આધુનિકતાના સંક્રમણકાળમાંથી પસાર થતા વયસ્કોના સંબંધોને લઈને સમયાંતરે દેશની વિવિધ અદાલતોના નિર્ણયો સામે આવતા રહ્યા છે. તેમાં ઘણા વિરોધાભાસ પણ નજરે પડયા છે. આ જ રીતે, અલ્હાબાદ ઉચ્ચ ન્યાયાલયના બે તાજેતરના નિર્ણયો વ્યક્તિગત સ્વતંત્રતા અને લગ્ન સંસ્થા વચ્ચે ઊભી થયેલી નાજુક ખાઈને પ્રગટ કરે છે. એક કેસમાં, અદાલતે જણાવ્યું હતું કે વયસ્કો વચ્ચે પરસ્પર સંમતિથી બનેલો લિવ-ઇન સંબંધ, ભલે એમાંથી એક સાથી પરણિત હોય, હવે ગુનાની શ્રેણીમાં આવતો નથી. ભલે પરંપરાગત લગ્ન સંસ્થાને માનનારાઓ આ વાત સ્વીકારતા ન હોય, પરંતુ તે સાથે જોડાયેલા ઘણા પ્રશ્નો આપણી સામે ઊભા થાય છે. જ્યારે અન્ય એક ઘટનામાં, અદાલતે આવા જ એક દંપતીને સુરક્ષા આપવાનો ઇનકાર કર્યો. અદાલતે કહ્યું કે વ્યક્તિગત સ્વતંત્રતાના નામે પતિ કે પત્નીના કાનૂની અધિકારોને કમજોર કરવાની મંજુરી આપી શકાય નહીં.
આ સ્પષ્ટ વિરોધાભાસ હકીકતમાં એક ઊંડી કાનૂની ખાલી જગ્યા દર્શાવે છે. ભારતીય કાનૂને બંધારણની કલમ ૨૧ હેઠળ જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારના ભાગરૂપે પરંપરાગત ભારતીય સમાજમાં લિવ-ઇન સંબંધોને માન્યતા આપવા માટે સાવધાનીપૂર્વક પગલાં લીધા છે. તે છતાં, કાયદો લગ્નને કાનૂની રીતે સ્વીકારેલી સંસ્થા તરીકે સર્વોચ્ચ પ્રાથમિકતા આપતો રહ્યો છે, જેમાં વયસ્કોના પોતાના અધિકારો અને ફરજો પણ સમાવિષ્ટ છે. આ હકીકતને સરળતાથી અવગણવી શક્ય નથી. આ પરિસ્થિતિના મૂળમાં એક ન્યાયિક અસંગતતા પણ છે, જ્યાં અદાલત લિવ-ઇન સંબંધોને અપરાધની શ્રેણીમાંથી બહાર તો મૂકે છે, પરંતુ તેનાં પરિણામોને કાનૂની માન્યતા આપવામાં સંકોચ અનુભવે છે. વાસ્તવમાં, વયસ્કોના સંબંધોમાં આ તણાવ માત્ર કાનૂની જ નહીં, પરંતુ સામાજિક અને નૈતિક પણ છે.
હવે તો ગુજરાતની વસ્તી ગણતરી મોકૂફ રહી છે, પરંતુ એ ગણતરી જ્યારે પણ થશે ત્યારે એમાં લિવ-ઈન-રિલેશન ધરાવતા પ્રેમી યુગલને મેરીડ કપલ એટલે કે પરણેલા યુગલ તરીકે દર્શાવવામાં આવશે એવો કેન્દ્રનો હુકમ છે. લિવ-ઈન-રિલેશનમાં જે સ્ત્રી છે એના પર સરકારની આ એવી કૃપા છે જેના પડઘા હવે પછીનાં વરસોમાં દિગદિગન્તમાં પડશે.
આજે ભારતીય સમાજ એક મોટા સંક્રમણકાળમાંથી પસાર થઈ રહ્યો છે, જેમાં પરંપરાગત જીવન મૂલ્યો અને ઝડપથી બદલાતા સંબંધો વચ્ચેના અનેક મોરચાના દ્વંદ્વ સામેલ છે. આધુનિક જીવનમાં સંબંધોમાં સ્વતંત્રતાની હવા સ્ત્રીઓની આર્થિક આત્મનિર્ભરતાથી વધુ પ્રબળ બની છે, પરંતુ ભારત જેવા પરંપરાગત સમાજમાં સદીઓથી લગ્ન માત્ર એક કરાર નહીં, પરંતુ એક ઊંડી સામાજિક માન્યતા પણ છે. તેમ છતાં, આ વાતને પણ નકારી શકાય નહીં કે આધુનિક સંબંધોની હકીકત ઘણી વધુ પરિવર્તનશીલ છે. પરિવર્તન એક એવો શબ્દ છે જેના પર કોઈનો અંકુશ નથી.
વયસ્કોના સંબંધોમાં વ્યક્તિ આગળ વધે છે, ક્યારેક કોઈ ઔપચારિક અંત વિના પણ. પરંતુ કાયદો આ બદલાતી હકીકતથી અજાણ રહી શકતો નથી. વાસ્તવમાં, આવા સંબંધોને સુરક્ષા કે માન્યતા ન આપવાથી તે સમાપ્ત થતા નથી, પરંતુ તેમને અસુરક્ષા અને કાનૂની અનિશ્ચિતતાની તરફ ધકેલી દે છે. જે આમ તો 'રાજ્ય' (દેશના અર્થમાં) દ્વારા પ્રજાને થતો એક અલગ પ્રકારનો અન્યાય જ છે. ખરેખર, જરૂર ન્યાયિક અસંગતતાની નહીં, પરંતુ વિધાનાત્મક સ્પષ્ટતાની છે. ભારતીય સમાજમાં વૈવાહિક અધિકારો અને વ્યક્તિગત સ્વતંત્રતા વચ્ચે સંતુલન સ્થાપિત કરે તેવી અસરકારક વ્યવસ્થાની લાંબા સમયથી જરૂરિયાત અનુભવી રહી છે. આપણને સ્વીકારવું પડશે કે લગ્ન સંસ્થા રક્ષણની હકદાર છે, પરંતુ પુરુષ કે સ્ત્રીની વ્યક્તિગત સ્વતંત્રતાને અનિશ્ચિત સમય સુધી તેના અધિન બાંધી રાખી શકાય નહીં.
આ પરિસ્થિતિમાં, અંતે કાયદાએ એક સરળ સત્યને પ્રતિબિંબિત કરવું જોઈએ કે જ્યારે સંબંધો તૂટી જાય, ત્યારે વ્યક્તિઓને ગૌરવ સાથે આગળ વધવાની મંજૂરી આપવી આપણા સમાજ માટે કોઈ ખતરો નથી, પરંતુ તે તેની જરૂરી અનુકૂલન પ્રક્રિયા છે. આવી ઘડીએ, જ્યારે ટેક્નોલોજી અને માહિતી ક્રાંતિએ સમગ્ર વિશ્વને એક સંસ્કૃતિમાં ઢાળી દીધું છે, ત્યારે આપણે અલગ રહી શકતા નથી. આપણને પેઢીઓ વચ્ચેના વિચારભેદનું પણ સન્માન કરવો પડશે. દેશમાં ગુજરાત સહિત કેટલીક રાજ્ય સરકારો બંધારણે પુખ્ત નાગરિકોને આપેલી વ્યક્તિગત સ્વતંત્રતાની ઉપેક્ષા કરીને હલકી લોકપ્રિયતા મેળવવા મનઘડંત નિયમો બહાર પાડે છે પણ દેશના બંધારણના ઉજાસમાં એ ટકશે કે હાસ્યાસ્પદ સાબિત થશે તે સમયની એરણ પર નક્કી થશે.


