Get The App

મોસમ નહીં હૈ સુહાના .

Updated: Apr 3rd, 2025

GS TEAM

Google News
Google News
મોસમ નહીં હૈ સુહાના              . 1 - image

આપણે ત્યાં પર્યાવરણની વાતો કરનારા આખા ગુજરાત રાજ્યમાં જોવા મળે, પણ જાતે ઝાડ વાવનારા કોઈ ન મળે. કોઈ પ્રકૃતિના ઓલિયા હોય એની વાત જુદી છે. વિકાસ અને શહેરીકરણની આંધળી દોટમાં આપણે એટલા ગુલતાન થઈ ગયા છીએ કે પ્રકૃતિ સાથેની સમતુલા તોડી નાખી છે. નોર્વેની રાજધાની ઓસ્લોમાં 'ઑસ્લો ટ્રોપિકલ ફોરેસ્ટ ફોરમ'ની બેઠકમાં જંગલોના વિનાશ અંગે વર્લ્ડ રિસોર્સ ઈન્સ્ટિયુટ દ્વારા રજૂ કરાયેલા આંકડા હબક ખાઈ જવાય તેવા છે. પાછલા વર્ષ દરમિયાન પૃથ્વી પરથી ૧.૫ લાખ ચોરસ કિલોમીટર અથવા તો વિરાટ ક્ષેત્રફળમાં દાવાનળ, કુદરતી આફતો, જમીનના ધોવાણ તેમજ વૃક્ષોના કાપવા સહિતના કારણોસર ટ્રોપિકલ જંગલોનો નાશ થયો હતો. જંગલોમાં વૃક્ષો આડેધડ કપાવાથી હવામાં ૭.૫ બિલિયન ટન વધુ કાર્બન ડાયોક્સાઈડ ઠલવાયો હતો. વૃક્ષોની ગેરહાજરીમાં કાર્બન શોષાયા વિના હવામાં ભળે છે. કાર્બન હવામાં વધુ ઠલવાય તેમ ગરમી વધવી, બરફ પીગળવો, નદીઓ સુકાવી, જમીનમાંથી ભેજ ઘટવા સહિતની સમસ્યાઓ સર્જાય છે, જેના પરિણામ આપણે ગ્લોબલ વોર્મિંગના નામે સહન કરી રહ્યા છીએ. 

આ રિપોર્ટ અનુસાર, દક્ષિણ અમેરિકા ખંડ, દક્ષિણ-પૂર્વ એશિયા અને મધ્ય આફ્રિકામાંથી સૌથી વધુ જંગલ નષ્ટ થઈ રહ્યા છે. ભારતમાં ટ્રોપિકલ જંગલો આમ પણ ઓછાં છે. છેલ્લાં ૧૬ વર્ષમાં કુલ ૧૫૦૦૦ ચોરસ કિ.મી. વિસ્તારનાં જંગલોનું નુકસાન ભારતને થયું છે. કાર્બન ડાયોક્સાઈડ એમિશન વૈશ્વિક તાપમાનમાં સરેરાશ વધારા માટે મુખ્ય કારણ છે. આ વખતે ઠંડી વધુ નથી, પણ નાગરિકોને એ વધુ લાગે છે. આપણો ખોરાક એવો થઈ ગયો છે કે કુદરતના સામાન્ય રૂપ સામે પણ આપણું આરોગ્ય હલી જાય છે. દેશના સામાન્ય નાગરિકોને પર્યાવરણની કંઈ પડી નથી અને એના ભીષણ પરિણામો હવે દેખાય છે. 

ગયા વર્ષે એનર્જી સંબંધિત કાર્બન એમિશન રેકોડબ્રેક વધી ગયું છે ત્યારે ઈન્ટરનેશનલ એનર્જી એજન્સીએ તો ચેતવણી આપી છે કે એક તરફ ઊર્જાની ખપત વધતી જાય છે અને બીજી તરફ, ઊર્જાની કાર્યક્ષમતા સુધારવાના પગલાં ધીમાં પડતાં જાય છે તેનું પરિણામ માનવજાતે સહન કરવું જ પડશે. સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડિઝલના વધતા વપરાશથી હવામાં પ્રદુષણ વધતું જ જાય છે. આ ફોસિલ ઓઈલ્સના ભાવ ગમે તેટલા વધતા જાય, પરંતુ વાહનોનો વપરાશ ઘટતો નથી. આપણે જોઈએ છીએ તેમ વાહનો સતત વધતાં જાય છે.

ગ્લોબલ વોર્મિંગના કારણે શરીર દઝાડતી ગરમીનો અનુભવ ઉત્તર ગોળાર્ધના મોટા ભાગના દેશોમાં થઈ રહ્યો છે. બ્રિટન, ફ્રાન્સ હોય કે કેનેડા કે અમેરિકા હોય, તમામ વિસ્તારોમાં હીટ વેવ્ઝથી લોકો શેકાય છે અને મોતને ભેટે છે. 

વેસ્ટર્ન યુરોપના ટાપુઓ હીટ વેવમાં તરફડી રહ્યા છે ત્યારે યુરેશિયા અને મિડલ ઈસ્ટની હાલત પણ સારી નથી જ. મિડલ ઈસ્ટના ઓમાનમાં ગયા જૂન મહિનામાં સૌથી ઊંચુ તાપમાન  ૪૯ ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું હતું. પાકિસ્તાનમાં પણ સૌથી ઊંચુ તાપમાન નોંધાયું હતું. એકવીસમી સદીના અઢી દાયકા પછી વિશ્વ સમક્ષ જે આજે કોઈ સૌથી મોટી ચિંતાજનક સમસ્યા હોય તો તે છે પર્યાવરણની જાળવણી! ભૂતકાળમાં ક્યારેક નહોતી એવી આ ચિંતા થવા પાછળ કોઈ એક બે કારણ નથી, એવા અનેક વજૂદવાળા કારણો છે જેણે ભલભલા માંધાતાઓની પણ ઉંઘ હરામ કરી દીધી છે. 

પશુ, પક્ષી,સમુદ્રજીવન, વૃક્ષ-વનસ્પતિ બધું હું ભોગવું તેમ ભોગવાય - એવા મિથ્યા ખ્યાલમાં રાચતા માનવીના હાથમાં વિજ્ઞાાન અને ટેકનોલોજીનું અમોઘ શસ્ત્ર આવ્યું અને એણે ટર્બાઇન પંપની સહાયથી ભૂગર્ભ જળની અને ખનિજ તેલની રાશિને અનિતયંત્રિત રીતે ઉલેચવા માંડી. માણસે પોતાની ભૂખ અને વિલાસિતા સંતોષવા તોતિંગ વૃક્ષો ધરાશયી કર્યા. રાસાયણિક ઉદ્યોગની જડીબુટ્ટી હાથ આવી એટલે રાક્ષસી કદનાં કારખાનાં નાખ્યા. આ કારખાનાએ સલ્ફર ડાયોક્સાઈડથી માંડી અનેક ઝેરી ગેસ ઓકવા માંડયા, એટલું જ નહીં, રોજનું અબજો ગેલન પાણી વાપરી વાપરીને, અશુદ્ધ થયેલા દૂષિત જળ કયાંક સમુદ્રમાં, કયાંક સરોવરમાં, કયાંક નદીમાં, કયાંક કોતરમાં તો, કયાંક ખાણોમાં, પડતરોમાં ઠાલવવા માંડયા. આ ઉચ્છિષ્ટ, અપેય, અનુપયોગી જળની સાથે રસાયણોનું મિશ્રણ પણ ઠલવાતું ગયું. 

આજના સ્વાર્થી માણસો પોતાને માટે મોજશોખની વસ્તુઓ મેળવવા પર્યાવરણનો નાશ કરે છે. દંતૂશૂળ મેળવવા તે હાથીઓનો શિકાર કરે છે. પીંછા મેળવવા મોરને મારી નાખે છે. મુલાયમ રૂવાંટીવાળાં પર્સ બનાવવા તે સસલાંને રહેંસી નાખે છે. ઘરનું રાચરચીલું બનાવવા તે આડેધડ વૃક્ષો કાપે છે. આમ, માનવી પોતે જ પર્યાવરણની સમતુલાને જોખમમાં મૂકી રહ્યા છે.