ગાઝા પરત્વે સહાનુભૂતિ .
ગાઝામાં નાગરિકો પર ઇઝરાયલી હુમલાઓ પ્રત્યે મહિનાઓ સુધી આંખ આડા કાન કર્યા પછી, મુખ્ય પશ્ચિમી રાષ્ટ્રોએ આખરે પોતાનું વલણ બદલ્યું છે અને કડક વલણ અપનાવ્યું છે. ફ્રાન્સ, યુનાઇટેડ કિંગડમ અને કેનેડાએ સપ્ટેમ્બરમાં પેલેસ્ટાઇનને શરતી માન્યતા આપી હતી અને યુએન જનરલ એસેમ્બલીના ૮૦મા સત્ર પહેલા બે-રાષ્ટ્ર ઉકેલ માટે સમર્થન આપવાનું વચન આપ્યું હતું. વ્યવહારમાં, આ પગલું પ્રતીકાત્મક છે, કારણ કે પેલેસ્ટાઇન રાજ્ય અસ્તિત્વમાં નથી. પરંતુ વ્યાપક ભૂ-રાજકીય દ્રષ્ટિએ, ઇઝરાયલ પર આંતરરાષ્ટ્રીય સમુદાયના વલણમાં પરિવર્તન નોંધપાત્ર છે. ગાઝા શબ્દ હવે અનેક વિપત્તિદાયક સ્થિતિની નવી પરિભાષા છે. ગાઝા એટલે તમે ખોરાક શોધતા ઓ ત્યારે તમને બંદૂકની ગોળી મળે. આજકાલ ઈઝરાયલના સૈનિકો ભૂખ્યા અને તરફડતા ગાઝાના નાગરિકો પર બોમ્બવર્ષા કરી રહ્યા છે. ગાઝાને ઈથિયોપિયા બનતા બહુ વાર નહિ લાગે.
દુનિયા કેટલી અલિપ્ત થઈ ગઇ છે કે કોઈ જ માનવતાની ગુલબાંગ ઈઝરાયલને ગાઝા પર જુલ્મ કરતા અટકાવી શકે એમ નથી. હમાસ સાથે વેર લેવા માટે ઇઝરાયેલે નિર્દોષ પ્રજાને ભીષણ આક્રમણથી બાનમાં લીધી છે. અંદાજે પચાસ લાખની જનસંખ્યા ગાઝામાં વિચ્છિન્ન થઈને પડી છે. આ અવદશા વચ્ચે પ્રથમ વખત, યુએન સુરક્ષા પરિષદના પાંચ સભ્યોમાંથી ચાર (ચીન અને રશિયા સહિત) પેલેસ્ટાઇનને માન્યતા આપે તેવી શક્યતા છે, જેનાથી યુએસ એકલું પડી જશે. તેઓ યુએનના કુલ ૧૯૩ સભ્ય દેશોમાંથી એ ૧૪૭ માં જોડાશે જેમણે પેલેસ્ટાઈનને માન્યતા આપી છે. ભારતે તો તેને ખૂબ જ વહેલા માન્યતા આપી હતી. વલણમાં આ ફેરફાર પહેલાં, ત્રણેય દેશોએ સંયુક્ત રીતે જાહેર કર્યું હતું કે તેઓ ગાઝામાં ઇઝરાયલના આક્રમક વલણથી ભયભીત છે અને પશ્ચિમ કાંઠે ગેરકાયદે વસાહતોના વિસ્તરણની નિંદા કરે છે.
ઉત્તર એટલાન્ટિક સંધિ સંગઠન (નાટો) ના આ ત્રણ ભાગીદાર દેશોની સરકારો ગાઝા અને પશ્ચિમ કાંઠે ઇઝરાયલી અત્યાચારો સામે વધી રહેલા જનમત પર પ્રતિક્રિયા આપી રહી છે. ગયા અઠવાડિયે, સ્લોવેનિયા યુરોપિયન યુનિયનનો પ્રથમ સભ્ય દેશ બન્યો જેણે ગાઝામાં આક્રમક ભૂમિકા ભજવનારા બે ઇઝરાયલી મંત્રીઓને અનિચ્છનીય વ્યક્તિઓ તરીકે જાહેર કર્યા. ૩૦ જુલાઈના રોજ, યુરોપિયન યુનિયનના ૫૮ ભૂતપૂર્વ રાજદૂતોએ યુનિયનને શસ્ત્રોની નિકાસ બંધ કરવા, ઇઝરાયલ પર પ્રતિબંધો લાદવા અને ત્યાં અત્યાચારો રોકવા માટે પગલાં લેવા વિનંતી કરી. ગયા અઠવાડિયાની શરૂઆતમાં, ફ્રાન્સ અને ઇટાલીના બંદરો પર કામ કરતા કામદારોએ ઇઝરાયલને મોકલવામાં આવતા શસ્ત્રોના માલને અટકાવી દીધા અને તેમની સરકારોને ઇઝરાયલને રાજદ્વારી સમર્થન બંધ કરવા કહ્યું. નરસંહાર (હોલોકોસ્ટ)ના ઇતિહાસને કારણે ઇઝરાયલને જર્મનીમાં મજબૂત લોક સમર્થન પ્રાપ્ત છે. તેણે ગાઝાને વિમાનો દ્વારા રાહત સામગ્રી મોકલવાની પણ વાત કરી હતી પરંતુ બીજી તરફ તે બન્ને દેશો ઇઝરાયલને ટેકો આપવાનું ચાલુ રાખશે.
સાઉદી અરેબિયાએ હવાઈ માર્ગે પણ ખાદ્ય સહાય મોકલી અને કટોકટી પ્રત્યેની ઉદાસીનતા છોડી દીધી. આ જાહેરાતો સાથે, મહત્વપૂર્ણ રાજદ્વારી પ્રવૃત્તિઓથી ભરેલું એક સપ્તાહ પણ પૂર્ણ થયું. ૨૯ અને ૩૦ જુલાઈના રોજ સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ-સ્તરીય પરિષદમાં ન્યૂયોર્ક ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યું હતું અને આઠ દાયકા જૂના વિવાદને ઉકેલવા માટે તબક્કાવાર યોજના રજૂ કરવામાં આવી હતી. આનો અંત એક સ્વતંત્ર અને નાગરિક પેલેસ્ટાઇનમાં થશે, જે ઇઝરાયલ સાથે શાંતિથી રહેશે. લગભગ તે જ સમયે, દક્ષિણ આફ્રિકાના નેતૃત્વ હેઠળના આઠ દેશોના હેગ જૂથે ચીન, સ્પેન અને કતાર સહિત લગભગ ૩૦ દેશોની એક બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં ગાઝામાં ઇઝરાયલની કાર્યવાહી સામે અનેક પગલાં પર સંમતિ સધાઈ હતી. આમાં શસ્ત્રોના પુરવઠા પર પ્રતિબંધ, શો વહન કરતા જહાજો પર પ્રતિબંધ અને ઇઝરાયલી કંપનીઓ સાથે સંબંધિત કરારો પર પુનર્વિચારનો સમાવેશ થાય છે.
એ બેઠકમાં યુએન નિષ્ણાત ફ્રાન્સેસ્કા અલ્બેનીઝ પણ હાજર હતા અને તેમણે તેને છેલ્લા ૨૦ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ રાજકીય વિકાસ ગણાવ્યો હતો. હવે પ્રશ્ન એ છે કે જાહેર અભિપ્રાયમાં આ ફેરફાર જમીની પરિસ્થિતિમાં કેટલો ફેરફાર કરશે. અમેરિકા દ્વારા ઇઝરાયલને સતત ટેકો અને તેના ૭૦% શસ્ત્રો પૂરા પાડવામાં આવતા, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ગાઝામાં સંરક્ષણ દળો અથવા પશ્ચિમ કાંઠામાં વસાહતીઓ પર લગામ લગાવે તેવી શક્યતા નથી. વાસ્તવિક કસોટી એ થશે કે શું યુરોપ ઇઝરાયલ પર પ્રતિબંધો લાદીને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ ધમકીઓનું જોખમ લેશે? વધુ દબાણ વિના, આઠ દાયકા જૂના આ સંઘર્ષનો બે-દેશ એ એક જ ઉકેલ વાસ્તવિકતા બનશે નહીં.