બંગાળમાં મમતાનો પરાજય અને ભાજપનો વિજય દેશના રાજકારણની એક માઈલસ્ટોન ઘટના છે. આ માત્ર ચૂંટણી પરિણામ નથી. બંગાળને અપપ્રચાર દ્વારા ભારતથી વિખૂટું પાડીને પોતાને મત આપે એવા આવેતુ લોકોનો સંઘ બનાવવાનું કામ મમતા વરસોથી કરતાં આવ્યાં છે. એમાં બંગાળની અસ્મિતા સાવ ધોવાઇ ગઈ હતી. આ વખતે ચૂંટણી પંચે મતદાર યાદીની જે નવીનીકરણ પ્રક્રિયા હાથ ધરી તેનાથી દૂધ અને પાણીને હંસવૃત્તિથી પંચે અલગ કરી આપ્યા, જેનો આ ચૂંટણીના મતદાન અને પરિણામો પર ગંભીર પ્રભાવ દેખાય છે. મોદી અને શાહની જુગલ જોડીએ પોતાના મેજિક શો પર વિશ્વાસ રાખ્યા વિના જે મજુરી કરી તેનાં મીઠાં ફળ પશ્ચિમ બંગાળની પ્રજાને ચાખવા મળશે.
ભાજપની ઘણી મર્યાદાઓ છે, પરંતુ તે સત્તામાં રહીને દેશદ્રોહી પ્રવૃત્તિ નથી કરતો, જે તૃણમૂલ કોંગ્રેસે પોતાના સ્વાર્થ કાજે કર્યું છે. એટલે પ્રજાએ પડખું ફેરવતા ભાજપે ૨૦૬ બેઠકો પર જીતીને તૃણમૂલને અસ્વીકૃત લાગે એવી માત્ર ૮૧ બેઠકો પર ધકેલી દીધી છે. એ કહેવાની જરૂર નથી કે પરાજયની ગંધ આવતાં કલકત્તામાં સચિવાલયમાં ફાઇલો આઘી-પાછી થવા લાગી ને તરત કેન્દ્રના ગૃહપ્રધાને તમામ ખાતાઓમાં પોતાના વિજિલન્ટ સચિવોની ધાક સાથે વોચ ગોઠવી દીધી. જેમ ચક્કી પિસિંગ એન્ડ પિસિંગની કહેવત છે તેમ મમતાએ અદાલતી દોડાદોડની હવે રાજકીય અસ્તાચળના આરે તૈયારી રાખવાની છે. ભાજપે ઘણી બંધારણીય સંસ્થાઓના પાયા હચમચાવ્યા છે.
બંગાળી પ્રજા બહુ શાંત અને બુદ્ધિમાન છે. કલા, સાહિત્ય, સંગીતની પરમ ઉપાસક છે. એમાં પોતાનાં અસામાજિક તત્ત્વોનું ખતરનાક નેટવર્ક ઊભું કરીને બહુ જ ચાલાકીથી તેમણે ભલીભોળી પ્રજા ઊપર પોતાનું એકચક્રી શાસન સ્થાપી દીધું હતું જેનું ઓપરેશન ઉત્થાપનમ્ ભાજપે કરી આપ્યું. મમતા અને સ્ટાલિન બન્ને કેન્દ્ર સરકાર સામે શૃંગ ઉછાળતાં રહ્યાં છે. અને બન્નેને એની પ્રજાએ જ જાકારો આપ્યો છે. સ્ટાલિન સામે સુખ્યાત અભિનેતા અને નવોદિત રાજનેતા વિજયે કલ્પનાતીત સફળતા મેળવી છે. રજનીકાન્ત અને કમલ હસન ન કરી શક્યા એ જમાવટ રાજકીય આટાપાટાથી સર્વથા અજ્ઞાાત વિજયે પોતાની રાજ્ય વ્યાપી પાર્ટી બનાવીને કરી છે. જોકે એમની હવે પછીની સફર આસાન નથી. દક્ષિણના સુપરસ્ટારમાંથી તેઓ રાતોરાત પોલિટિકલ સ્ટાર બની ગયા છે, જે દક્ષિણમાં રજતપથ પરથી રાજપથ પર દોડી આવનારા અભિનેતાઓની લાંબી કહાનીનો એક નવો એપિસોડ છે.
વિજયની જીતનો આનંદ ભાજપને તે એનડીએના ઘટકમાં નથી છતા એટલે છે કે વિજય તેની ફિલ્મોની જેમ જ જાયન્ટ કિલર બન્યો છે. આપણા દેશમાં અભિનેતાને તુંકારે બોલાવવાનો લાડકો રિવાજ છે. જે સ્ટાલિનને પ્રાદેશિક તાકાત તરીકે ભાજપ હણી ન શકે એનો ખેલ નવી પ્રાદેશિક તાકાતે ખતમ કરી નાંખતા ભાજપને બગાસું ખાધા વગર મુખકમળમાં પતાસુ મળી ગયું છે. એટલે બંગવિજયની કેક કાપતી વખતે એના પર ભાજપના દ્વિમુખી હાઈકમાન્ડે બે મીણબત્તી રાખવાની થાય છે. એ સિવાય દક્ષિણનાં બન્ને રાજ્યો કેરળ અને તામિલનાડુમાં ભાજપ એટલે શું અને ભાજપ એટલે વળી કોણ - એવી દશા હોવાને કરણે પરિણામોમાં સિંગલ ડિજિટ પણ તેઓ ક્રોસ કરી શક્યા નથી. એક તરફ પૂર્વોત્તર બંગાળની ચિક્કાર બહુમતી અને બીજી તરફ સિંગલ ડિજિટ જે બતાવે છે કે કોંગ્રેસે એ પ્રાદેશિકતા પર જે રાષ્ટ્રીયતા ધરાવતા પક્ષ તરીકે જ્યાં જ્યારે જેટલું શાસન કર્યું એટલું હજી ભાજપની સમજણમાં આવ્યું નથી.
કેરળમાં ડાબેરી મોરચાનો આખરી મુકામ ડૂબી ગયો છે ને કોંગ્રેસના ગઠબંધને ત્યાં પોતાની જગ્યા બનાવી લીધી છે. કોંગ્રેસને મુસ્લિમ મતદારોના બાહુલ્યનો લાભ મળ્યો છે. યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટે આશ્ચર્ય સાથે સત્તામાં વાપસી કરી છે. પણ એમને માટે આગળનો પથ કંટકછાયો છે, કારણ કે કેરળનું રાજકારણ બહુ ડહોળાઈ ગયેલું છે ને જનજીવનમાં પણ સત્-ત્ત્ની ભેળસેળ થઈ ગઈ છે. આસામમાં ભાજપે હેટટ્રિક કરી છે ને પુડુચેરીના વિદ્વાન મુખ્યમંત્રીએ પોતાની લોકપ્રિયતાની કમાણીથી એનડીએનો રથ આગળ વધાર્યો છે. પરંતુ લોકનજરનું ફોકસ તામિલનાડુ અને બંગાળ પર જ રહ્યું છે. મોદીની વધતી ઉંમર સાથે એનો કરિશ્મા ઝાંખો થયો હોવાના વિપક્ષોના ખયાલ વાસ્તવિક નીવડયા નથી. તેમણે પોતાની પ્રભાવક સત્તાનો સૂર્ય હજુય મધ્યાહને તપતો હોવાની દેશને નવેસરથી પ્રતીતિ કરાવી છે.


