રાજાઓના રાજા મેઘરાજાએ મોસમને જરાક વળાંક આપીને નૂતન આશાઓનો સંચાર કર્યો છે. એનાથી ગુજરાતના જનજીવનમાં ઉત્સાહ વધ્યો છે. ચોમાસાની ચાલ આ વખતે શરૂઆતથી જ ભેદી તો રહી છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ માત્રાભેદથી વરસે છે. એ જમાનો તો હવે છે નહિ કે સાર્વત્રિક એક સરખો વરસાદ હોય. ખોબા જેવડા ગામમાં પણ ક્યાંક વરસે ને ક્યાંક ન વરસે એ સહુનો અનુભવ છે. પહેલા જુદા જુદા માવઠાં અવતર્યા ને પછી કેરળથી ચોમાસાનો સત્તાવાર આરંભ થયો. આ વરસે વહેલા વરસાદે ચોમાસાની આખી ડિઝાઈન ફેરવી નાંખી છે. એની અસર હજુ પણ રહેશે. એ વખતે સારા વરસાદથી હર્ષઘેલા થયેલા દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં ત્યાર પછીનો બીજો વરસાદ આવ્યો નથી.
દક્ષિણ ગુજરાતની તો ભૌગોલિક સ્થિતિ જ કુદરતનો અધિક પ્રેમ ધરાવતી છે. આ વરસે પણ રાજ્યમાં ચોમાસાનો પાક ત્યાં વધુ સારો આવશે. એનું એક બીજું કારણ એ છે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ બાગાયતી પાક ચાલુ રાખ્યા છે. એનાથી એ જમીન કસવાળી રહી છે. ઉનાળામાં ખેતરો સાવ ખુલ્લા હોય ત્યાં પાણીના તળ ઊંડે જતા રહે છે. સૌરાષ્ટ્રમાં તાલાળા ગીર સિવાયના પ્રદેશોમાં બાગાયતી પાકનું નામ-એ-નિશાન નથી. વૈકલ્પિક ખેતી તરફ આમ તો ગુજરાતના કિસાનોની ઉદાસી જાણીતી છે. આંતરપાકમાં પણ બેદરકારી છે. ગુજરાતને છેલ્લા પાંચ-છ વરસથી કેરળના ચોમાસાનો લાભ મળતો નથી. આ વખતે તો દક્ષિણનું ચોમાસું ઉપર આવ્યું કે નહિ એ આકાશમાં જોવાથી ખબર નહિ પડે. કેરળનું ચોમાસું હવે માત્ર ઉદઘાટનના સમાચાર જ છે.
એક જમાનામાં હાથીઓના વિરાટ સૈન્ય જેવા વાદળોના દળ દક્ષિણના સાગરકાંઠેથી ઉપર તરફ આવતા અને આખા મહારાષ્ટ્રના કાંઠાળ પ્રદેશને ભીંજવીને પછી ગુજરાતમાં ધોધમાર વરસતા અને તોય આભનો એ ગાભ ખાલી ન થતો તે છેક રાજસ્થાન અને પાકિસ્તાન પર પણ એ વરસાદ પડતો. હવે તો કેરળથી સહેજ આગળ વધે ત્યાં એ વાદળાઓ ખાલી થઈ જાય છે. ગુજરાતમાં ચેક ડેમ લાખોની સંખ્યામાં છે. એ ચેક ડેમ અત્યારે ભરાઈ તો જાય છે પણ થોડા દિવસોમાં ખાલી થઈ જાય છે કારણ કે જમીન પાણી શોષી લે છે. એ પાણી ટકે એટલો ઉપરવાસનો વરસાદ હોય તો જ ચેક ડેમ કામમાં આવે. શહેરોની સ્થિતિ જુદી છે. અનેકાનેક સોસાયટીઓમાં પોતપોતાના પાણીના બોર છે. હવે આ બોરના તળમાં પાણી આવવા માટે વસાહતોની નજીકમાં ખુલ્લા મેદાનો હોવા જોઈએ.
પાણીના બોર માટેના એ કમાન્ડ પ્લોટ કહેવાય. પરંતુ હવે તો દરેક શહેરોમાં એક પછી એક અડોઅડની સોસાયટીઓ અને ફ્લેટ પરિસર બની ગયા છે એટલે બોરમાં પાણી આવવાના બધા ભૂગર્ભ રસ્તાઓ બંધ થઈ ગયા છે. એટલે સારો વરસાદ હોય તોય પાણી ઉપરથી જ વહી જાય છે ને બોર ખાલી રહી જાય છે. ગુજરાતમાં પાણીના ટેન્કરોનો વ્યાપાર વિસ્તરવાના આ જ કારણો છે. અત્યારે ગુજરાતના આકાશ પર બંગાળના અખાતના હવાના હળવા દબાણથી એકીકૃત થયેલા વાદળો પવનના પ્રવાહે પશ્ચિમ ભારત પર છવાયેલા છે તેનો લાભ મળે છે. સામાન્ય રીતે તો હજુ બંગાળના અખાતમાંથી આવા બે - ત્રણ રાઉન્ડ આવવાની ગણતરી હોય છે પરંતુ આ વખતે અલનિનોની આંશિક અસર હોવાથી એ આવે તો આવે.
આ વખતના ચોમાસાનો ખરો આધાર હવે પછીના વરસાદના રાઉન્ડ પર છે. છતાં ગુજરાતના જે એકવીસ તાલુકાઓમાં સાવ અછતની પરિસ્થિતિ હતી તે યાદી હવે ટૂંકી થઈ ગઈ છે. એનાથી સરકારના કરોડો રૂપિયા બચી ગયા છે. છતાંય ચોમાસાના ખરેખરા પરિપાકનો અંદાજ બાંધવાનો આ સમય નથી. કેરળનું ચોમાસું, બંગાળનો અખાત ઉપરાંત ગુજરાતની ભાગાયરેખાનો વધુ એક આધાર નૈઋત્યના પાછા ફરતા મોસમી પવનો છે. એ પવન પાછલા વરસોની તુલનામાં ધીમા પડતા જાય છે એ જ કારણે પૂર્વોત્તર ભારતમાં જે વધુ પડતો વરસાદ છે એમાં મધ્યપ્રદેશ અને ગુજરાતના 'ભાગ'નો વરસાદ પણ ત્યાં નજીકમાં જ વરસી પડે છે અને આપણા ખેતરો રાહ જોતાં રહી જાય છે. છેલ્લા બેત્રણ દિવસથી પૂર્વોત્તર ભારત પર બારેય મેઘ ખાંગા થઈને તૂટી પડયા છે.


