ઈચ્છામૃત્યુનો કાનૂની જંગ .
મહાભારતમાં ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું, એને કારણે તેઓ બાણશય્યા પર સુતા હોવા છતાં જીવન રેખા લંબાવી શક્યા હતા અને સૂર્ય દક્ષિણમાંથી ઉત્તર ગોળાર્ધમાં આવ્યો ત્યારે તેમણે પોતાની ઈચ્છાથી મૃત્યુ પ્રાપ્ત કર્યું હતું. પરંતુ આવું સામાન્ય માણસ માટે શક્ય નથી. ખરેખર તો ઘણા લાંબા સમય પછી સર્વોચ્ચ અદાલતે નવેસરથી મોંઘેરા મોતની ચર્ચા શરૂ કરી છે. મૃત્યુ એક આખરી સત્ય છે અને ગુજરાતીમાં કહેવત છે કે માગ્યું તો મોત પણ મળતું નથી. આ કહેવત પ્રજાના એ અનુભવને પ્રતિબિંબિત કરે છે કે જેમાં દર્દી અને તેના સગા વહાલાઓ દ્વારા મૃત્યુ અપેક્ષિત હોય તો પણ મૃત્યુ મળતું નથી. કોઈ દર્દ જ્યારે કદી પણ જીવનમાં વ્યક્તિને પાછી ન જ જવા દેવાની જિદ કરે અને યાતનાઓ સતત વધતી જાય ત્યારે જીવાત્માના સુખદ કલ્યાણ માટે મૃત્યુનો વિચાર અવ્યક્ત રૂપે સૌના મનમાં તરતો થાય છે. લોકો બોલતા હોય છે કે હવે એમના પ્રાણ છુટી જાય તો સારું.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા ઈચ્છામૃત્યુ અંગેની ડ્રાફ્ટ માર્ગદર્શિકાએ આ મુદ્દે ચાલી રહેલી ચર્ચાને વધુ તીવ્ર બનાવી છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને પણ વાંધો ઉઠાવતા કહ્યું છે કે લાઈફ સપોર્ટ સિસ્ટમ હટાવવાના નિર્ણયની જવાબદારી ડોક્ટરો પર નાખવી યોગ્ય નથી. તેનાથી તેમના પર દબાણ વધશે. એ નિર્ણય પરિવારે લેવાનો હોય છે અને પરિવાર જ એ નિર્ણય લેતો આવ્યો છે. ડોક્ટરો ચર્ચા કરે છે અને માર્ગદર્શન પણ આપે છે પરંતુ આખરી નિર્ણય પરિવારે લેવાનો હોય છે. ઈચ્છામૃત્યુના ભાવનાત્મક, કાનૂની અને તબીબી પાસાઓ તેને સંબંધિત કોઈપણ કેસમાં નિર્ણય લેવાનું મુશ્કેલ બનાવે છે. પરંતુ હજુ નિર્ણય લેવાનો બાકી છે. સુપ્રીમ કોર્ટે ઈ. સ. ૨૦૧૮માં કેટલીક શરતો સાથે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુને મંજૂરી આપી છે.
આવી સ્થિતિમાં, નિર્ણય પ્રક્રિયા જેટલી સ્પષ્ટ અને વધુ વ્યાખ્યાયિત હશે, નિર્ણય લેવાનું અને તેનો અમલ કરવો તેટલો સરળ રહેશે. અત્યારે માર્ગદર્શિકા જારી કરવાની અને લોકો પાસેથી સૂચનોને આહવાન આપવાની સરકારની પહેલ પાછળ આ વિચાર છે. જો આપણે માર્ગદર્શિકાના ડ્રાફ્ટ પર નજર કરીએ, તો સ્પષ્ટપણે દેખાય છે કે નિર્ણયને ઘણા સ્તરે તપાસ્યા પછી જ અમલમાં મૂકવો જોઈએ. આ મુજબ, પ્રાઈમરી મેડિકલ બોર્ડ (PMB), જે લાઈફ સપોર્ટ સિસ્ટમની જરૂરિયાત અને ઉપયોગિતા અંગે નિર્ણય લે છે, તેમાં પ્રાથમિક ચિકિત્સક સિવાય, ઓછામાં ઓછા બે નિષ્ણાતો હશે જેમને ઓછામાં ઓછો ૫ વર્ષનો અનુભવ હોય.
એના પછી, સેકન્ડરી મેડિકલ બોર્ડ (SMB) દ્વારા નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે, જેમાં એક રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર અને CMO દ્વારા નામાંકિત બે નિષ્ણાતોનો સમાવેશ થશે. આ સાથે દર્દીના પરિવારની સંમતિ પણ જરૂરી રહેશે. આજે પણ, ડોકટરો કેસની વિગતોના આધારે નિષ્કર્ષ કાઢે છે, પરંતુ તેઓ દર્દી અથવા પરિવારને સમગ્ર પરિસ્થિતિ સમજાવે છે અને પછી દર્દી અથવા પરિવાર નિર્ણય લે છે. નિર્ણય લેવામાં તબીબોનો ખચકાટ સમજી શકાય તેમ છે. વાસ્તવમાં, આ વ્યવસાય દર્દીઓને બચાવવા વિશે છે. ડૉક્ટરો દર્દીને છેલ્લી ઘડી સુધી બચાવવાનો પ્રયાસ કરે છે, પછી ભલે અમુક કિસ્સામાં આ પ્રયાસ નિષ્ફળ જાય. આવી સ્થિતિમાં, સારવાર દરમિયાન કોઈ ચોક્કસ તબક્કે તે પ્રયત્નોમાંથી પીછેહઠ કરવાનો નિર્ણય સ્વાભાવિક રીતે ઘણા ડોકટરોને તેમના વ્યવસાય માટે અન્યાય લાગે છે.
પરંતુ અહીં ઘણા પાસાઓ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જીવનની ગરિમાની સાથે મૃત્યુની ગરિમાનો પ્રશ્ન પણ જોડાયેલો છે. પછી સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગની બાબત પણ છે. જો દર્દીને જિંદગીને પુનઃપ્રાપ્ત કરવાની કોઈ તક ન હોય, તો તે દર્દીને બચાવવા માટે તે તબીબી સંસાધનોનો ઉપયોગ કરવો વધુ સારું છે જેને બચાવી શકાય છે. જો કે, સરકારે માર્ગદર્શિકાના આ ડ્રાફ્ટ પર ૨૦ ઓક્ટોબર સુધી સૂચનો મોકલવા વિનંતી કરી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી તમામ સૂચનોના પ્રકાશમાં બનાવેલ માર્ગદર્શિકા વધુ યોગ્ય અને વધુ વ્યવહારુ હશે. સુપ્રિમ કોર્ટ લગભગ સાડા ચાર વર્ષ પહેલા જારી કરાયેલ ઈચ્છામૃત્યુ સંબંધિત માર્ગદર્શિકામાં સુધારો કરી શકે છે. સુપ્રીમ કોર્ટે માર્ચ ૨૦૧૮માં ઈચ્છામૃત્યુને મંજુરી આપી હતી. જો કે, ભારતમાં માત્ર નિષ્ક્રિય ઈચ્છામૃત્યુને જ મંજૂરી છે.સુપ્રીમ કોર્ટે વર્ષ ૨૦૧૮માં ઈચ્છામૃત્યુને મંજૂરી આપી હતી. સુપ્રીમ કોર્ટે આ માટે જે તે સમયે પણ માર્ગદર્શિકા જાહેર કરી હતી. જો કે, ઈચ્છામૃત્યુની પ્રક્રિયા હજુ પણ ઘણી જટિલ છે.