નશીલા હિમાચલની આપદાઓ .
હિમાચલ પ્રદેશમાં આમ પણ જિંદગી કાયમ માટે કુદરત સાથેનો સંઘર્ષ ધરાવનારી છે. હિમાચલના વતનીઓ ભાગ્યે જ પોતાની માતૃભૂમિ છોડે છે. જે મળે તેમાં પરમ સંતોષ રાખનારી પ્રજા અહીં છે. તેઓ વતન છોડતા નથી એનું એક જ કારણ છે કે તેઓ તેમના માતાપિતાથી દૂર જવા ચાહતા નથી. આ વખતની વરસાદી મોસમનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જિલ્લાના ઘણા ભાગો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. ગામડાઓમાં ઘણા મકાનોને નુકસાન થયું છે, જ્યારે કેટલાક ધોવાઈ ગયા છે. હમણાં એક દિવસ તો રાજ્યમાં એક જ દિવસમાં વાદળ ફાટવાની અગિયાર ઘટનાઓ બની હતી, જેમાંથી સૌથી વધુ મંડી જિલ્લામાં નોંધાઈ હતી. હિમાચલ પ્રદેશ આ દિવસોમાં કુદરતનો ભોગ બની રહ્યું છે. વાદળ ફાટવાની ઘટનાઓથી મંડી જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે.
ઘણા પહાડી વિસ્તારો પણ પ્રભાવિત થયા છે. એક તરફ નદીઓ છલકાઈ રહી છે, તો બીજી તરફ જમીન ધસી જવાથી ભય વધી ગયો છે. મોડી રાત્રે જ્યારે પ્રજા જંપી ગઈ હતી ત્યારે મંડી જિલ્લામાં વાદળ ફાટવાથી આવેલા પૂરમાં ભારે તબાહી મચી ગઈ હતી. દસ લોકોના અકાળે મોત થયા હતા, જ્યારે ઘણા ગુમ થયા હતા. આજે કુલ મૃત્યુઆંક તો સરકારી આંકડાઓ કરતા ઘણો દુઃખદ અને ઊંચો છે. હવામાન નિષ્ણાતો માને છે કે હિમાલય ક્ષેત્રમાં ઝડપથી બદલાતા હવામાનને સમજવાની જરૂર છે. બચાવના રસ્તા શું હોઈ શકે છે, આનો વિચાર કરવો પડશે. આબોહવા સંકટનું પરિણામ છે કે હવે પર્વતો પણ ગરમ થઈ રહ્યા છે અને ચોમાસામાં વાદળ ફાટવાની ઘટનાઓ વધી રહી છે. નિષ્ણાતો કહે છે કે ભેજમાં વધારો અને ગરમ હવાના ઝડપી વધારાને કારણે વાદળો ફાટી રહ્યા છે અને વિનાશ સર્જી રહ્યા છે. આવી સ્થિતિમાં, જ્યારે ખડકો, માટી અને વૃક્ષો ઝડપથી નીચે વહેવા લાગે છે, ત્યારે તે રસ્તામાં આવતી દરેક વસ્તુને ભારે નુકસાન પહોંચાડે છે.
ખેતીની જમીન નાશ પામે છે, રસ્તાઓ અને પુલ પણ તૂટી પડે છે અને જાનહાનિ થાય છે. હિમાચલ અને ઉત્તરાખંડ જેવા પહાડી રાજ્યોમાં વાદળ ફાટવાની વારંવાર થતી ઘટનાઓ એક ગંભીર ચેતવણી છે, જેને હળવાશથી ન લેવી જોઈએ. હિમાચલ પ્રદેશમાં ચિટ્ટા (એક પ્રકારની નશાકારક સિન્થેટિક ડ્રગ)ની સમસ્યા સતત વધી રહી છે. ડ્રગના કેસમાં હિમાચલ દેશમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. સરકાર અને વહીવટીતંત્ર આ બાબતે કડક છે, અને હવે પંચાયતો પણ આ ડ્રગ્સ સામે આગળ આવી રહી છે. લોકો પણ વ્યક્તિગત સ્તરે ચિત્તા સામેની લડાઈમાં જોડાયા છે. તે જ સમયે, હવે યુવાનો પણ આ લડાઈમાં જોડાયા છે. વિવિધ વિદ્યાર્થી સંગઠનો અને યુવાનો વ્યક્તિગત સ્તરે ચિટ્ટા સામે લડી રહ્યા છે. યુવાનો માને છે કે આ એક ગંભીર સમસ્યા છે અને જો તેનો સમયસર ઉકેલ ન આવે તો તેના પરિણામો ઘાતક બની શકે છે.
હિમાચલ પ્રદેશના મોટાભાગના યુવાનો ડ્રગ્સ તરફ વળી રહ્યા છે. આના ઘણા કારણો છે, પરંતુ બેરોજગારી એક મુખ્ય કારણ છે. યુવાનો અભ્યાસ કર્યા પછી બેરોજગાર થઈને ઘરે બેઠા છે. આના કારણે માનસિક તણાવ તેમને વ્યસન તરફ દોરી જાય છે. માનસિક તણાવને શાંત કરવા માટે, યુવાનો ડ્રગ્સનો ઉપયોગ કરે છે અને ધીમે ધીમે આ સમસ્યા ગંભીર બને છે. હિમાચલમાં અત્યારે કોંગ્રેસના સુખવિન્દર સુખ્ખુની સરકાર છે. તેઓ બહુ લોકપ્રિયતા ધરાવે છે. તમે સિમલા અને પછી એનાથી ઉપર મનાલિ જાઓ તો રસ્તામાં ક્યાંય પણ આ મુખ્યમંત્રી કે એના હાઈકમાન્ડના પોસ્ટર એક પણ જોવા નહિ મળે. આપવડાઈ વિના આ સરકાર શાંત-પ્રશાંત રીતે ચાલે છે. સુખવિન્દર જરૂર કરતાં વધારે ઉદાર છે. થોડા દિવસ પહેલા તેમણે રાજ્ય પોલીસને કહ્યું હતું કે આપણુ કામ કોઈને શરાબ પીધેલી સ્થિતિમાં પકડવાનું નથી. આપણું કામ એને એના ઘર કે હોટેલ સુધી સલામત રીતે પહોંચાડવાનું છે. મનાલિમાં તમને કોઈ નાગરિક સિગારેટ પીતો જોવા નહિ મળે.
જાહેર જીવનની શિસ્ત બીજા ભારતીય રાજ્યો કરતાં બહુ જ સારી છે. છતાં આ રાજ્યમાં સિન્થેટિક ડ્રગ્સની જાળ આટલી મજબૂત રીતે કેમ પથરાઈ ગઈ તે એક કોયડો છે. અનેક વિસ્તારોમાં પણ ચિત્તાની સમસ્યા સતત વધી રહી છે. યુવાનોમાં આ ચિટ્ટાનું વ્યસન ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આના ઘણા કારણો હોઈ શકે છે. જ્યારે યુવાનો અભ્યાસ માટે ઘરની બહાર જાય છે. આવી સ્થિતિમાં, દેખરેખના અભાવે, તેઓ વ્યસન જેવી આદતોમાં ફસાઈ જાય છે. આ ઉપરાંત, કેટલાક યુવાનો તેમના મિત્ર વર્તુળમાં કૂલ દેખાવા માટે વ્યસનની આદતોમાં ફસાઈ જાય છે. ઘણી વખત, સંબંધોનો તણાવ અથવા અભ્યાસનો તણાવ વગેરે પણ વ્યસનનું કારણ બની શકે છે. આમાં, શિક્ષણમાં યુવાનોને તણાવનો સામનો કરવાનું શીખવવામાં આવતું નથી એ પણ સિસ્ટમનો દોષ છે.