Get The App

અવળી આગાહીનું વિષચક્ર

Updated: Jun 6th, 2020

GS TEAM

Google News
Google News
અવળી આગાહીનું વિષચક્ર 1 - image


ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતને બીએએ-૨ ઉપરથી બીએએ-૩ ઉપર લાવી દીધું છે. છેલ્લા બે દાયકામાં પહેલીવાર ભારતનું આંતરરાષ્ટ્રીય ચિત્ર રોકાણકારો માટે નકારાત્મક બતાવાઈ રહ્યું છે. રોકાણકારો માટેની આ રેટિંગ પરિભાષામાં આ સૌથી નીચું રેટિંગ છે. મૂડીઝના આ નવા રેટિંગને કારણે ચીનમાંથી ઉત્થાપિત થઈને જે કંપનીઓ ભારતમાં સ્થાપિત થવાની છે એને જોરદાર બ્રેક લાગી ગઈ છે. 

ગઈ સદીના ઉત્તરાર્ધમાં કેટલાક આફ્રિકન દેશોમાં રોકાણકારોને જે કડવા અનુભવો થયા એવા અનુભવો આ સદીના આરંભે કેટલાક એશિયન દેશોમાં પણ થયા છે. વૈશ્વિક વ્યાપાર વિશે જુદા જુદા પ્રકારના સર્વે કરીને તેના ઉપર વિવિધ દેશોને નંબર આપતી સંસ્થા મૂડીઝ ગ્લોબલ રેટીંગ એજન્સી કહેવાય છે.

આ પ્રતિષ્ઠિત સંસ્થાએ ભારતને અપાતો ક્રમાંક ઘટાડી નાખ્યો છે. આ સંસ્થાએ ભારતનું રેટીંગ ૧૯૯૮ માં નીચું કરેલું જ્યારે વાજપેયી સરકારે પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ત્યારે પણ અસામાન્ય સ્થિતિ હતી અને આજે પણ ભારતની પરિસ્થિતિ સામાન્ય નથી. કોરોનાની મહામારી અને ફરજિયાત લોકડાઉન સામે આખું વિશ્વ ત્રસ્ત છે. જો કે ભારત સિવાય અન્ય દેશોનું રેટીંગ પણ ગગડયું છે.

મૂડીઝના રેટિંગના સપાટામાં અનેક દેશો આવી ગયા છે. સાઉદી અરેબિયા અને દક્ષિણ આફ્રિકા સહિત એકવીસ દેશોના રેટિંગ નીચે ઉતારવામાં આવ્યા છે. આ ઘટના બધા વિકાસશીલ દેશોના ઉભરી રહેલા અર્થતંત્રનું પતન દર્શાવે છે. પરંતુ બીજા દેશોનું ઉદાહરણ લઈને આપણે સ્વયં આશ્વાસન લઈએ તો એ યોગ્ય નહીં ગણાય. જમીની વાસ્તવિકતા અને નક્કર હકીકતોનો સામનો કરવો પડશે. મૂડીઝે ભારતનું રેટિંગ કોરોનાને લીધે નથી ઘટાડયું. ભારતના અર્થતંત્રની હાલત તો કોરોના પૂર્વે પણ નબળી હતી.

આ જ સંસ્થાએ ત્રણ વર્ષ પહેલા ૨૦૧૭ માં ભારતનું રેટિંગ ઊંચું કર્યું હતું. કારણ કે ત્યારે ભારતમાં રોકાણ અને આર્થિક સુધારા સંલગ્ન પ્રબળ શક્યતાઓ દેખાતી હતી. એ શકયતાઓ વાસ્તવમાં રૂપાંતરિત ન થઈ અને મૂડીઝને રેટિંગ ઘટાડવા પર મજબુર થવું પડયું. સરકાર સામે જનતા કરફ્યુની પહેલા પણ ઘણા પડકારો હતા અને હવે ત્રણેક મહિનાના બંધ પછી તો તકલીફો ઘણી વધી ગઈ છે.

ભારતનું રેટિંગ ઘટયું તેમાં ભારતને ભારે નુકસાન થવાનું નક્કી છે. જે કંપનીઓ ચીન છોડીને ભારતમાં પ્લાન્ટ સ્થાપવા વિશે વિચારી રહી હતી તે હવે ફેરવિચારણા કરી રહી છે. નબળા અર્થતંત્રમાં કોઈ આંતરરાષ્ટ્રીય કંપની પોતાના અબજોનો કારોબારવાળો બિઝનેસ ભારતમાં લાવવાનું જોખમ ખેડતા પહેલા દસ વખત વિચારે. આંતરરાષ્ટ્રીય ફલક પર તો ભારતીય બિઝનેસનું ચિત્ર નબળું પડી ગયું છે પરંતુ ભારતની અંદરોઅંદરનો આર્થિક વ્યવહાર પણ ચોમાસા પહેલા ઠંડો પડી ગયો છે.

સરકાર અને રિઝર્વ બેન્ક ભારતના આર્થિક પ્રવાહોમાં ગરમી લાવવાની પૂરી કોશિશ કરે છે, પરંતુ હજુ સુધી નિષ્ફળતા જ મળી છે. વ્યાજના દરોમાં સરકારે ઘટાડો કર્યો તો પણ ઉદ્યોગ જગતને બેન્કમાંથી લોન લેવાની ઈચ્છા થતી નથી. ઉદ્યોગો પાસે કામદારો નથી રહ્યા.

બજારમાં ડિમાન્ડ નથી રહી. ઉત્પાદન બંધ પડયું છે. આર્થિક ચક્રો સ્થિર થઈ ગયા છે. ચીનની વૈશ્વિક શાખને લાગેલું કલંક આપણા માટે વિકાસનું નવું મુહૂર્ત સાબિત થાય એ મોકો આપણે ગુમાવી દીધો છે. પ્રધાનમંત્રીએ સીઆઈઆઈની વાર્ષિક બેઠકમાં ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવાની કોશિશ કરી છે પણ પરિણામ હજુ સુધી શૂન્ય છે. ભારતીય અર્થવ્યવસ્થા જકડાઈ ગઈ છે અને તેનામાં પ્રવાહિતા આવતા બહુ વાર લાગશે.

સરકારે નક્કર પગલાં ભરવા પડશે જેનાથી વિદેશી રોકાણકારો ભારતના આવવા માટે પ્રેરાય. સ્થાનિક રોકાણકારોને પણ આશાના કિરણો દેખાડવા પડે અને રેટિંગ વધે એવા પ્રયત્નો કરવા પડે. ભારત અચૂકપણે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે તો પણ ૨૦૨૦ નો ભારતનો આર્થિક વિકાસ દર સરકારને તો હકારાત્મક જ દેખાય છે.

અમેરિકન કોંગ્રેસના સ્વતંત્ર શોધકેન્દ્ર અનુસાર કોરોનાકાળમાં આંતરરાષ્ટ્રીય રોકાણકારોએ એશિયન દેશોમાંથી પોતાની છવ્વીસ અબજ ડોલરની મૂડી પાછી ખેંચી લીધી છે. તેમાં ભારતમાંથી પાછી ખેંચાયેલી મૂડીનો હિસ્સો સોળ અબજ ડોલર છે. એ જ રિપોર્ટ અનુસાર બધા દેશોના અર્થતંત્રને ફટકો લાગ્યો છે પણ ભારત, ચીન અને ઇન્ડોનેશિયાનો વિકાસદર સકારાત્મક તથા નજીકના ભવિષ્યની ઉજળી સંભાવના ધરાવતો છે. મૂડીઝના તુલનાએ અમેરિકન કોંગ્રેસ આશાવાદી છે. છે.

રિપોર્ટ મુજબ જર્મની, ફ્રાન્સ, સ્પેન, બ્રિટન અને ઇટાલીમાં ત્રણ કરોડથી વધુ લોકોએ સરકારી સહાય માટે અરજી કરી છે. ૨૦૨૦ ના પ્રથમ કવાર્ટરના આંકડાઓ ઉપરથી ખ્યાલ આવે છે કે યુરોપની અર્થવ્યવસ્થામાં ૩.૮ ટકાનો ઘટાડો નોંધાયો છે. ૧૯૯૫ પછી પ્રથમ વખત યુરોપની આર્થિક વ્યવસ્થાનું આટલું બધું પતન થયું. અમેરિકાના આ વર્ષના પ્રથમ કવાર્ટરમાં ઘરેલુ ઉત્પાદનમાં ૪.૮ ટકાનો ઘટાડો થયો જે ૨૦૦૮ ની વૈશ્વિક મંદી પછીનો સૌથી મોટો ઘટાડો છે.

Tags :