ખાનગી હોસ્પિટલોની લુચ્ચાઈ
આપણી પ્રાઇવેટ હોસ્પિટલો અત્યારે શું કરી રહી છે તે યક્ષપ્રશ્ન છે. ખિસ્સામાં પૈસા ન હોય તો પણ સરકારીને બદલે પ્રાઇવેટ હોસ્પિટલ પાસે ઈલાજ કરાવવા જનારો એક મોટો વર્ગ છે. દાયકાઓ સુધી ભારતની સામાન્ય જનતાએ અનેક પ્રાઇવેટ હોસ્પિટલોના સામ્રાજ્યને વિશાળ બનાવવામાં પોતાના લોહીપાણીની કમાણી આપી દીધી છે. આજે એ જ હોસ્પિટલો કોરોના પોઝિટિવ પેશન્ટની સારવાર કરવા માટે કોરા ચેક માંગે છે. શું મેડિકલ ક્ષેત્ર આટલું બધું શુષ્ક અને નિર્દયી બની ગયું છે કે માણસના જીવની કિંમત પૈસા કરતાં સાવ ઘટી જાય ? પ્રાઇવેટ હોસ્પિટલનું પગથિયું ચડનાર માણસ પોતાને સૌથી કમનસીબ માનવા લાગ્યો છે અને આમાં મુખ્ય દોષ તો આવી હોસ્પિટલો ચલાવનાર માલિકોની ક્યારેય પૂરી ન થનારી લાલસાનો હોય છે. ટ્રસ્ટો દ્વારા સંચાલિત રાહત દરની અનેક હોસ્પિટલોને કાનૂની આંટીઘૂંટી રચીને કોર્પોરેટ સેક્ટર ગળી ગયું છે.
આથક સુધારણા કર્યાને બે દાયકાઓ વીતી ગયા છે. દેશના વિધવિધ રાજ્યૈની હેલ્થ સિસ્ટમનો મોટો કારભાર પ્રાઇવેટ હોસ્પિટલોના શિરે આવી ચડયો છે. ઘણીક જનતાના ફંડફાળાથી ઊભી થયેલી હોસ્પિટલો પણ હવે ખાનગી રાહે કામ કરે છે અને ચિક્કાર નફો કમાય છે. પરંતુ અંદાજે અઢી લાખ કરોડનું ખાનગી મેડિકલ સેક્ટર કોરોના મહામારીમાં સુષુપ્ત કેમ લાગે છે ? નામાંકિત કે નામચીન એવી એકેય હોસ્પિટલના નામ તો સંભળાતા જ નથી. પ્રજાની હાલાકીનો બધો બોજો સરકાર, સરકારી ડૉક્ટરો અને નર્સ ઉપર આવી ચડયો છે. ખાનગી કોર્પોરેટ અને અન્ય બિનસરકારી હોસ્પિટલો ભારતના ચારમાંથી ત્રણ બેડની માલિકી ધરાવે છે. ભારતમાં જેટલા પણ વેન્ટીલેટર છે એમાં દસમાંથી આઠ વેન્ટિલેટર ખાનગી હોસ્પિટલો હસ્તક છે. છતાં પણ ખાનગી મેડિકલ ક્ષેત્ર દસ ટકા કરતા પણ ઓછા કોરોના પોઝિટિવ કેસ અત્યારે સંભાળી રહી છે. જે એની ક્ષમતા અને લોકોએ ભરી આપેલી તિજોરીના પરિપ્રેક્ષ્યમાં નગણ્ય કહેવાય.
બિહાર જેવા રાજ્યોમાં ખાનગી હોસ્પિટલ પાસે સરકારી યુનિટ કરતા બમણા સંસાધનો છે. પણ કોરોના મહામારીમાં તેમનું યોગદાન શૂન્યવત્ છે. કોરોના પેશન્ટ આવે તો તેને બીજે મોકલી દેવાની વૃત્તિ એટલી સઘન બની ગઈ છે કે પેશન્ટને હોસ્પીટલના દરવાજેથી ધકેલી દેવામાં આવે છે. પેશન્ટ પગથિયે પડી રહીને કણસતું હોય તો પણ આ અમુક ખાનગી હોસ્પિટલના પેટનું પાણી નથી હલતું. દિલ્હી અને મહારાષ્ટ્રની રાજ્ય સરકારે તો વટહુકમ બહાર પાડવો પડયો જેથી ખાનગી હોસ્પિટલો કોરોના પોઝિટિવ કેસ સાથે આવું ન કરે. કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરાવવામાં આવે તો કેટલો ખર્ચ થાય એ અંગે સોશિયલ મીડિયામાં ચાલેલી લાંબી પ્રશ્નોતરી છતાં ગુજરાત સરકાર હજુ સુધી ચૂપ છે. રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલોને ન તો કોઈ હુકમ કર્યો છે કે ન તો કોઈ ગાઈડ લાઈન આપી છે. આ મોકાનો લાભ લઈને ગુજરાતનું કોર્પોરેટ હેલ્થ સેક્ટર કાતિલ નજરે પરિસ્થિતિને જુએ છે ને એમ માને છે કે કોરોનાનો અસ્ત થાય ને સંધ્યાવેળા આવે એ પહેલા એમને જોઈતા શિકાર મળી રહેશે. તેઓ માનવતાની સર્વ હદ વટાવવા ઉત્સુક દેખાય છે.
મીડિયામાં આવેલા ઘણા બધા અહેવાલો પરથી એવું કહી શકાય કે આવી પરિસ્થિતિના કારણો ઘણા છે. પગારકાપ, કર્મચારીઓની નારાજગી, ક્વોરન્ટીન કરવાની નારાજગી, ભવિષ્યની સંભવિત અસરોને કારણે હોસ્પિટલની છાપને નુકસાન થવાની ભીતિ, સ્થાપિત પ્રોટોકોલના અમલીકરણનો અભાવ, રક્ષણાત્મક સાધનોની અછત, બાબુશાહી સૂચનાઓ વગેરે ખાનગી હેલ્થ સેક્ટરની નિષ્ફળતાના કારણો હોઈ શકે. ઊંડા ઉતરીએ એમ વધુ વરવું ચિત્ર સામે આવે. તેલંગણા જેવા રાજ્યમાં તો એવું પણ સંભળાયું હતું કે અમુક સરકારી બાબુઓએ જ ખાનગી હોસ્પિટલોને કોરોના પોઝિટિવ કેસ સ્વીકારવાની સામે ચાલીને ના પાડી હતી.
આ પરિસ્થિતિમાં એક અન્ય સમાંતર સ્થિતિ પણ છે અને તે છે બધાની નબળી પડી રહેલી આથક સ્થિતિ. નવા ખર્ચ અને વધતા જોખમોથી પ્રજાના ખિસ્સા નાના થઈ ગયા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની જવાબદારી બને કે આવા સંભવિત જોખમો પ્રત્યે પ્રજાને બાંહેધરી આપે. પણ કડવી હકીકત એ છે કે સરકારી રાહતો લઈને બેઠેલું આખું ખાનગી સેક્ટર મુશ્કેલીના સમયમાં ખૂણામાં લપાઈને બેઠું છે. જે સેક્ટરે ભારતની હેલ્થ સિસ્ટમ હાઇજેક કરવાની કોશિશ કરી, આજે તે જ લોકો પ્રજાની જવાબદારી લેવા માંગતા નથી. રાષ્ટ્રીય આપત્તિના સમયમાં પ્રાઇવેટ હેલ્થ સેકટરનું યોગદાન નહિવત્ છે. અને એ સત્ય આખા દેશને દેખાય એવું ઉઘાડું છે.
આ રોગચાળાએ નિયમો અને કાયદાઓ બનાવનાર તંત્રને ફેરવિચારણા કરવાની તક આપી છે. પ્રજાનું સ્વાસ્થ્ય, એની સાથે જોડાયેલી વીમા કંપનીઓ અને એની સાથે જોડાયેલા પ્રાઇવેટ હેલ્થ સેકટરના ખેરખાઁઓના વિકરાળ લોભત્રિકોણને તોડવાની નોબત આવી ગઈ છે. એવી પોલિસી અનિવાર્ય છે કે ભવિષ્યમાં મુશ્કેલીના આવા સમયમાં કોઈ પણ ખાનગી મેડિકલ ક્ષેત્ર હાથ ઊંચા ન કરી શકે. પ્રાઇવેટ હેલ્થ સેકટરે જો ટકી રહેવું હોય તો પોતાની ફરજ પણ બજાવવી પડે. નૈતિક મૂલ્યોનું જે પણ ક્ષેત્રમાં અધઃપતન થઈ ગયું હોય તે ક્ષેત્રને પ્રજા સાથે સંપર્કમાં આવવાની છૂટ કઈ રીતે હોવી જોઈએ ? સુખમાં સાથ સૌ આપે, દુઃખમાં સાથ આપે એ ખરી સંસ્થા અને ડોક્ટરો. મેડિકલ સંસ્થાઓ તો બની જ છે દુઃખી સમયમાં સાથ આપવા માટે. પ્રાઇવેટ હેલ્થ સેકટરની ફરજપરસ્તી અને નૈતિકતા ઉપર મોટા લાંછન અને પ્રશ્નાર્થચિહ્નન લાગ્યા છે. એકસો ત્રીસ કરોડ ભારતીયોને આ પ્રશ્નાર્થચિહ્નન આવનારા દાયકાઓ સુધી યાદ રહેશે જો હજુ પણ એની સંવેદનશૂન્યતા એવી ને એવી જ રહેશે તો !