Get The App

હવે યુદ્ધ ક્યાં પહોંચ્યું ?

Updated: May 3rd, 2026

GS TEAM

Google News
Google News
હવે યુદ્ધ ક્યાં પહોંચ્યું ? 1 - image

અમેરિકાનું ઈરાન સામેનું યુદ્ધ હોર્મુઝની સામુદ્રધુની અને ઓમાનના અખાતમાં ઘોર અહંકારની ટક્કરમાં પરિણમ્યું છે. ઇચ્છાશક્તિની આ લડાઈ સામસામી નૌકાદળની નાકાબંધી અને રાજદ્વારી અંતરાયો ઊભા કરે છે. યુએસ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે આદેશ આપ્યો છે કે હોર્મુઝ સ્ટ્રેટમાં લેન્ડમાઇન નાખતા કોઈપણ ઈરાની જહાજને જોતાં જ ઉડાવી દેવામાં આવે. અગાઉ, એક વરિષ્ઠ ઈરાની અધિકારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી કે હોર્મુઝ સ્ટ્રેટ નજીકની ગુફાઓમાં ઈરાની સૈનિકો તૈયાર છે. આ નિવેદનો સ્પષ્ટપણે દર્શાવે છે કે બંને પક્ષો એકબીજાને ઉશ્કેરી રહ્યા છે. આ ખાડી યુદ્ધમાં ડોનાલ્ડ ટ્રમ્પની નાટયાત્મકતા સ્વયં એક શસ્ત્રનું કામ કરે છે જેને કારણે ક્રમશઃ મગર જેમ શિકારને પાણીમાં તાણી જાય એમ ગુપ્ત બુદ્ધિમાન ટ્રમ્પ ઈરાનને યુદ્ધમાં ઊંડે ને ઊંડે તાણી લઈ જઈ રહ્યા છે. દુષ્ટ ટ્રમ્પની ચાલ ઓળખવા માટે ઈરાને શેતરંજના સો દાવ શીખવા પડે એમ છે. આ કોઈ આસાન રાષ્ટ્ર વડો નથી.

૨૮ ફેબુ્રઆરીના રોજ અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ પછી હોર્મુઝની સામુદ્રધુની દ્વારા ટ્રાફિકના મુક્ત પ્રવાહને અસરકારક રીતે અવરોધિત કરનાર ઈરાને આ મહત્વપૂર્ણ જળમાર્ર્ગ પર પોતાનો નિયંત્રણ હળવો કરવાનો ઇનકાર કર્ર્યો છે. અમેરિકાનું કહેવું છે કે સમાધાન ન થાય ત્યાં સુધી ઈરાની બંદરો પર તેની નાકાબંધી ચાલુ રહેશે. ગયા અઠવાડિયે, ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ સીધી વાટાઘાટોના પ્રથમ રાઉન્ડમાં મધ્યસ્થી કરવા માટે પાકિસ્તાનની યાત્રા કરી હતી, પરંતુ પછીથી ઈરાને વોશિંગ્ટન સાથે વધુ સીધી વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો હતો. વ્હાઇટ હાઉસે અગાઉ કહ્યું હતું કે તે ખાસ દૂતો સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશનરને ઇસ્લામાબાદ મોકલશે, પરંતુ ટ્રમ્પે ગંધ આવી જતા એમને મોકલ્યા ન હતા. વારંવાર કહ્યું છે કે ઈરાન સોદો ઇચ્છે છે. તેમ છતાં, તેહરાન લેબનોન પર ઇઝરાયલી હુમલાઓ અને ઓમાનના અખાત પર અમેરિકાની નાકાબંધીનો ઉલ્લેખ કરીને અમેરિકા સાથે વાટાઘાટો કરવાનો ઇનકાર કરવાનું ચાલુ રાખે છે.

કાગળ પર, લેબનોનમાં યુદ્ધવિરામ લાગુ છે, અને ટ્રમ્પે આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે ઇઝરાયલને તે દેશ પર હુમલો કરવાનો પ્રતિબંધ છે, પરંતુ ઇઝરાયલી હવાઈ હુમલા ચાલુ છે. ટ્રમ્પે નાકાબંધી હટાવવા માટે કોઈ ઉતાવળ બતાવી નથી. તેમનું માનવું છે કે સતત આર્થિક દબાણ ઈરાનને તેનું વલણ બદલવા માટે દબાણ કરશે અથવા તેનું આર્થિક પતન તો ચાલુ જ રહેશે. એકમાત્ર આશાસ્પદ બાબત એ છે કે હજાર વાંધાવચકા વચ્ચેય ૮ એપ્રિલે જાહેર કરાયેલ ઈરાન યુદ્ધવિરામ યથાવત છે. તેમની અનેક ધમકીઓ છતાં, ટ્રમ્પે ઈરાન દ્વારા પસયન ગલ્ફમાં જહાજો કબજે કર્યા પછી પણ કોઈ પગલાં લીધા નથી. દરમિયાન, ઈરાની ટેન્કર જપ્ત કરવા બદલ બદલો લેવાની અમેરિકાની ચેતવણી છતાં તેહરાને પણ કોઈ પગલાં લીધા નથી.

બંને પક્ષોએ પોતાથી અધિક દુર્જન પાકિસ્તાન દ્વારા રાજદ્વારી સંપર્ક જાળવી રાખ્યો છે. રાજદ્વારીનો વિકલ્પ વિનાશ છે. અમેરિકા અને ઈઝરાયલે ૪૦ દિવસ સુધી ઈરાન પર બોમ્બમારો કર્યો, પરંતુ મોટા હુમલા ને હત્યાઓ છતાં કોઈ ઇચ્છિત વ્યૂહાત્મક પરિણામો પ્રાપ્ત કરવામાં નિષ્ફળ ગયા. અને હવે આ ગેરકાયદે યુદ્ધના વૈશ્વિક આર્થિક પરિણામો અનુભવાઈ રહ્યા છે. રાજદ્વારી સફળ થવા માટે, ટ્રમ્પ અને ઈરાની નેતૃત્વએ તબક્કાવાર અભિગમ અપનાવવો જોઈએ. આ યુદ્ધે પ્રદેશની વ્યૂહાત્મક વાસ્તવિકતાઓ બદલી નથી તેવો ડોળ કરવાને બદલે, અમેરિકાએ મુખ્ય મુદ્દાઓ પર કરારોના બદલામાં ઈરાનને નક્કર છૂટછાટો આપવી જોઈએ. ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણ સ્થાપિત કરીને અમુક અંશે નિરોધકતા દર્શાવી છે. પરંતુ જો તે વાણિજ્યિક ટ્રાફિકને વિક્ષેપિત કરવાનું અને વૈશ્વિક અર્થતંત્રને વધુ નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખે છે, તો તે નબળા પક્ષ તરીકે મેળવેલી સદભાવના ગુમાવવાનું જોખમ લે છે.

પહેલું વ્યવહારુ પગલું પરસ્પર તણાવ ઓછો કરવાનો રહેશે. અમેરિકાએ તેનો નાકાબંધી હટાવવી જોઈએ અને ઈરાને વ્યાપારી જહાજો માટે સ્ટ્રેટ ફરીથી ખોલવો જોઈએ. આ બાબત નાજુક યુદ્ધવિરામને પણ મજબૂત બનાવશે અને વિશ્વાસ બનાવશે. વધુમાં, તે પરમાણુ કાર્યક્રમ સહિત તમામ બાકી મુદ્દાઓ પર સીધી વાટાઘાટોના આગામી રાઉન્ડ માટે માર્ગ મોકળો કરશે.

હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા ટ્રાફિક હાલમાં સંપૂર્ણપણે અવરોધિત છે. યુએસ નેવીએ તેહરાનના બંદરોને નાકાબંધી કરી દીધી છે, અને બદલામાં, ઈરાન કોઈપણ જહાજોને સ્ટ્રેટ પાર કરતા અટકાવી રહ્યું છે. યુદ્ધ દરમિયાન પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ ન હતી.