જ્યારે દેશમાં કહેવાતા ડિજિટલ ધરપકડના નામે અંદાજે ૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરવામાં આવી છે અને ઘણા લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે ગુનેગારો પર સકંજો કડક કરવા માટે એક મોટી ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. તે પણ સરકારને બદલે સુપ્રીમ કોર્ટની પહેલ પર. ડિજિટલ ધરપકડો પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા, સુપ્રીમ કોર્ટે સીબીઆઈને અન્ય સાયબર ગુનાઓની તપાસ પછીથી કરવા અને ડિજિટલ ધરપકડની તપાસને પ્રાથમિકતા આપવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે રિઝર્વ બેંકને પૂછયું છે કે શું છૈંની મદદથી સાયબર છેતરપિંડી કરનારાઓના ખાતા ફ્રિઝ કરી શકાય છે? સરકારનું હજુ આ અપરાધો તરફ પૂરતું ધ્યાન નથી. એક પછી એક જે ચૂંટણીઓ આવે છે એમાંથી એનડીએ સરકાર કદી ઊંચી આવે એમ નથી. મુંબઈના રસ્તા પરના ગટરના ઢાંકણા પર ડિજિટલ હાઈવે એમ લખ્યું છે. એનો ત્યાં વળી શો અર્થ છે? માત્ર શબ્દોની માયાજાળ સર્જવા માટે જ કેન્દ્ર સરકાર તૈયાર હોય છે.
ડિજિટલ એરેસ્ટમાં પોલીસનો પનો ટૂંકો પડે છે. એટલે અદાલતે સીબીઆઈને કહ્યું કે જો કોઈ ગંભીર ડિજિટલ ગુનાનો વ્યાપ ભારતની બહાર ફેલાય છે, તો તે ઇન્ટરપોલની મદદ પણ લઈ શકે છે. દુઃખની વાત છે કે, આ સાયબર ક્રાઇમના સૌથી સામાન્ય લક્ષ્યો વૃદ્ધો છે, જેમને ડિજિટલ વ્યવહારોનું મૂળભૂત જ્ઞાાન હોતું નથી. લક્ષ્યાંકિત થયેલા વયસ્ક લોકોની ટકાવારી ૭૮થી ૮૨ ટકા હોવાનો અંદાજ છે. કેટલાક સ્થળોએ, આ ટકાવારી ૯૯ ટકા જેટલી ઊંચી છે. દરમિયાન, જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૪ સુધીમાં ૪૬ ટકા સાયબર છેતરપિંડી અને ડિજિટલ ધરપકડના કેસ મ્યાનમાર, કંબોડિયા અને લાઓસ જેવા દક્ષિણપૂર્વ એશિયાઈ દેશો સાથે જોડાયેલા હતા. ભારતમાંથી વિદેશો સાથેનું અપરાધી નેટવર્ક બહુ ઝડપથી વિકસી રહ્યું છે.
તાજેતરના વર્ષોમાં ડિજિટલ ધરપકડ સાયબર ક્રાઇમના સૌથી કપટી સ્વરૂપ તરીકે ઉભરી આવી છે. આ ગુનો માત્ર દેશની નાણાંકીય સુરક્ષા અને સ્થિરતા માટે જ નહીં, પરંતુ કાયદા અમલીકરણ પ્રણાલીમાં લોકોના વિશ્વાસ માટે પણ નોંધપાત્ર ખતરો છે. આવી સ્થિતિમાં, આ કૌભાંડોની દેશવ્યાપી તપાસ સીબીઆઈને સોંપવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય સમય અનુસાર એક અર્થપૂર્ણ હસ્તક્ષેપ છે. આ ક્રમમાં, કોર્ટે તમામ રાજ્યોને તેમના અધિકારક્ષેત્રમાં ગુનાઓની તપાસ માટે સીબીઆઈને સંમતિ આપવાનો નિર્દેશ આપ્યો છે. ખરેખર, કોર્ટે એ હકીકત સ્વીકારી છે કે સાયબર ગુનેગારો રાજ્યની સરહદોનો દુરુપયોગ કરે છે. બીજી બાજુ, મંદ ગતિએ થતી તપાસ સરહદ પારના સાયબર ગુનેગાર નેટવર્કને પ્રોત્સાહન આપે છે. સાયબર ગુનેગારો ડિજિટલ ધરપકડનો ઉપયોગ નિર્દોષ લોકોને પણ નિશાન બનાવવા માટે કરે છે.
તેઓ કાયદા અમલીકરણ અધિકારીઓ અથવા ન્યાયાધીશ તરીકે પોતાને રજૂ કરે છે અને તેમને મોટી રકમ ચૂકવવા માટે ડરાવી દે છે. ક્યારેક તો લોકોને ધમકી આપવા માટે સુપ્રીમ કોર્ટના નકલી આદેશોનો ઉપયોગ કરવામાં આવે છે. સાયબર ગુનેગારો જાહેર સંસ્થાઓ પરના લોકોના વિશ્વાસને જોખમમાં મૂકી રહ્યા છે તે ખૂબ જ ચિંતાજનક છે. ત્યારે જ સુપ્રીમ કોર્ટને ખ્યાલ આવ્યો કે હવે પરિસ્થિતિ અસહ્ય બની ગઈ છે અને દેશની કેન્દ્રીય એજન્સીએ તાત્કાલિક આ મામલાના મૂળ સુધી પહોંચવું જોઈએ. હવેથી સીબીઆઈને ડિજિટલ ધરપકડના કેસોમાં એફઆઈઆર નોંધવા અને છેતરપિંડી સાથે જોડાયેલા બેંક ખાતાઓ ફ્રિઝ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવી છે. આ ઉપરાંત, ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ બેંક અધિકારીઓની કથિત મિલીભગતની તપાસ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે.
ટેલિકોમ્યુનિકેશન વિભાગને સિમ કાર્ડના દુરુપયોગને રોકવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે. ચોક્કસપણે, જો કોર્ટની અર્થપૂર્ણ પહેલને અનુસરીને આ બધા પગલાં અમલમાં મૂકવામાં આવે, તો આ ગંભીર ગુના સામે રાષ્ટ્રીય સ્તરે પ્રતિક્રિયા આપવી શક્ય બનશે. કોર્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કેન્દ્રીય એજન્સી ભય કે તરફેણ વિના જવાબદારીપૂર્વક પોતાની ફરજો નિભાવશે. રાજ્ય સરકારોની સક્રિયતા અને સતર્કતા પણ સીબીઆઈને ગુનાઓના તળિયે પહોંચવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. નાગરિકોએ આવા ગુનાઓ સામે સ્વયં સતર્ક રહેવું જોઈએ. જાગૃતિ અને સતર્કતા તેમને ગુનેગારોની પકડમાં ફસાવાથી બચાવી શકે છે. આવા ફોન આવે ત્યારે, તેમણે થોભવું જોઈએ, કાળજીપૂર્વક વિચારવું જોઈએ અને બેંક સંબંધિત કોઈ પણ માહિતી જાહેર કરવામાં ઉતાવળ કરવાનું ટાળવું જોઈએ.


