Get The App

કેનેડાની કપટી કરામત .

Updated: Jun 5th, 2025

GS TEAM

Google News
Google News
કેનેડાની કપટી કરામત                                              . 1 - image

પીએમ નરેન્દ્ર મોદી કેનેડામાં યોજાનારી G7 સમિટમાં ભાગ લેશે નહીં. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અને હવે ચોથા નંબરે આવવાની તૈયારી છે. જોકે ઉતાવળમાં ભારત ચોથા નંબરે છે એવી હવા અવારનવાર ઉડતી રહે છે. ભાજપના મીડિયા સેલ દ્વારા પ્રસારિત કેટલીક પોસ્ટના અનર્થઘટનથી એ ભ્રમ ફેલાયેલો છે. હકીકત એ છે કે ભારતને આવા કોઈ ભ્રામક આત્મપ્રચારની જરૂર નથી. ભારત સન ૨૦૧૯થી સતત આ કાર્યક્રમનો ભાગ રહ્યું છે. કેનેડામાં ખાલિસ્તાન સમર્થકોના દબાણને કારણે ભારતને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ વર્ષે કેનેડામાં યોજાનારી G7 સમિટમાં પીએમ નરેન્દ્ર મોદી ભાગ ન લે તે આ વૈશ્વિક મંચના હેતુ અને સુસંગતતાની દ્રષ્ટિએ યોગ્ય નથી. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી સ્વીકૃત અર્થવ્યવસ્થા છે, વૈશ્વિક વિકાસમાં તેની ચોક્કસ ભૂમિકા છે.

ભારત વિશ્વનું સૌથી મોટું લોકશાહી તંત્ર પણ છે. આ કારણોસર, છેલ્લાં કેટલાક વર્ષોથી તેને સમૃદ્ધ દેશોના આ મંચ પર સ્થાન મળી રહ્યું છે. ભારત સન ૨૦૧૯થી સતત આ કાર્યક્રમનો ભાગ રહ્યું છે. આ શ્રેણી ફ્રાન્સથી શરૂ થઈ હતી, જે ગયા વર્ષે ઇટાલી સુધી ચાલુ રહી. ઇટાલીમાં ખાસ સત્રને સંબોધતા, પીએમ મોદીએ સામાજિક અસમાનતા દૂર કરવા અને બધા માટે સરળતાથી ઉપલબ્ધ અને સલામત AI જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી. ભારત આ પ્લેટફોર્મનો ઉપયોગ શાંતિ, આંતરરાષ્ટ્રીય સહયોગ અને સંકલિત વિકાસનો મેસેજ આપવા માટે કરી રહ્યું છે. આમ પણ વૈશ્વિક મંચ પર ભારત એક અનિવાર્ય ઘટક દેશ છે જે વિવિધ અનેક આંતરરાષ્ટ્રીય સંગઠનોની એક કડીરૂપ હયાતી છે.

G7 સાત સૌથી વિકસિત અને ઔદ્યોગિક દેશોનો સમૂહ છે, પરંતુ કેનેડામાં સ્થાયી થયેલા ખાલિસ્તાન સમર્થકોએ આ વખતે જે રીતે તેની અસર છોડી છે તે ચિંતાનો વિષય છે. આ કાર્યક્રમનું આયોજન કેનેડા કરી રહ્યું છે, પરંતુ અલગતાવાદીઓએ ત્યાંની નવી સરકાર પર ભારતને આમંત્રણ ન આપવા દબાણ કર્યું છે. માર્ક કાર્નીનું આ બાબતમાં નમવું એ ઉગ્રવાદી શક્તિઓ સામેના આંતરરાષ્ટ્રીય સંઘર્ષ માટે એક મોટો આંચકો છે. ભારત વિના, શું આ જૂથ ચીનની વિસ્તરણવાદી નીતિઓ, લોકશાહી અને પર્યાવરણીય મુદ્દાઓ સામે તેની પ્રતિબદ્ધતાને વળગી રહી શકશે? માર્ક કાર્નીનો કાર્યકાળ એવી આશા સાથે શરૂ થયો હતો કે ભારત-કેનેડા સંબંધો પરનો બરફ ઓગળી શકે છે. તેમણે તેમના પુરોગામી જસ્ટિન ટ્રુડો કરતાં વધુ જવાબદાર અને સકારાત્મક વલણ દર્શાવ્યું. ચૂંટણી પ્રચાર દરમિયાન, તેઓ માનતા હતા કે બંને દેશો વચ્ચેના સંબંધો ઘણા સ્તરે મહત્વપૂર્ણ છે અને સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે વેપાર સંબંધોમાં વૈવિધ્ય લાવવાની વાત કરી હતી.

ગયા અઠવાડિયે, જ્યારે વિદેશપ્રધાન જયશંકરે કેનેડિયન સમકક્ષ પ્રધાન અનિતા આનંદ સાથે વાત કરી, ત્યારે તેને પણ એક મહત્ત્વપૂર્ણ પરિવર્તન માનવામાં આવ્યું. G7 સમિટ કેનેડા માટે એક તક હતી, જ્યાં તે ભારત સાથે સંબંધો સુધારવાનું શરૂ કરી શકે છે. અમેરિકાના દબાણને ધ્યાનમાં રાખીને, તેને નવી દિલ્હી જેવા સાથીઓની જરૂર છે. પરંતુ, સ્થાનિક રાજકારણ દ્વારા મજબૂર, કેનેડાએ માત્ર દ્વિપક્ષીય સંબંધોને જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય હિતોને પણ નુકસાન પહોંચાડયું છે.

અર્થકારણની દ્રષ્ટિએ એશિયા-પેસિફિક જૂથ રસપ્રદ છે. કેનેડા, અમેરિકા, જાપાન, મોંગોલિયા, કોરિયા, ચીન, ભારત જેવા એકાવન દેશોનો એશિયા - પેસિફિક પ્રદેશમાં સમાવેશ થાય છે. એશિયા - પેસિફિકની પોતાની આગવી આર્થિક સંસ્કૃતિ છે, જે બાકીના જગત કરતા અલગ પડે છે. આ બહુદેશીય ક્ષેત્રમાં પગાર ઝડપથી વધી રહ્યો છે. તેનું કારણ છે કે આ ક્ષેત્રમાં ફુગાવો મધ્યમ રહ્યો છે. માટે ખરા હુન્નરબાજ લોકો પોતાની આવડતના બદલામાં મોટો પે-ચેક માંગી રહ્યા છે. એટલે કે આ ક્ષેત્રમાં નક્કર અને મૌલિક ટેલેન્ટની ખોટ વર્તાઈ રહી છે. હવે આ એશિયા પેસિફિક પ્રદેશમાં ભારત સદાય કેનેડાની ઉપેક્ષા કરશે અને કેનેડાને એ ભારે પડશે. વિશ્વભરની કંપનીઓ હવે ચીનમાંથી ડેરા તંબુ ઉઠાવી રહી છે. છેવટે બધી આંતરરાષ્ટ્રીય કંપનીઓને સમજાયું કે જેમ સરેરાશ માણસે તેની બચતનું રોકાણ વિવિધ સ્રોતોમાં કરવું જોઈએ એ જ રીતે કંપનીઓએ પણ ડાઇવર્સીફિકેશન જુદા જુદા દેશોમાં પોતાના પેટા યુનિટો ખોલીને કરવું જોઈએ - તેમાં જ સલામતી છે. એગ્સ એન્ડ બાસ્કેટનો સિદ્ધાન્ત અહીં લાગુ પડે છે.