Get The App

ગીર અને ગિરનાર

Updated: Aug 5th, 2025

GS TEAM

Google News
Google News
ગીર અને ગિરનાર 1 - image

ઉત્તર ભારતમાં પ્રલયકારી પરિસ્થિતિ છે. આ વરસે વરસાદ અનેક રંગેરૂપે વરસે છે. આપણા ગુજરાતમાં આજે પણ પ્રકૃતિના ઘેલા લોકોમાં કોઈ ઓટ આવી નથી. વરસાદમાં રખડવા માટે બહાર નીકળનારા લોકો વરસાદમાં ઘરમાં પુરાઈ રહેનારા લોકો કરતા કુદરત ઉપર વધુ વિશ્વાસ ધરાવે છે. તેમને ખબર છે કે આકાશ અને ધરતી વચ્ચેની આ મોસમ જરાક તો જરાક પણ હૈયે ધરવા જેવી છે. આ વખતે વરસાદ સાથે ભારતીય પ્રજાનો સંબંધ વિવાદાસ્પદ રહ્યો છે. પૂર્વોત્તર રાજ્યોની પ્રજા આભ ધરાના દરેક સંગમતીર્થ વખતે ત્રાહિમામ પોકારી ગઈ છે. પરંતુ પશ્ચિમ ભારતમાં અને દક્ષિણના મહત્ રાજ્યોમાં દૂર દૂર ક્ષિતિજ સુધી લીલા લહેર છે. વરસાદનું આતિથ્ય મન ભરીને માણનારા લોકો કુદરત માટે યજમાનપદુ ભોગવી શકે છે. વરસાદ સુષ્ટિનો જીર્ણોદ્ધાર કરી રહ્યો હોય અને એ અદભુત પ્રસંગમાં મહાલવાની મજા જ કંઈક ઔર છે. વરસાદને સાક્ષીભાવે જોવા માટે કુણા કલેવરનું કાળજું જોઈએ.

વરસાદના અવાજ માત્રથી સાંગોપાંગ ભીંજાવાની તાલાવેલી માણસને કુદરત સાથે જોડાયેલો રાખે છે. આ વખતે આ જન્માષ્ટમીની રજાઓમાં ગુજરાતના તમામ પ્રકૃતિ તીર્થ છલકાઈ જવાના છે. માનવ મહેરામણને કુદરતને ખોળે રમવાનો જે ઉમંગ આદિકાળે હતો એ જ જાણે કે હજુ છે. વરસાદને આપણે રાજાઓના રાજા મેઘરાજાનું બિરુદ આપ્યું છે. પણ વરસાદ એનામાં ભીંજાઈ જનારા બધાને રાજા હોવાનો તત્પુરતો ખુશનુમા ખ્યાલ આપે છે. વરસાદી છલક અને રિમઝિમ હલકની તીવ્રતા પાસે વર્લ્ડના શ્રેષ્ઠ સ્વિમિંગ પુલો પાણી ભરે. આ વખતે ગીરના જંગલમાં અને ગિરનાર ક્ષેત્રમાં લાખો ગુજરાતીઓ પ્રવાસે પહોંચ્યા છે. એનું કારણ એ છે કે ચોતરફ પર્વતો અને નાની-મોટી ટેકરીઓમાંથી ક્યાંક ધોધ તો ક્યાંક ઝરણાં વહેતા થયેલા છે. જંગલ ગાઢ બની ગયું છે. ગિરનાર તો એટલો બધો ઢંકાઈ ગયો છે કે સૂર્યના કિરણો પણ પૂરા હવે પ્રવેશી શકતા નથી. ગિરનારના અનેક ઝરણાંઓમાં સ્નાન કરવાનો લ્હાવો કોઈ આ વરસે જતો કરવા ચાહતા નથી. ગિરનારમાં હજુ પણ શિખરો વાદળોથી ઘેરાયેલા રહે છે. વારંવારના વરસાદે ગિરનારના સૌન્દર્યને અનેક નવા હરિતમ સ્પંદનોથી વિભૂષિત કર્યો છે.

ફિલ્મના કોઈ પણ સીનને વધુ ડ્રામેટાઇઝ કરવા માટે ડિરેક્ટરે વરસાદનું શરણું પકડવું પડતું હોય છે. સાંબેલાધાર વરસાદ, ગગન ધ્રુજાવતી વીજળીના ચમકારા, ક્ષિતિજને ધૂંધળી કરી નાખતા વાદળાઓ અને સૌંદર્યની સાથે આછેરો ભય છલકાવતી પ્રકૃતિની કરામત ધરતીને રંગમંચ બનાવી દે છે. વરસાદ એની સોળે કળાએ ખીલ્યો હોય ત્યારે આકાશમાં વાદળા નથી દેખાતા હોતા આકાશ એકરસ થઈ જાય છે. આ વરસે ગુજરાતનું આકાશ મન ભરીને વરસ્યું છે. માઇક્રોસોફ્ટ પેઇન્ટમાં ઓટોમેટીક કમાન્ડથી પુરાયેલા વાદળી રંગની જેમ આકાશમાં એકસરખો રંગ પથરાઈ ગયો હોય છે જેને જ વડીલો 'એકરસ' આકાશ એવું કહે છે. વરસાદને પોતાના બાહુપાશમાં લઈને ભીંજાનાર પણ પ્રકૃતિ સાથે એકરસ થવાની અજાગૃત કોશિશ કરતો હોય છે. પણ આ કુદરત છે. એ ભીંજવી જાણે, પલાળી જાણે, નવડાવી જાણે પણ એનામાં એમ જ ન ભેળવી દે. કુદરત સાથે એકાકાર થવા માટે તો કેટકેટલા તપસ્વીઓએ પોતાની જિંદગી સમર્પિત કરી છે. આ વખતના વરસાદે આર્થિક સમજણના દુષ્કાળમાં ઘેરાયેલી એનડીએ સરકારને ઘણી રાહત કરી દીધી છે.

વરસાદ ધીમો પડી જાય પછી પગપાળા કાદવ ખૂંદતા ગામનો જાયજો લેવાનો એક અનેરો આનંદ રહેતો જે વોટ્સએપના તુરંત જ ફોરવર્ડ થઈ જતા વિડીયોએ છીનવી લીધો છે. પગની બે આંગળીઓ વચ્ચેથી ચામડીને ખૂંચીને સરકી જતા કાદવની તોલે કયો મસાજ ઉભો રહી શકે? એમાં પણ જો કોઈ લોખંડનો નાનો સળિયો હાથમાં લાગી જાય તો ભેરુઓ સાથે જુની દેશી ચોમાસુ રમતો રમવાની લહેજત મળતી. હવે તો ગામડાંઓ ખાલી થઈ ગયા છે. સૌરાષ્ટ્રમાં ઝાલાવાડ અને એમાંય તરણેતર આસપાસના ગામડાંઓ હતા એવા ને એવા વસાવટ ધરાવતા છે. આણંદ આસપાસના ગામડાઓ પણ સજીવન થયેલા છે. એ સિવાય બધે ભેંકાર પરિસ્થિતિ દેખાય છે. ગુજરાતના આદિવાસીઓએ ખેતીનું સુકાન સંભાળી લીધું એને બે દાયકા પૂરા થવા આવ્યા છે. મૂળભૂત ખેડૂતો હવે માત્ર ખેતીના વહીવટદારો થઈ ગયા છે.

ગીરના જંગલમાં ટ્રાફિક જામ થઈ જાય છે અને ગિરનારમાં સાંકડી પગથી પર પગ મૂકવાની પણ જગ્યા રહેતી નથી. ગિરનાર ચડવાના પ્રાચીન રસ્તે ઊંચાઈએ આવેલા જટાશંકર શિખર મંદિર સુધી તો કીડિયારા જેવી ભીડ છે. કારણ કે નિરંતર વહેતા ઝરણાંઓનો એ તરફ અધિક વળાંક છે. આ મોસમમાં ગીરના જંગલમાં સિંહ દર્શનને બદલે ધોધ અને ઝરણાંઓમાં સ્નાન કરવા લાખો લોકો નીકળી પડયા છે. ખાનગી લાયન શો હવે બંધ થઈ ગયા છે છતાં મોકો મળે તો પ્રવાસીઓ સિંહની રાજવી છટાઓને નજરોનજર માણી લે છે.