનાઓની શ્રૃંખલા સ્વરૂપે આજે ઈરાન અને ઇઝરાયેલ ખુલ્લેઆમ મેદાન-એ-જંગમાં ઉતર્યા છે.

વર્તમાન સંજોગો વધુ સ્ફોટક છે. ઈરાને જાણે સીરિયાને દત્તક લઈ લીધું છે. સીરિયાના ખભે બંદૂક રાખીને ઇઝરાયેલને નુકસાન પહોંચાડવાના ઈરાનના ઈરાદાઓ ખુલ્લા પડયા છે. ઇઝરાયેલ અને તેની જાસૂસી સંસ્થા મોસાદની ઈચ્છા શક્તિ અને પ્રહાર શક્તિ લગભગ આખું વિશ્વ જાણે છે. ઇઝરાયેલ તો પેજર જેવા નિર્દોષ ડીવાઈસને હેક કરીને દુશ્મનોમાં ભયનું મોજું ફેલાવે છે. વિશ્વ મીડિયાની બધી ધારણાઓ ખોટી પાડવામાં ઇઝરાયેલને જાણે મજા આવે છે. ઇઝરાયેલ ક્યારે હુમલો કરશે, ઈરાનને કઈ રીતે પાઠ ભણાવશે, નિત્યેનાહુનું આગામી પગલું શું હશે, અમેરિકાની ચૂંટણીમાં જો ટ્રમ્પને બહુમતી ન મળી અને અમેરીકામાં તોફાનો ફાટી નીકળ્યા તો એવી સ્થિતિમાં ઇઝરાયેલનો બેક-અપ પ્લાન શું હશે, ખોમૈનીની ભાવિ પેઢીઓ નકશામાં પણ ઇઝરાયેલ સામે દ્રષ્ટિ ન કરે તેના માટે ઇઝરાયેલના આગામી હુમલાનો સ્કેલ કેવડો મોટો હશે તેની આગાહી કોઈ અંબાલાલ કરી શકવાનું નથી. 

Tags :