Get The App

તમારી જાતિ કઈ છે ? .

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
તમારી જાતિ કઈ છે ?                                     . 1 - image


રાજકીય બાબતોની કેન્દ્રીય કેબિનેટ સમિતિએ બુધવારે આગામી વસ્તી ગણતરીમાં જાતિ ગણતરીનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો. સ્વતંત્રતા પછી આ પહેલી વાર બનશે જ્યારે વસ્તી ગણતરી દરમિયાન જાતિનો ડેટા એકત્રિત કરવામાં આવશે. અનુસૂચિત જાતિ અને જનજાતિનો ડેટા રેકોર્ડ કરવામાં આવે છે, તેમ છતાં વ્યાપક જાતિનો ડેટા છેલ્લે સન ૧૯૩૧ની વસ્તી ગણતરીમાં એકત્રિત કરવામાં આવ્યો હતો. (સામાજિક અને આર્થિક હેતુઓ માટે સન ૨૦૧૧માં જાતિ વસ્તી ગણતરી કરવામાં આવી હતી, પરંતુ વિસંગતતાને કારણે ડેટા જાહેર કરવામાં આવ્યો ન હતો.) સરકારની હમણાંની આ જાહેરાતને બંને મુખ્ય પક્ષોનો ટેકો મળ્યો છે, જે દર્શાવે છે કે જાતિ વસ્તી ગણતરીના માર્ગમાં કોઈ મુશ્કેલી નથી. હકીકતમાં, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ સહિત વિપક્ષી પક્ષોના સૌથી મુખ્ય ચૂંટણી વચનોમાંનું એક જાતિ વસ્તી ગણતરી હતું. પહેલગામ હુમલા પછી જ્યારે દેશ, સરકાર પાકિસ્તાન વિરુદ્ધ કોઈ મોટી કાર્યવાહી કરશે તેવી અપેક્ષા રાખી રહ્યો છે ત્યારે મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે આ આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો છે. અલિખિત સૌજન્યશાસ્ત્રમાં વ્યક્તિગત ગૌરવના સંદર્ભમાં કોઈને એમ પૂછવું કે તમારી જાતિ કઈ છે એ એક પ્રકારનું અપમાન માનવામાં આવે છે. પરંતુ હવે આ પ્રશ્ન ઘરે ઘરે પૂછવામાં આવશે એ વળી નાગરિકશાસ્ત્ર છે!

સરકારે આગામી વસ્તી ગણતરીમાં જાતિ નોંધવાનો નિર્ણય લીધો હોવાથી, હવે તેનાં પરિણામોની ચર્ચા કરવી જરૂરી છે. જોકે, શક્ય તેટલી વહેલી તકે વસ્તી ગણતરી હાથ ધરવી પણ જરૂરી છે. કોવિડ-૧૯ રોગચાળાને કારણે ઈ. સ. ૨૦૨૦માં યોજાવાની હતી તે દશક વસ્તી ગણતરી મુલતવી રાખવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ સામાન્ય થયા પછી પણ સરકાર તેને શા માટે મુલતવી રાખી રહી છે તે સમજવું મુશ્કેલ છે. આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળના ડેટા અનુસાર, જ્યારે ભારતમાં છેલ્લી વસ્તી ગણતરી ૨૦૧૧માં હાથ ધરવામાં આવી હતી, ત્યારે આપણા અર્થતંત્રનું કદ ૧.૮ ટ્રિલિયન ડોલર હતું. શક્ય છે કે આગામી વસ્તી ગણતરી પૂર્ણ થાય અથવા તેનાં પરિણામો આવવાનું શરૂ થાય ત્યાં સુધીમાં ભારત પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની ગયું હશે. તે એક સંપૂર્ણપણે અલગ દેશ હશે. આવી સ્થિતિમાં, વસ્તી ગણતરી નિયમિત થાય તે મહત્વપૂર્ણ છે.

જાતિનો સમાવેશ કરવાની વધારાની જરૂરિયાતને કારણે વધુ વિલંબ થઈ શકે છે. આવી સ્થિતિમાં, એ પણ શક્ય છે કે વસ્તી ગણતરી હવે ૨૦૨૬ પછી જ થઈ શકે અને બંધારણ અનુસાર સંસદીય બેઠકોના નવા સીમાંકનનો આધાર બની શકે. આવી સ્થિતિમાં, તેનાં પરિણામો દેશમાં સામાજિક વિભાજનમાં વધારો કરનારાં સાબિત થઈ શકે છે અને તેનું સંચાલન ખૂબ સાવધાની સાથે કરવું પડશે. દક્ષિણના રાજ્યોએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે લોકસભામાં તેમનો હિસ્સો ઘટી શકે છે. જાતિ વસ્તી ગણતરીનાં અન્ય સંભવિત પરિણામોમાં વધુ અનામતની ડિમાન્ડનો સમાવેશ થાય છે. હકીકતમાં તેની શરૂઆત થઈ ગઈ છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સૂચન કર્યું કે અનામત પરની મર્યાદા નાબૂદ કરવી જોઈએ અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ક્વોટા દાખલ કરવો જોઈએ. છેક હવે ૨૦૨૫માં જાતિ વસ્તી ગણતરીનો અધ્યાય સરકારે હાથ પર લીધો તે દર્શાવે છે કે આપણે અત્યાર સુધી કેટલીક મૂળભૂત બાબતોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ.

જાતિગત વસ્તી ગણતરી અને વિવિધ જૂથો માટે અનામતનો હિસ્સો ભવિષ્યમાં આશાનો વિષય છે. જ્યારે કેટલાક જૂથોને આનો ફાયદો થશે, ત્યારે રાજકીય વર્ગ માટે મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું એક જ વસ્તુને અલગ રીતે વહેંચવાથી દેશ વધુ સારો બનશે? અને શું તે સૌથી ઇચ્છિત ઉકેલ છે? વાસ્તવિક મુદ્દો શિક્ષણની નીચી ગુણવત્તા અને સામાન્ય લોકો માટે આથક તકોનો અભાવ છે. જ્યાં સુધી આ મુદ્દાઓનું નિરાકરણ નહીં આવે, ત્યાં સુધી જાતિગત વસ્તી ગણતરી અને અનામતનું સંભવિત પુનર્ગઠન દેશને ખૂબ આગળ લઈ જશે નહીં. નિઃશંકપણે, શઘછનું ટૂંકા ગાળાનું લક્ષ્ય આ વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી જીતવાનું છે. મોટો ઉદ્દેશ્ય દેશભરમાં જાતિના મુદ્દા પર કોંગ્રેસ અને અન્ય હરીફ પક્ષોને હરાવવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર ૨૦૨૩માં એમ કહીને આ બાબતને કાંઠે ફેંકવાનો પ્રયાસ કર્યો હતો કે દેશમાં ફક્ત ચાર જાતિઓ છે - મહિલાઓ, યુવાનો, ખેડૂતો અને ગરીબ. આ જ કારણ છે કે ભગવા પક્ષ, જેને ધ્રુવીકરણ કરવાની પોતાની શક્તિનો વિશ્વાસ હતો, તેણે વિપક્ષને જાતિ કાર્ડ રમવાની પરોક્ષ મંજુરી આપી. જોકે, આનાથી ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ઝટકો લાગ્યો.

Tags :