FOLLOW US

આર્થિક સુધારણાનો સંઘર્ષ .

Updated: Mar 3rd, 2023


પૂર્વ ભારતનાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સપાટી પર આવ્યાં છે. ત્રણમાંથી બે રાજ્યો પર ભાજપનો ઝંડો લહેરાયો છે. કેન્દ્ર સરકારની નીતિનો આ પડઘો છે. છતાં ભારતની આર્થિક પરિસ્થિતિ જેટલી સારી આલેખવામાં આવે છે એટલી સારી નથી અને બ્રિટિશ મીડિયા ભારતને જેટલું સંકટગ્રસ્ત બતાવે છે એટલું સંકટ પણ નથી. દુનિયાની સૌથી વઘુ ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાનો દરજ્જો હવે ભારત પાસે રહ્યો નથી. રફતાર ધીમી પડી છે. નાગરિકોની ખરીદશક્તિ ક્યારેક સારી હોય છે ને કદીક એ મંદ પડી જાય છે. ગેસના ભાવવધારા અને ખાદ્યતેલોના ભાવવધારા જેવા આંચકાથી લોકોની જીવનશૈલીમાં પરિવર્તન આવે છે. ગૃહિણીઓ શાકમાં હવે ઓછું તેલ રેડે છે. નાણાંપ્રધાન જેટલું મોણ નાંખીને વાત કરે છે, ગૃહિણીઓ રસોઈમાં એટલું મોણ ઓછું કરતી જાય છે.

કેન્દ્ર સરકારનું ધ્યાન ઉદ્યોગો ફરી ધમધમવા તરફ અને નાગરિકો દ્વારા સંપત્તિસર્જનની પ્રક્રિયા ઝડપી બને એ તરફ હોવાનું દેખાય છે. સરકાર નોટબંધી અને જીએસટીના આકરા ઘા સહન કરી ચૂકેલા ઔદ્યોગિક અને રોજગારી ક્ષેત્રને વિશેષ રાહતો આપવાની નીતિ ધરાવે છે એ હવે સ્પષ્ટ છે. આ વખતે રિઝર્વ બેન્ક રેપો રેટ ઘટાડે એવી આશા બેન્કિંગ સેક્ટરને ન હતી, કારણ કે સતત ત્રીજી વાર રેપો રેટ ઘટાડવાથી દેશના અર્થતંત્રની આંતરરાષ્ટ્રીય શાખને નકારાત્મક અસર થાય છે. પાટનગર નવી દિલ્હીનાં વર્તુળો પ્રમાણે આ વખતે પણ રેપો રેટ (જે દરે રાષ્ટ્રીયકૃત બેન્કો રિઝર્વ બેન્ક પાસેથી નાણાં લે છે) ઘટાડવાનો આગ્રહ પીયૂષ ગોયલ અને નીતિન ગડકરી એ બે કેબિનેટ પ્રધાનોનો હતો. કેન્દ્રીય પ્રધાન મંડળમાં આ બન્ને નેતાઓ એવા છે જે આંતરરાષ્ટ્રીય અર્થકારણના પ્રવાહો અને ભારતીય કોર્પોરેટ જગતને વધુ સારી રીતે સમજી શકે છે. કમ સે કમ નાણાંપ્રધાન નિર્મલા સીતારામનથી તો તેઓ વધારે જ સમજે છે. છતાં છેલ્લે રિઝર્વ બેન્કે રેપો રેટમાં વધારો કર્યો હતો.

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાન્ત દાસે જ્યારે પોતાનું પદ સંભાળ્યું ત્યારે એમની સામે ઊહાપોહ થયો હતો. એનું એક કારણ એ પણ હતું કે એમની પહેલાંના બન્ને ગર્વનરો સાથે કેન્દ્ર સરકારના વડા અને અન્ય પ્રધાનોનો તાલમેલ સરખો બેસતો ન હતો. દાસ પર એક એ પણ આક્ષેપ હતો કે તેઓ વધુ પડતી આજ્ઞાાંકિતતામાં દેશને આર્થિક રીતે તકલીફમાં મૂકી દેશે. જોકે ૨૦૦ ટન સોનાનો વિવાદ હજુ તેમના પર તલવારની જેમ લટકે જ છે. તો પણ તેઓની પોતાના પદ સાથેની ફિટનેસ હવે સર્વસ્વીકૃત બની ગઈ છે. અગાઉ ત્રીજી વાર રેપો રેટ ઘટાડતી વખતે મિસ્ટર દાસે બે મહત્ત્વની વાત કહી હતી. તેમાં એક તો એ કે મોંઘવારી લગભગ જ્યાં છે ત્યાં સ્થિર થઈ ગઈ છે અને એમાં બહુ નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો નથી. એને કારણે દેશના આમજનનું ઘર નિભાવવાનું, કરકસરનું અને બચતનું ગણિત લગભગ ગોઠવાઈ ગયેલું છે.

અર્થશાસ્ત્રીય રીતે આ એક શુભ ચિહ્ન છે. આજે એ ચિહ્ન ગાયબ થઈ ગયું છે. બીજી વાત એમણે એ કહી હતી કે છેલ્લા છ મહિનામાં દેશમાં કુલ આર્થિક પરિદ્રશ્યમાં સુધારાઓ જોવા મળ્યા છે. આ વાત તેમણે સાવ વાસ્તવિક રીતે કહી છે, કારણ કે એમાં એ વાત પણ પ્રતિધ્વનિત થાય છે કે પહેલાંના સમયગાળામાં (અંદાજે ત્રણેક વરસ) દેશનું અર્થતંત્ર એકધારું પતન તરફ હતું. તેમણે ઓનલાઈન બેન્કિંગ અને નાણાંકીય વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે પણ નવી છુટછાટો જાહેર કરી છે. કોર્પોરેટ ક્ષેત્રમાં આરટીજીએસ એક ચોવીસ કલાકની હાથ પરની કેશ ટ્રાન્સફર પ્રણાલિકા છે અને એ હવે બહુ જ લોકપ્રિય છે. મનીઓર્ડર અને સેવિંગ્સ એમ.ટી. પછી આ આરટીજીએસ દેશના કરોડો લોકો માટે એક રાહતરૂપ પદ્ધતિ છે. દેશ અત્યારે છેલ્લાં નવ વરસમાં સૌથી ઊંચા રેપો રેટને 'માણી' રહ્યો છે, એ જોકે લોનધારક અને લોનવાંચ્છુક નાગરિકો માટે નાનું દેખાય એવું મોટું સંકટ છે.

ચાલુ નાણાંકીય વર્ષનો વિકાસદર માટેનો લક્ષ્યાંક પણ સરકારે ઘટાડયો છે. મિસ્ટર દાસે વાસ્તવિકતા સ્વીકારવાની શરૂઆત કરી છે અને કેન્દ્રને કન્વીન્સ કરીને તેઓ આગળ વધી રહ્યા છે. એનડીએ સરકારની પૂરી થવા લાગેલી બીજી ઈનિંગ સંપૂર્ણ આર્થિક સભાનતાયુક્ત હોવાનો આ સંકેત છે. નાણાં, વાણિજ્ય, ઉદ્યોગ, માર્ગ વગેરેમાં  એકેડેમિક અને ઈનોવેટિવ અભિગમથી અર્થતંત્રને પાટે ચડાવવા માટે ઉપકારક સેવાઓ અપાય છે. સાવ નાના, નાના, અને મધ્યમ કદના ઉદ્યોગોને કેન્દ્રની વધુમાં વધુ હૂંફની અત્યારે જરૂર છે, કારણ કે અર્થતંત્રનું એ મહત્ત્વનું ચાલક બળ છે. દેશ હજુ સુધારા વધારા સાથેની નવી ઔદ્યોગિક નીતિની પણ પ્રતીક્ષા કરે છે.

Gujarat
Magazines