ભારતીય ખલાસીઓનો સંઘર્ષ .
ઈરાન અને અમેરિકા વચ્ચે ફરી ગમે ત્યારે યુદ્ધની નોબત વાગી શકે છે કારણ કે ઈરાનની નેતાગીરી સતત અમેરિકા વિરુદ્ધ ઝેર ઠાલવે છે. સતત અણીએ પહોંચેલી રહેતી આ તંગદિલીમાં અમેરિકાના છેલ્લા ઈરાન પરના હુમલા પછી ભારતીય ખલાસીઓ ત્રિશંકુ જેવી હાલતમાં ફસાયેલા છે અને ભારતીય વિદેશ મંત્રાલયે આવનારા દિવસોમાં એમાં હસ્તક્ષેપ કરવો પડશે. ટનબંધ પેટ્રોલિયમનું વહન કરતા બ્રિટિશ જહાજો પર કામ કરતા ભારતીય ખલાસીઓને ઈરાને અગાઉ અનેકવાર બંધક બનાવેલા છે. ઈરાને આવા પગલાઓ પોતાના જહાજને બ્રિટિશ નેવી આંચકી લીધું તેના વિરોધમાં ઉઠાવતું રહે છે. વળી આવા ઈરાનનું જે જહાજો બ્રિટિશ નેવી પાસે હોય એના તો કેપ્ટન જ મહદંશે ભારતીય હોય છે, ઉપરાંત ટેકનિકલ સ્ટાફમાં પણ અનેક ભારતીયો હોય છે. આજે ચીન સિવાય દુનિયાનો એક પણ દેશ એવો નથી કે જેના જહાજો પર ભારતીય ખલાસીઓ ન હોય. અખાતી દેશોમાં જહાજોના ધમધોકાર ટ્રાફિકમાં તો ગુજરાતી ખલાસીઓ પણ પારાવાર છે, એમાં જાફરાબાદના ટંડેલ અને વેરાવળ-પોરબંદરના ખારવાઓ પણ છે!
દુનિયામાં ભારતીય ખલાસીઓ ક્યાંક ને ક્યાંક પોતાના કોઈ જ વાંક-ગુના વિના ફસાતા રહે છે અને એ જ એમની ટ્રેજેડી છે. હજુ હમણાં જ નાઇજિરિયાના દરિયાઇ ચાંચિયાઓએ ત્યાંના બોની ટાપુ કિનારે નાંગરેલા એક સિંગાપોરી જહાજને પાંચ ભારતીય ખલાસીઓ સહિત બાનમાં લીધું હતું. એના પહેલા કાળા સમુદ્રમાંથી પસાર થઇ રહેલા એક રશિયન પેટ્રોલિયમ વાહક જહાજમાં લાગેલી ભીષણ આગમાં પાંચ ભારતીય ખલાસીઓની જિંદગી હોમાઇ ગઇ હતી. ગયા વરસે પશ્ચિમ આફ્રિકાના બેનિન બંદરેથી ચાંચિયાઓએ બાવીસ ભારતીય નાવિકોનું અપહરણ કર્યું હતું. હમણાં તો દર મહિને દરિયાલાલના ખોળે રમતા ભારતીય ખલાસીઓના સંકટના વૃત્તાંત ક્યાંક નહિ ને ક્યાંકથી તો આવતા જ રહે છે! ભારતીય ખલાસીઓ, ટેકનિશ્યનોનો વ્યાપ રાતોરાત સાત સાગર પર વધી જવાનું કારણ શું છે ? તેઓનામાં એવી તે શું કમાલ છે કે જહાજ હોય ગમે તે દેશનું પણ ચાલે છે ભારતીય ખલાસીના ઈશારા પર ?
જહાજો પર થનારી નિમણુકો મર્ચન્ટ નેવીના અનેક પ્રકારના અભ્યાસક્રમો અને એની અન્ય યોગ્યતા કસોટીઓ ઉત્તીર્ણ કર્યા પછી થાય છે. એમાં મુખ્યત્વે કેપ્ટન સ્ટાફ, એન્જિનિયરિંગ સ્ટાફ અને સાર-સંભાળક સ્ટાફ હોય છે. ભારતમાં આની તાલીમ ઈ.સ. ૧૯૨૭માં બોમ્બે હાર્બર નજીક ડફરિન નામના જહાજમાં શરૂ થઇ, પરંતુ આ ક્ષેત્રમાં ગતિ આ એકવીસમી સદીની શરૂઆતમાં આવી. વચ્ચેના વરસોમાં કોઈ સરકારે કે ટેકનિકલ કાઉન્સિલોએ એના પર ધ્યાન જ ન આપ્યું. એ વીતેલા વરસો દરમિયાન ચીન, ફિલિપાઇન્સ, રશિયા અને યુક્રેને પણ વૈશ્વિક જહાજી કામકાજમાં પોતાનો વિસ્તાર કર્યો એટલે ભારત થોડું પાછળ રહી ગયું. મર્ચન્ટ નેવી માટે શિક્ષણ અને તાલીમ આપતા ભારતીય સંસ્થાનો પર સદાય બહુ જ આકરા અને એય બ્રિટિશરોના બનાવેલા નિરર્થક કાયદાઓ લાગુ પડતા હતા. ઇ.સ. ૨૦૧૬માં એનડીએ સરકારે એ બધા કાયદાઓ હટાવી લીધા. ત્યારથી આજ સુધીમાં ભારતે એવી મોટી છલાંગ લગાવી કે જોતજોતામાં દુનિયાભરમાં મર્ચન્ટ નેવી ઓફિસરો સપ્લાય કરનારો ભારત પાંચમો સૌથી મોટો દેશ બની ગયો. ઇ.સ. ૨૦૧૭માં ભારતના દોઢ લાખ યુવાનો મર્ચન્ટ નેવીમાં કામે લાગ્યા અને ઇ.સ. ૨૦૧૮માં આ સંખ્યા બે લાખથી પણ વધી ગઇ. એમ સતત વધતા આજે ૨૦૨૫માં એ સંખ્યા ત્રણ લાખથી વધુ થવા જાય છે. ખૂબ સારા - ઊંચા પગારો આપનારી મર્ચન્ટ નેવી તરફ ભારતીય યુવાનોનું આકર્ષણ અને તાલીમ પછીની કાબેલિયત કાબિલે દાદ છે. આજે એ લાખોમાં છે.
ગુજરાત પાસે વિશાળ સાગર કિનારો છે, પરંતુ મર્ચન્ટ નેવીનો અભ્યાસક્રમ ભણાવતી એક પણ ખાનગી કે સરકારી સંસ્થા નથી. મર્ચન્ટ નેવી એક ગ્લોબલ કેરિયર છે અને એમાં ગુજરાતના દરિયા કિનારાની પ્રજાની નવી પેઢી ઉત્સાહથી જોડાઇ રહી છે એ એક શુભ સંકેત છે. હવે ભારત સરકારના વિદેશ મંત્રાલયે મર્ચન્ટ નેવી ક્ષેત્રે કાર્યરત ભારતીયોની સલામતી - સુરક્ષા માટે એક નવું અને આગવું વ્યવસ્થા તંત્ર ઊભું કરવાની જરૂર છે. ગુજરાતની દરેક યુનિવર્સિટીમાં ફરજિયાતપણે સાગર ભવન હોવું જોઇએ, જેમાં મર્ચન્ટ નેવી સહિતના વિવિધ અભ્યાસક્રમોની વ્યવસ્થા હોય. આપણે ત્યાં ખાનગી અને સરકારી ટેકનિકલ યુનિવર્સિટીઓ છે એ પણ મરીન અભ્યાસક્રમો પ્રત્યે મહત્ ઉદાસ છે. માત્ર ગુજરાત જ નહિ, દેશમાં પણ આ ક્ષેત્રે ઉદાસી છે. દક્ષિણ ભારતની પ્રજા જો કે દરિયા પાછળ અન્ય ભારતીયોની તુલનામાં વધુ ઘેલી છે અને એડવાન્સ છે. ગુજરાતીઓએ મધ્યયુગથી ઓગણીસમી સદીના આરંભ સુધી દુનિયાના બંદરો પર પોતાના વાવટા ફરકાવ્યા હતા અને વહાણવટાના વૈેશ્વિક ઇતિહાસમાં ગુજરાતીઓ હિમાલયન અસ્તિત્વ ધરાવે છે. પરંતુ એક તો આજની પેઢી પોતાના પૂર્વજ ગુજરાતીઓના પરાક્રમોથી અજ્ઞાાત છે અને ઉપરાંતમાં એનામાં સમુદ્રાભિખમુખતા શૂન્ય છે.