વિશ્વ આરોગ્ય સંસ્થાએ હમણાં ફરી ચોંકાવનારી જાહેરાત કરી છે કે આવનારા દિવસોમાં વધુ લાખો ચીનાઓ કોરોના અથવા એના જેવા નવા કોઈ ઉપદ્રવમાં હોમાઈ જશે કારણ કે ચીન પાસે દવાઓનો ભંડાર ખાલસા થયેલો છે. ચામાચીડિયાના માંસના શોખીન ચીનાઓને એ અંદાજ નહીં હોય કે તેમના આ શોખની કિંમત આખા જગતે દાયકાઓ સુધી ચૂકવવી પડશે. કોરોના વાઈરસનો મૂળ સ્રોત કયો એ હવે વણઉકેલ્યું રહસ્ય બની ગયું છે અને તેનો પત્તો ક્યારેય લાગવાનો નથી. એઇડ્સના એચઆઈવી વાયરસના ઉદગમસ્થાન વિશે પણ આપણે અડધી સદી પછી પણ હજુય અંધારામાં જ છીએ ને ! ચીનાઓની લોખંડી ગુપ્તતા કોરોનાના મૂળ સુધી ન પહોંચવા દે છતાં પણ જગતભરના વિજ્ઞાાનીઓનો બહુમત એવો છે કે કોરોના વાયરસ એ ચામાચીડિયાની જ દેન છે અને એની સાથે સીધા સંપર્કમાં માણસ આવ્યો એટલે જ માનવજાત કોરોનાના સપાટામાં ચડી હતી.
જુગુપ્સા જનક અને આપણા માટે તો અખાદ્ય હોય તેવા પદાર્થોને પોતાના ભોજનમાં સમાવવા ટેવાયેલા એવા ચાઈનીઝ લોકોએ દુનિયાને વર્ષો સુધી નહીં પણ દાયકાઓ સુધી ચાલુ રહે એવી તકલીફમાં મૂકી દીધા હતા. કોરોના વાયરસનો નવો વેરિયન્ટ આવ્યા પછી તો એવો સૂર પણ ઉઠયો હતો કે આ આખી સદી મહામારીની સદી તરીકે ઓળખાય તો પણ નવાઈ નહીં. એક દેશે દુનિયા આખીને અફર નુકસાન પહોંચાડી દીધું. હમણાં એક વખત વિશ્વ મીડિયાએ કોરોનાની કાયમી વિદાયનું બ્યુગલ બજાવ્યા પછી ફરી એ વાત જાહેર થઈ છે કે કોરોનાની ચિરવિદાય ભ્રામક છે.
કોરોના મહામારીના શરૂઆતના તબક્કામાં એવું લાગતું હતું કે આ તો પાંચ-છ મહિનાની ગેઈમ છે. પછી એ ગેઈમ વિકરાળ થવા લાગી. એક-બે વર્ષની બ્રેક લાગી ગઈ દુનિયાને. સેકન્ડ વેવ પછી અને ઘણા બધા લોકોને રસીના બંને ડોઝ મળી ગયા પછી બહુધા લોકો એ ભ્રમમાં હતા કે કોરોનાકાળની કુલ મળીને અવધિ પાંચેક વર્ષ કહી શકાય. પણ ૨૦૨૦ ના સમયમાં જ અમુક નિષ્ણાતોએ કહી દીધું હતું કે માનવજાતે હવે કોરોના સાથે રહેતા શીખવું પડશે. હકીકત એ નીવડી કે માત્ર ચીને કોરોના સાથે રહેવું પડશે. કોરોના નેસ્તનાબૂદ થવાનો નથી એવો સૂર એ ભવિષ્યવાણીમાં પડઘાતો હતો. પણ સમાંતર રીતે જે તે દેશના વડાઓ અને તંત્ર તો એ જ ભ્રમમાં હતા કે હવે થોડા મહિના પછી કોરોનાનો ભય જતો રહેશે. ત્યાં નવો વેરિયન્ટ ઓમિક્રોન આવ્યો. હવે નજર સામે રહેલું સત્ય ચીનાઓને સ્પષ્ટ દેખાયું કે આ મહિનાઓની નહીં પણ દાયકાઓની રમત છે અને એ પણ જીવલેણ રમત છે. પરંતુ થવાનું એવું છે કે એક-બે દાયકા પછી પણ કોરોના વાયરસ કે એના મયૂટન્ટ સ્વરૂપોની ભીતિ નીચે જ ચીનાઓ જીવતા હશે અને એકવીસમી સદીના અંત સુધી આ મહામારી નામશેષ ચીનમાંથી તો નહીં જ થાય.
કોરોના વાયરસ પોતાનો વંશવેલો વધારવાની તૈયારી સાથે આવ્યો છે. તે પોતે નબળો પડશે તો બીજા દસ સબળા વંશજોને તાલીમ આપીને જશે. સજીવ માત્રની આ ખાસિયત છે અને એ ખાસિયત તેને કુદરત પાસેથી મળી છે કે પોતાનો આંબો સમૃદ્ધ કરવો. આપણા પરિવારનો આંબો હોય છે. દરેક પરિવારનો દસેક પેઢી સુધીનો આંબો જોઈએ તો એ ઘટાટોપ લાગે, ઘેઘૂર લાગે, ભવ્ય લાગે. દસેક પેઢી અને એ દરમિયાન સર્જાયેલા ડઝનબંધ પરિવારોમાં બધા જ પ્રકારની વેરાયટી જોવા મળે. દરેક ક્ષેત્રમાં કોઈ દૂરના પરિવારજને પોતાનું નામ રોશન કર્યું હોય અને કોઈ એવું પણ હોય જેણે એના કુટુંબનું નામ ડૂબાડયું હોય. આવી ઘણી લાક્ષણિકતા અને વિશિષ્ટતા દરેક પરિવારની વંશાવળીમાં જોવા મળે. વિવિધતા હોવા છતાં એક પ્રકારનું સામ્ય પેઢી દર પેઢી ચાલ્યું આવતું હોય.
વિષાણુ છે એ મનુષ્ય કરતા ખૂબ શક્તિશાળી છે. તે પોતાના શરીરના બે ફાડિયા કરીને બીજા એક જીવને જન્મ આપી શકે છે. તે દિવસો સુધી કોઈ જ જાતના પોષણ વિના રહી શકે છે. તે મિનિટોની અંદર લાખો સંતતિઓ ઉત્પન્ન કરી શકે છે. તે ગમે તેવા માહોલમાં ઉછરી શકે છે. તેને તાપમાન, ભેજ કે ઊંચાઈ કે દબાણની ખાસ અસર થતી નથી. બે-ત્રણ તત્વો સિવાય દુનિયાભરની લેબોરેટરીના રહેલા રસાયણો કે ઝેરની અસર તેને થતી નથી. વિષાણુ ઉર્ફે વાયરસની જીવન ઘટમાળ બહુ જ આક્રમક હોય છે. તેની એક જ જરૂરિયાત હોય છે અને તે છે યજમાનની આવશ્યકતા. પોતાના કરતા કરોડો ગણા વજનના યજમાન શરીરનો એ રીતે તે વપરાશ કરી જાણે છે કે તે યજમાન દિવસો/મહિનાઓ સુધી એની અસરમાંથી મુક્તિ મેળવી શકે નહીં.


