યુદ્ધ સિવાય પણ ભારત કસોટીકાળમાંથી પસાર થઈ રહ્યો છે. નિરાંતેથી ભારત ઉપર એક નજર નાંખો તો ખ્યાલ આવે કે ખરેખર કેટલી બધી મહાનતાઓ અહીં ચોતરફ આજે અને ઇતિહાસમાં છલકાય છે. જે રીતે આપણે વર્તમાનકાળને જોઈ રહ્યા છીએ અને અનેક કારણોથી સંતાપ અનુભવી રહ્યા છીએ એમાં ભારતીય પ્રજા જીવનની મોટી કસોટી પણ છે. આમ પણ આપણાં શાસ્ત્રોમાં વારંવાર કહેવામાં આવ્યું છે કે આપત્તિનો સમય ખરેખર તો પરિજનો, પરિચિતો અને નિકટતમ સમાજનો ચહેરો ઊઘાડે છે એટલે કે એની ખરી ઓળખ આપે છે. જોકે ભારતીય સંસ્કૃતિ સદાય પરોપકારી અને અજાણ્યાના આંસૂ લૂંછવાની રહી છે તો પણ હવે જે સમય પસાર થઈ રહ્યો છે તે અનેક રીતે પ્રજાની પણ કસોટી કરનારો છે.
બીજી તરફ એ પણ જોવાનું રહે છે કે વિશ્વના અનેક નામાંકિત લોકોએ જુદા જુદા સ્વરૂપે અને સમયાંતરે, વારંવાર રજૂ કરેલો એક જ પ્રશ્ન છે કે અઢળક પ્રતિભા સંપન્ન લોકોના માલિક દેશ હિન્દુસ્તાન, આટલો બધો ગરીબ કેમ છે? ભારતમાં વૈજ્ઞાનિકો અને એન્જિનીયરોની જ્ઞાનજ્યોતનું અખિલ બ્રહ્માંડમાં વહન કરનાર ઇસરોની સફળતાઓના સતત ચાલી રહેલા સિલસિલાએ વિશ્વને આશ્ચર્યમુગ્ધ કરી મૂક્યું છે. એ જ રીતે કલાથી કારખાના સુધીના લગભગ તમામ ક્ષેત્રોમાં ભારતે અકલ્પિત બુદ્ધિના ચમકારા બતાવ્યા છે. આપણા નેતાઓ દેશને જે માનતા હોય તે પરંતુ દરેક ક્ષેત્રમાં ભારત પાસે એક સાથે અનેક પ્રતિભાઓનો તેજપુંજ છે. છતાંય જ્યારે આર્થિક નીતિઓ ઘડવાની અને એનો અમલ કરવાની વાત આવે ત્યારે ભારત પોતાની વિરુદ્ધ જ ગોલ કરવા લાગે છે.
દેશ અત્યારે એક સ્વસર્જિત પરાજયનો સામનો કરી રહ્યો છે અને એ જલદી ગળે ન ઉતરે એવી વાત છે. દેશના દુર્ભાગ્ય એ છે કે આપણા તમામ રાજનેતાઓ મહદંશે તો પોતાની નીતિઓના ઘડતર માટે કે સરકાર ચલાવવા માટે આ જૂની ઘરેડના બીબાઢાળ અધિકારીઓની પુરાણી બુદ્ધિમત્તા પર જ નિર્ભર રહેતા હોય છે. કોઈ પણ નવા વિઝનનો અમલ કરવા માટે આ અધિકારીઓ હવે ફિટનેસ ધરાવતા નથી. મોટાભાગના અધિકારી અને નેતા અપ્રમાણસરની સંપત્તિના અપરાધ સાથેની જિંદગી પસાર કરી રહ્યા છે. ગમે ત્યારે એમના અપરાધોના ફળ એમને મળવાના છે. ભારતની સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ પણ નવી નીતિ કે નવી યોજના જૂની તરેહના અધિકારીઓના ચરણે સરકાર ધરી દે છે. આ અધિકારીઓ એટલી ઠંડકથી કામ કરે છે અને ઠંડકથી કામ લે છે કે કોઈ રીતે અમલવારીમાં ઝડપ આવતી જ નથી.
પૂર્વોત્તર ભારત, બિહાર, બુંદેલખંડ અને દક્ષિણ ભારતના કેટલાક અંતરિયાળ જિલ્લાઓ એવા છે કે ત્યાંના જનજીવન અને સરકારે આપવાની થતી સગવડનું સર્વેક્ષણ કરો તો આશ્ચર્ય થાય કે આઝાદીના આટલા વરસો પછી જિલ્લાના રાજા કહેવાતા કલેકટરો, ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસરો અને અન્ય વન, શિક્ષણ, કલ્યાણ અધિકારીઓએ ત્યાં કામ શું કર્યું ? ત્યાંની પ્રજાએ પાછલા છ-સાત દાયકાઓમાં જાણે કે એક અંધકાર યુગ જ પસાર કર્યો હોય એવો અહેસાસ કોઈને પણ થાય. રાજકારણીઓને બેવકૂફ બનાવવાની એક ગોપનીય ચાલાકી તેઓ ધરાવતા હોય છે.
આજના સૌથી વધુ નફાકારક એટલે કે દેશને વિરાટકાય હુંડિયામણ રળી આપે એવા જે ક્ષેત્રો છે જેવા કે સેમિકંડકટર, એવિએશન, મેડિકલ ટેકનોલોજિકલ ઉપકરણો, નવી સંશોધિત દવાઓ એ બધામાં ભારતનું યોગદાન શું છે? વળી, ઉક્ત બધાં જ ક્ષેત્રોમાં વિદેશોમાં જે કામ થાય છે એમાં ભારતીયોનું મોટું યોગદાન છે, પરંતુ ભારતનું યોગદાન હજુ શૂન્યને ઓળંગી શક્યું નથી. એટલે ભારતની જે સોનેરી પ્રતિભાઓ છે તે તો પાંખો આવે કે તરત વિદેશ ઉડી જાય છે અને ત્યાંની કોર્પોરેટ જાયન્ટ કંપનીઓમાં જોડાઈ જાય છે. આપણા દેશના અનેક પ્રધાનો અને સચિવોએ સિલિકોન વેલીનો પ્રવાસ કર્યો છે. પછી તેઓએ મીઠી મીઠી વાતો પણ કરી છે. છતાં છેલ્લાં ત્રીસ વરસમાં કંઈ થયું નથી.
ટેકનોલોજી પ્રધાનો પણ અવાર નવાર તેમના સચિવોએ તૈયાર કરેલા વ્યાખ્યાનો આપતા રહ્યા છે જેનો કોઈ અર્થ નથી. આજે તો દેશની દશા એ છે કે આપણી તમામ ઇલેકટ્રોનિક્સ ચીજ વસ્તુઓની આયાતનો આંકડો, દેશની પેટ્રોલિયમની આયાતના આંકડાથીય ઊંચે જવાની તૈયારીમાં છે. આપણી આ ચર્ચાની કોઈ પણ વાતનો મતલબ એ નથી કે આ ઉચ્ચાધિકારીઓ પ્રતિભાશાળી, મહેનતુ કે ઇમાનદાર નથી. અરે તેમનામાંથી કેટલાક તો ખરેખર અસામાન્ય અને મેધાવી બુદ્ધિપ્રભા ધરાવે છે, અને તેમનામાં કામ પૂરું કરી આપવાની અજાયબ કુશળતાઓ છે. પરંતુ આ જે કેટલાક અફસરો ઠીક છે, એનો મતલબ એ પણ નથી કે આપણા દેશની અફસરશાહી ઠીક છે.


