Get The App

બજારમાં તેજીનો અણસાર .

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
બજારમાં તેજીનો અણસાર                                          . 1 - image

જ્યારથી રોકાણકારો સોના તરફ વળ્યા છે ત્યારથી શેરબજારમાં એક રીતે નવા ઈન્વેસ્ટરોની ઘટ ઊભી થઈ છે. પરંતુ છેલ્લા બે-ચાર દિવસથી દલાલ સ્ટ્રીટમાં વિદેશી રોકાણકારોની નજરે ન દેખાતી ભીડ જામી છે. એને કારણે એકાએક જ બજાર સુધારા તરફી બની જાય છે. તેજીનો વાયરો ભારતીય શેર બજારમાં પ્રવેશ કરે છે પણ એને ટકાવવા માટે ચોમાસાની મીઠી લહેરોની જરૂર પડશે. ભારતમાં આ વખતે જો ચોમાસુ સરખી રીતે બાજોઠે બેસશે તો તેજી ઝડપી રીતે આગળ ધપશે. જેની સંભાવના નહિવત્ છે. બજાર અત્યારે ચોમાસાની મહેક ચાહે છે, એ એને મળે પછી જ અસલી રંગ જામશે. છેલ્લા એક દાયકાથી શેરબજાર જાણભેદુ ખેલાડીઓ માટેની દુનિયા બની ગઈ છે. ભારતીય શેરબજારમાં સદાય રહસ્યમય ગતિવિધિ ચાલતી રહે છે. સોનાના ભાવ ઊંચકાયા પછી દેશમાં જૂની જ્વેલરીનું વેચાણ પણ પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. દર વખતે ભાવ વધારા સાથે વેચવાલી પણ આવતી જ હોય છે.

નફો બાંધી લેવાની ઉતાવળમાત્ગ્રાહકો દોડવા લાગે છે. સરકારનો સોનાના ભાવ પર કોઈ અંકુશ કે હસ્તક્ષેપ નથી. પરંતુ શેરબજાર ગગડે નહિ એની ચિંતા નાણાં મંત્રાલયને હોય છે. કારણ કે દુનિયાના અને દેશના એક વર્ગમાં હજુ પણ શેરબજારને દેશના અર્થતંત્રના બેરોમીટર તરીકે જોવાની ટેવ છે. હમણાંથી ભારતીય શેરબજારની ચાલ અર્થતંત્રથી વિપરીત છે. એટલે કે અનેક ક્ષેત્રોમાં મંદીનો માહોલ છે અને વિકાસના અંદાજ પણ પતન પામવા લાગ્યા છે ત્યારે શેરબજારમાં મજબૂતી જોવા મળે છે. આ મજબૂતી જો કે બધા જ શેરોમાં વ્યાપક નથી પરંતુ મહત્ત્વના અને લીડ કરનારા શેરોમાં છે. બજારની આ અકળ ગતિ જલ્દીથી ઓળખાય એવી નથી. આમ પણ ભારતીય શેરબજારમાં એક નંબરના અને બે નંબરના એમ બન્ને પ્રકારના ખેલાડીઓ સક્રિય હોય છે એટલે આજકાલના નવા ઉછાળા છતાં નાટયાત્મકતા તો જળવાશે જ.

ભારતના શહેરોની તુલનામાં ગ્રામ વિસ્તારોમાં સોનાનો સંગ્રહ વધારે છે. આજે પણ કિસાનોમાં એક મોટો વર્ગ એવો છે જે મોસમના આરંભે સોનું વેચે છે અને ફસલના નાણાં હાથમાં આવે ત્યારે ફરી સોનું ખરીદે છે. ભારતીય નાગરિકો અને મંદિરોમાં કુલ પચીસ હજાર ટન સોનું સંઘરાયેલું પડયું છે. ભારતમાં સત્ય આચરણ કરનારાઓ અને ભ્રષ્ટ આચરણ કરનારાઓ એમ બન્ને પ્રકારના સોનાના શોખીનો છે. જો કે સોનાની પેઢી દર પેઢીની અસલી ચમક તો નીતિની કમાણી કરનારાઓના જીવનમાં જ જોવા મળે. દુનિયાના બીજા નંબરના સૌથી મોટા સુવર્ણ આયાતકાર તરીકે ભારતે હમણાં વિદેશી સોનાથી આઘા રહેવાનું પસંદ કર્યું છે. આયાત ઘટી છે એટલે આંતરરાષ્ટ્રીય ભાવો દબાણમાં આવ્યા છે. ઘર આંગણે છેલ્લા એક વરસમાં ભારતીય ગોલ્ડ પ્રાઈસમાં પારાવાર વધારો થયો છે.

બીજી તરફ હર્ષદ મહેતાના જમાનાથી પોતાના શેરને ફુલાવવાની જે કેટલીક કંપનીઓને ટેવ પડી છે એ હજુ કંઈ ગઈ નથી. તેઓ નીચા ભાવે પોતાના જ કરોડોના શેર બજારમાંથી ધીરે ધીરે કવર કરી લે છે. પછી એકાએક લેવાલી વધારીને ઊંચા ભાવે લઈ જઈ તમામ અંકે કરેલા શેર વેચીને જંગી મૂડી ઊભી કરી લે છે. બેન્કોના વ્યાજદર ઘટયા પછી એક સાવ નવો જ રોકાણકાર વર્ગ બજારમાં દાખલ થયો છે અને એણે હજુ આ બધા ભીતરી ચલણ-વલણ જાણવાના બાકી છે. શેર બજારમાં હંમેશા રોકડિયું જ્ઞાન મળે છે એટલે કે રોકડ ગુમાવીને પ્રાપ્ત થતું જ્ઞાન ! એટલે નવા રોકાણકારોએ બેન્કોના વિકલ્પે ઊંચી ટકાવારી લઈ લેવા જો અહીં ઝંપલાવ્યું હોય તો એમણે આંખેથી પાટા છોડીને સાવધાન રહેવાની જરૂર છે. મ્યુચ્યુઅલ ફંડોનું આકર્ષણ વધતું જાય છે. નવી ઓફરો આરોગ્ય, અકસ્માતો અને શુભ પ્રસંગો કે શિક્ષણના ખર્ચને પહોંચી વળવાના વિકલ્પો આપે છે. પ્રિમિયમ અને એસઆઈપી વચ્ચે સાંકડી ગલીમાં સ્પર્ધા છે.

દેશના અર્થતંત્ર પર નજર રાખનારાઓ શેરબજારની ગતિ જોઈને ઉલઝનમાં પડી જાય એવું આ હવામાન છે. દેશના આર્થિક વિકાસદર સામે પહાડી આશંકાઓ છે. ઉત્પાદન, સેવાઓ અને કૃષિનો કુલ સરેરાશ વિકાસદર આ ચાલુ નાણાંકીય વરસના પહેલા ત્રિમાસિક ગાળામાં ઘટાડે પહોંચવા વકી છે. પરંતુ બીએસઈ અને એનએસઈ નો ગ્રાફ સતત, થોડીક વચગાળાની ચડ-ઉતર બાદ કરતાં, સતત ઊંચે જઈ રહ્યો છે. શેર બજાર આવા અણધાર્યા ઉછાળા કેમ મારી રહ્યું છે? હકીકત એ છે કે હવે શેરબજારને દેશના અર્થતંત્રનો અરીસો સમજવાની ધારણા જ ખોટી છે. આર્થિક વિકાસના આંકડાઓનો શેરબજાર પર પ્રભાવ જરૂર પડે છે પરંતુ હવે તો એ થોડા સમય માટે જ હોય છે. હજુ સુધી ન ઝડપાયેલા અને એથી જેલમાં ન ગયેલા બેન્ક અધિકારીઓએ વિવિધ કંપનીઓ સાથે મળીને જે કૌભાંડો આચર્યા છે એની તો આખી નવી વંશાવલિ જ પ્રગટ થવાની બાકી છે.