ભારતને કૃષિપ્રધાન દેશ ગણવામાં આવે છે અને આઝાદીના ૭૫ વર્ષ પછી પણ દેશની લગભગ ૫૦ ટકા વસ્તી હજુ આજે પણ ખેતી ઉપર નિર્ભર છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં વીજળીની ગંભીર સમસ્યાને કારણે, તેઓને તેમના પાકને સિંચાઈ કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને તેમના પાકને બચાવવા માટે ડિઝલ એન્જિનનો ઉપયોગ કરવાની ફરજ પડે છે.
વળી આજના સમયમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને છે, જેના કારણે ખેડૂતોની આવક પર માઠી અસર પડી રહી છે. તે જ સમયે, વધુ પડતા પાવર કટ અને ઓછા વોલ્ટેજને કારણે તેમની મુશ્કેલીઓમાં વધારો થાય છે. ખેડૂતોની આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ખેડૂતોને સિંચાઈ માટે સોલાર સિસ્ટમની સુવિધા આપવામાં આવે છે. પ્રધાનમંત્રી કુસુમ યોજના હેઠળ, ખેડૂતોને સોલર પંપ લગાવવા માટેના કુલ ખર્ચના ૯૦ ટકા ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે અને બાકીના માત્ર ૧૦ ટકા ખેડૂતોએ પોતાના ખિસ્સામાંથી ખર્ચવાના રહે છે.
પૈસેટકે ઊંચા આવ્યા છતાં ગુજરાતના કિસાનો હજુ ટેકનોલોજી અને ઊર્જા ક્ષેત્રે પૂરેપૂરા પછાત છે. દેશના અન્ય કેટલાક અને વિશેષ તો દક્ષિણ ભારતના રાજ્યો આ અંગે બહુ સભાન છે અને ઝડપથી સરકારની આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. ગુજરાત હજુ કૃષિક્ષેત્રે સૌર ના ઉપયોગ પરત્વે ઉદાસીન છે. ખરેખર આ દિશામાં પણ આપણા કિસાનોએ પ્રગતિ કરવાની જરૂર હોય છે. સરકાર ખેડૂતોને સોલાર પંપ ખરીદવા માટે ૬૦ ટકા અને લોનના રૂપમાં ૩૦ ટકા સબસિડી આપે છે. ખેડૂતો સોલાર સિસ્ટમ દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ તેમના ખેતીના હેતુઓ માટે કરી શકે છે, જ્યારે તેઓ વધારાની વીજળી સરકારને પરત વેચી શકે છે. તે જ સમયે, ખેડૂતો આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેને સંપૂર્ણ રીતે પોર્ટેબલ પણ બનાવી શકે છે, જેથી તેમને મોટરને અવર-જવર કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે. આ યોજના દ્વારા તેઓ ખેતીની સાથે-સાથે પોતાના ઘરે બેસીને પોતાનો સોલાર બિઝનેસ પણ શરૂ કરી શકે છે અને દર મહિને સારી આવક સુનિશ્ચિત કરી શકે છે.
જો તમે સૌર ઊર્જા વિશે જાગૃત છો, તો તેનો ઉપયોગ કરીને તમે તમારી જાતને અને પર્યાવરણને મદદ કરી શકો છો. પરંતુ, અન્ય ખેડૂતોને આ તરફ પ્રેરિત કરીને, તમે સમાજમાં પરિવર્તનનું નવું અભિયાન શરૂ કરી શકો છો અને દર મહિને લાખો રૂપિયા કમાઈ શકો છો. જો ખેડૂત પાસે ૭.૫ એચપીની મોટર હોય, તો તેને વીજળીમાં આત્મનિર્ભર બનવા માટે લગભગ ૧૦ કિલોવોટની સોલાર પેનલની જરૂર પડશે. એકવાર ખેડૂત સોલાર પેનલ ખરીદે છે, તે તેની આસપાસના ઘણા ખેડૂતોને તે કરવા માટે પ્રેરણા આપી શકે છે. સરકારની આ નવી યોજના હોવાથી આ માટે અનેક ચોર કંપનીઓએ ખેડૂતોને છેતરવા અને લૂંટવા માટે વેબસાઈટો બનાવી છે તેનાથી સાવધાન રહેવાની જરૂર છે. માત્ર સરકારી એજન્સીઓ અને સરકારી ઓફિસોની મદદથી જ આ યોજનાનો લાભ લેવો હિતાવહ છે.
અનેક વિવિધ કંપનીઓ હવે દેશના અંતરિયાળ વિસ્તારોમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા અને રોજગારના વધુ માધ્યમો વિકસાવવા માટે તેનો ડીલરશીપ અને ડિસ્ટ્રીબ્યુટરશીપ પ્રોગ્રામ ચલાવે છે અને રસ ધરાવતા ખેડૂતો તેની સાથે જોડાઈને તેમના જીવનને નવી ઊંચાઈ આપી શકે છે. જો કોઈ ખેડૂત સોલાર સેક્ટરમાં જોડાવા માંગે છે અને ડીલર અથવા ડિસ્ટ્રીબ્યુટર તરીકે કામ કરવા માંગે છે, તો તેમના માટે આ ખૂબ જ સારી તક છે. કારણ કે, આ સેક્ટરમાં નફાનું માર્જિન ૧૦ થી ૨૫ ટકાની વચ્ચે છે અને સરકારને ઈ. સ. ૨૦૩૦ સુધીમાં સારી દેશમાં સૌર ઊર્જા ક્ષમતા સાત ગણી વધારવી પડશે આ સંદર્ભે આગામી થોડા વર્ષોમાં આ ક્ષેત્રમાં કમાણીનાં વધુ માધ્યમો વિકસાવવામાં આવશે.સૌર ક્ષેત્ર કોઈપણ ખેડૂત માટે સંપૂર્ણપણે નવા ક્ષેત્ર જેવું લાગે છે. તેથી, તેમને આમાં આગળ વધવા માટે તાલીમની જરૂર પડશે. સોલાર કંપનીઓ લોકોને સોલાર ક્ષેત્ર સાથે જોડવા માટે દર શનિવારે 'લર્ન સોલાર' નામના તાલીમ કાર્યક્રમનું આયોજન કરે છે. વિવિધ માધ્યમો માટે ઓછામાં ઓછા ૧૦૦૦ લોકો તેમાં ભાગ લે છે. આ દરમિયાન, તેમને માર્કેટિંગ, ઇન્સ્ટોલેશન, રિપેરિંગ જેવા તમામ વિષયોમાં ઊંડાણપૂર્વકની તાલીમ આપવામાં આવે છે.


