કેન્દ્ર સરકારની માલિકીની માઝાગાઁવ ડોક્સ લિમિટેડ (MDL) દ્વારા ૫૩ મિલિયન ડોલરના સોદામાં કોલંબો ડોકયાર્ડ PLC (CDPLC) માં બહુમતી હિસ્સો ખરીદવાની જાહેરાતને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના વધતા દરિયાઈ પ્રભાવના સંકેત તરીકે જોવી જોઈએ. ભારતીય નૌકાદળ અને તેલ સંશોધન પ્લેટફોર્મ અને જહાજો માટે યુદ્ધ જહાજો અને સબમરીન બનાવતી MDL, દેશની સૌથી મોટી સંરક્ષણ શિપયાર્ડ અને એક નવરત્ન કંપની છે. ખોટમાં ચાલી રહેલી શ્રીલંકાની સૌથી મોટી શિપબિલ્ડર અને રિપેર સુવિધા, CDPLC ના પ્રસ્તાવિત સંપાદનથી MDL ના પોર્ટફોલિયોમાં નોંધપાત્ર વધારો થશે. તેનું શિપયાર્ડ ઊંડા પાણીના કોલંબો બંદરની નજીક છે, જે કાર્ગો હિલચાલ માટે મહત્વપૂર્ણ છે. કેન્દ્ર સરકારની માલિકીની કંપની તરીકે, આ સોદો શ્રીલંકામાં ભારતની પ્રતિષ્ઠાને મજબૂત બનાવશે. ચીન પહેલાથી જ શ્રીલંકામાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. ચીન અગાઉથી જ હંબનટોટા ઇન્ટરનેશનલ પોર્ટ ગુ્રપમાં ૮૫ ટકા હિસ્સો ધરાવે છે અને તેણે શ્રીલંકાના દક્ષિણમાં બંદર પર પૂરા નવ્વાણુ વર્ષની લીઝ લીધી છે.
MDL અને ભઘઁભન્ વચ્ચેનો વ્યૂહાત્મક સોદો ભારત અને શ્રીલંકાના અધિકારીઓ વચ્ચેની વારંવારની વાટાઘાટોનું પરિણામ છે. આ સોદો ખાનગી કંપનીને બદલે દેશની એક મોટી સરકારી કંપની સાથે થયો છે અને તેને એક મહત્વપૂર્ણ સંકેત તરીકે પણ જોવો જોઈએ. તે દર્શાવે છે કે લંકામાં ગયા વર્ષે સપ્ટેમ્બરમાં યોજાયેલી ચૂંટણીમાં અનુરા દિસાનાયકે જીત્યા પછી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ હુંફાળા થયા છે. તેમની ચીન તરફી છબીની સંબંધિત અટકળોથી વિપરીત, દિસાનાયકે ચીન અને ભારત વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે. ચીન અત્યારે શ્રીલંકાનો સૌથી મોટો ધિરાણકર્તા દેશ છે. ભારતે મુશ્કેલ સમયમાં શ્રીલંકાને ક્રાઇસિસ લોન આપવાની વ્યવસ્થા કરી હતી. રાષ્ટ્રપતિ બન્યા પછી ભારત પહેલો દેશ હતો જ્યાં દિસાનાયકે વિદેશની મુલાકાત લીધી હતી.
ગયા વર્ષે નવેમ્બરથી લંકાની CDPLC કંપની મુશ્કેલીઓનો સામનો કરી રહી છે જ્યારે તેની જાપાની ભાગીદાર ઓનોમિચી ડોકયાર્ડ કંપનીએ ૫૧ ટકા હિસ્સો પાછો ખેંચી લીધો હતો. શ્રીલંકા અને જાપાન વચ્ચે નાણાકીય રાહત માટેની વાટાઘાટો સતત નિષ્ફળ નીવડી જતી હતી. શ્રીલંકન કંપની ડિફોલ્ટનો સામનો કરી રહી હતી અને જ્યારે MDL ને કેટલાક અન્ય લોકો સાથે સંભવિત ખરીદદાર તરીકે પસંદ કરવામાં આવી ત્યારે લંકન કંપનીએ રાહતના શ્વાસ લીધા હતા. આ સોદો બંને પક્ષો માટે જીત-જીતનો હોય તેવું લાગે છે. CDPLC પાસે લગભગ ૩૦૦ મિલિયન ડોલરના ઓર્ડર છે અને MDL ની ટેકનોલોજી અને ભારતીય સપ્લાય ચેઇન અને બજાર તેના માટે તકો લાવે છે. MDL ભારતીય નૌકાદળ માટે ત્રણ સ્કોર્પીન સબમરીન અને છ ડીઝલ-ઇલેક્ટ્રિક સ્ટીલ્થ સબમરીન બનાવી રહી છે. CDPLC હસ્તગત કરવાથી ભારતીય કંપનીને વિસ્તરણ કરવાની તક મળશે જેથી તે ફક્ત ભારતીય નૌકાદળના ઓર્ડર પર નિર્ભર ન રહે અને પૂર્વ એશિયા, પશ્ચિમ એશિયા, યુરોપ અને આફ્રિકાના દેશો સાથે બિઝનેસ કરી શકે જ્યાં લંકાની કંપનીની બજાર છે.
તે અર્થમાં, આ સોદો ભારતીય સરકારી કંપની માટે એક કસોટી હશે કે તે વિદેશી વ્યવસાયને કેવી રીતે હેન્ડલ કરી શકે છે. આપણે અત્યારે ર્ંશય્ભ વિદેશ અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જેવી કંપનીઓ સાથે ઊર્જા ક્ષેત્રમાં વિદેશમાં કામ કરી રહ્યા છીએ. રેલ ઇન્ડિયન ટેકનિકલ એન્ડ ઇકોનોમિક સર્વિસ (RITES) અને WAPCOS (જળ ક્ષેત્રની આંતરરાષ્ટ્રીય સલાહકાર પેઢી) જેવી કંપનીઓ પણ આંતરરાષ્ટ્રીય કન્સલ્ટિંગ કાર્યક્રમોમાં સ્પર્ધાત્મક સાબિત થઈ છે. પરંતુ ઘણા અન્ય લોકોએ દેશના જાહેર ક્ષેત્રને પરેશાન કરતી સમસ્યાઓનો સામનો કર્યો છે. MDL પાસે આમાંથી કોઈ સમસ્યા નથી અને તે તેના કરકસરભર્યા સંચાલન માટે જાણીતી છે.
શ્રીલંકાની નવી સરકાર બહુ સુમેળભર્યા સંબંધોની ઈચ્છા રાખે છે. છતાં પણ એની મર્યાદા એ છે કે ચીન પાસેથી એણે લીધેલા કરોડો ડોલરનો હિસાબ આપવાનો હજી બાકી છે. જો કે ચીને ચોતરફથી લંકાના ટાપુને અજગરની જેમ ભરડો લીધેલો છે. નવી સરકારને આ પરિસ્થિતિની પૂરેપૂરી ખબર છે અને એટલે જ એણે ભારત સાથેના સંબંધોની નવેસરથી પુનઃ સ્થાપના માટે આ ડોકયાર્ડ ડીલ ભારત તરફી રાખ્યું છે. ભારત સરકાર પણ સારી રીતે વાકેફ છે કે આ ડિલ બંને દેશો વચ્ચેનું છે એટલે ભારત સરકારે પોતાની પસંદગીની ખાનગી કંપનીઓને આગળ કરવાને બદલે સરકારની માલિકીની કંપનીને જ મેદાનમાં ઉતારી છે. કારણ કે આ કરાર વ્યાપારિક હોવા છતાં હિંદ મહાસાગરમાં ભારતના વધતા પ્રભુત્વનું એક નવું સીમાચિહ્ન બની રહેશે અને એના લશ્કરી સૂચિતાર્થો પણ બહુ મહત્વના હશે. એથી ભારત સરકારે તેની પ્રિય ખાનગી કંપનીઓને પણ આ ડિલથી અલગ રાખી છે.


