ગોથા ખાતી એશિયન બજારો .
ફરીવાર શેરબજારે ગોથા ખાધા છે અને રોકાણકારોના દસ લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. ઘટાડાની અસર શેરબજારમાં વ્યાપક જોવા મળી હતી, જ્યાં ૨,૮૭૫ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે માત્ર ૯૮૫ શેર આગળ વધ્યા હતા અને ૧૦૯ શેરો યથાવત રહ્યા હતા.
યુદ્ધ જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓ લાંબા ગાળાના રોકાણકારો માટે મોટો નફો લાવી શકે છે. વિશ્લેેષકો માને છે કે જો તેઓ જોખમ લેવાની ક્ષમતા ધરાવતા હોય તો આ સમય રોકાણકારો માટે તેમની મનપસંદ કંપનીઓના શેર સસ્તા દરે ખરીદવાની સારી તક હોઈ શકે છે. જો કે રોકાણકારોએ પહેલા મૂલ્યાંકન કરવું પડશે કે શું આ ભૂ-રાજકીય વિકાસ સ્થાનિક સ્તર સુધી મર્યાદિત રહેશે કે પછી વૈશ્વિક આકાર લેશે. ભૂતકાળમાં પણ ઘણી યુદ્ધ જેવી ઘટનાઓ બની છે, જેના પર બજારની પ્રતિક્રિયા જોવી ખૂબ જ રસપ્રદ છે.
ડેટા દર્શાવે છે કે બજારો સામાન્ય રીતે કોઈ પણ નકારાત્મક ઘટના અથવા અનિશ્ચિતતાની અપેક્ષાએ વધતી જતી અસ્થિરતા સાથે પ્રતિક્રિયા આપે છે, પરંતુ સમય જતાં જેમ જેમ પરિસ્થિતિ સ્પષ્ટ થાય છે તેમ તેમ શેરબજારો વધુ વેગ પકડે છે. ભૂ-રાજકીય જોખમો અલગ નથી. ઐતિહાસિક રીતે એવું જોવામાં આવ્યું છે કે ભૂ-રાજકીય જોખમોના સમયે ઇક્વિટી બજારો વધુ ઝડપથી પ્રતિક્રિયા આપે છે, પરંતુ ટૂંક સમયમાં ફરીથી સ્થિર પણ થઈ જાય છે. ઉદાહરણ તરીકે, કુવૈત પર ઈરાન દ્વારા ઈ. સ. ૧૯૯૦માં હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા દરમિયાન બજારોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તે સમયે પેટ્રોલિયમ પેદાશોની કિંમતો બમણી થઈ ગઈ હતી. જો કે ચાર મહિનામાં જ શેરબજારો ફરી ટોચના સ્તરે આવી ગયા હતા. અને ત્યારે બજાર પાસે કુવૈત તરફ જોવાનો સમય ન હતો. ભારતમાં પણ ઈ. સ. ૧૯૯૯ના મધ્યમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ દરમિયાન બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો.
જો કે બજારોએ ઝડપી પુનરાગમન કર્યું ત્યારે તે સ્પષ્ટ થઈ ગયું કે આ યુદ્ધ વધુ લાંબું ચાલશે નહીં. છેલ્લા કેટલાક ટ્રેડિંગ સેશનમાં પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૂ-રાજકીય તણાવને કારણે ભારત સહિતના વૈશ્વિક બજારો દબાણ હેઠળ આવ્યા હતા. તેના કારણે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં પાંચ ટકાનો વધારો થયો અને તે પ્રતિ બેરલ ૭૫ ડોલરની આસપાસ પહોંચી ગયો. યુદ્ધ જેવી ઘટનાઓ લાંબા ગાળાના રોકાણકારો માટે ખરીદીની તકો પૂરી પાડે છે. પરંતુ એ સમજવું અગત્યનું છે કે શું આ ચાલી રહેલો સંઘર્ષ થોડા સમય માટે એટલે કે કામચલાઉ છે કે પછી પરિસ્થિતિ વધુ ખરાબ થશે. ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધ દરમિયાન પણ બજારોમાં શરૂઆતી ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ, જ્યારે રોકાણકારો સમજી ગયા કે ઘટનાઓ એના સ્થાનિક સ્તર સુધી મર્યાદિત રહેશે, ત્યારે બજારે ટૂંક સમયમાં સુધારાની ગતિ પકડી લીધી હતી.
અત્યારે પણ રોકાણકારો વધુ ચિંતિત છે કે આ યુદ્ધ એના સ્થાનિક સ્તર સુધી મર્યાદિત રહેશે કે નહીં. જો સ્થિતિ નિયંત્રણમાં રહેશે તો આગામી થોડા દિવસોમાં બજારો ફરી ઉછળી શકે છે. આગામી થોડા અઠવાડિયા બજારો માટે પડકારજનક હોઈ શકે છે કારણ કે તેઓ વિધાનસભાની ચૂંટણીના પરિણામો, સપ્ટેમ્બર ક્વાર્ટર (Q2-FY25)ના નાણાંકીય પરિણામો, રિઝર્વ બેંકની નાણાંકીય નીતિ અને પરિણામો પર નિર્ભર રહેશે. બજાર હજુ વૈશ્વિક સ્તરે અમેરિકી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી અને ક્રૂડ ઓઈલના ભાવની દિશા પર પણ નજર રાખશે. ગુરુવારે ભારતીય શેરબજારમાં અરાજકતા જોવા મળી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક જેવા મોટા શેરોમાં ઘટાડાની વચ્ચે બેન્ચમાર્ક સૂચકાંકો BSE સેન્સેક્સ અને નિફ્ટી-૫૦ બે ટકાથી વધુના ઘટાડા સાથે બંધ થયા છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ઈન્ડેક્સ ડેરિવેટિવ્ઝ માટેના નવા નિયમોના અમલને કારણે બજારમાં નકારાત્મક વાતાવરણ છે. સતત વિદેશી ભંડોળ ઉપાડવાની ઘટનાએ અને ક્રૂડ ઓઈલના વધતા ભાવે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી છે.
સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૯ શેર લાલ નિશાનમાં બંધ થયા છે. એશિયન બજારોમાં, હોંગકોંગ લાલ નિશાનમાં બંધ થયું જ્યારે ટોક્યો લીલામાં બંધ થયું. રજાઓના કારણે ચીનમાં બજારો સપ્તાહના બાકીના દિવસોમાં બંધ રહેશે. યુરોપિયન બજારો મોટે ભાગે નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવારે અમેરિકન બજારો મામૂલી વધારા સાથે બંધ થયા હતા. ગઈકાલે ગુરુવારે દલાલ સ્ટ્રીટમાં ભારે ઘટાડાથી રોકાણકારોને રૂ. ૯.૭ લાખ કરોડનું નુકસાન થયું હતું. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવારે આશરે રૂ. ૪૭૪ લાખ કરોડ હતું, જે ગુરુવારે ઘટીને રૂ. ૪૬૫ લાખ કરોડ થયું હતું.