માસ્ક વિનાના બેવકૂફો .
કોરોના વાયરસ ભારતમાં પ્રવેશ્યો તેને ચાર મહિના કરતા વધુ વખત થયો. સરકાર થોડી મોડી જાગી પણ માર્ચ મહિનાથી લોકડાઉન લાદવામાં આવ્યું. લોકોને સાવચેતી રાખવાની સૂચના વારંવાર અપાઈ રહી છે. કોરોના વાયરસ શું છે અને તે કેટલો જોખમી છે તે હવે લગભગ દરેક ભારતીય જાણે છે.
છતાં પણ પટણા જિલ્લાના દિહપાલી ગામમાં બેદરકારી દાખવવામાં આવી અને તેનું દુઃખદ પરિણામ આવ્યું તે શોકગ્રસ્ત ઘટના તરફ આખા દેશનું ધ્યાન ગયું છે. ગુરુગ્રામમાં સોફ્ટવેર એન્જિનિયરની નોકરી કરતો એક યુવક દિલ્હીથી પોતાના જ વાહનમાં ગામમાં આવ્યો હતો કારણ કે તેના પછીના મહિને તેના લગ્ન થવાના હતા.
તેના પરિવારજનોના કહેવા મુજબ દિલ્હીથી આવીને તેણે જાતે સેલ્ફ-ક્વોરન્ટાઈનના નિયમો પાળ્યા હતા અને તેનામાં કોરોનાનું એક પણ ચિહ્ન દેખાતું ન હતું. તેના પંદર જુને લગ્ન થયા અને બીજા જ દિવસે તેની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ. તેનું મૃત્યુ થયું અને તેના મૃત્યુનું કારણ કદાચ કોરોના હોઈ શકે એવું કહેવામાં આવી રહ્યું છે.
પછી તપાસની સૂચના મળતા અધિકારીઓએ લગ્નમાં આવેલા મહેમાનોની મેડિકલ તપાસ કરી તો સોથી વધુ લોકો કોરોનાથી ચેપગ્રસ્ત હતા. પ્રશ્ન એ છે કે આટલી મોટી દુર્ઘટના જે બેદરકારીને કારણે થઈ તેના માટે જવાબદાર કોણ ? લગ્ન સમારંભમાં સાજન-માજનમાંથી કોઈએ માસ્ક પહેર્યા ન હતા.
એ સમજવું પણ અઘરું છે કે રાજ્યમાં કોરોના રોકવાના પ્રયાસો ચાલુ હોય અને તેના માટે કડક નિયમોનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હોય તો દિલ્હી જેવા વધુ સંક્રમણ ધરાવતા વિસ્તારમાંથી આવનારા માણસની મેડિકલ તપાસ કરાવવાનું ગ્રામ પંચાયત, મેડિકલ સ્ટાફ કે કોઈ પણ સરકારી અધિકારીને સૂઝયું કેમ નહીં ? આજકાલ આપણે ત્યાં ગુજરાતમાં પણ આમ જ થઈ રહ્યું છે.
સુરત અને અમદાવાદ હવે બદનામ થયા છે એટલું જ બાકી ગુજરાત બહારના મોટા શહેરોમાંથી સંખ્યાબંધ ગુજરાતીઓ વતનમાં આવી ગયેલા છે. સુરત અને અમદાવાદની જ વાતો કેમ થાય છે ? હૈદરાબાદથી આવ્યા એનું શું ? બેંગ્લોર અને પૂનાથી પણ અઢળક ગુજરાતી પરિવારો વતનમાં આવી ગયા છે.
બિહારમાં પ્રશાસનની બેદરકારીની પરાકાષ્ઠા તો ત્યાં સાબિત થઈ જ્યારે પેટમાં દુઃખાવાની ફરિયાદને કારણે યુવકને પટણાની એમ્સ હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ તેનું મૃત્યુ થયું અને મૃત્યુ થયા પછી પણ તેને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હતો કે નહીં તેની તપાસ કરવી કોઈને પણ જરૂરી ન લાગી.
તેની તપાસ કર્યા વિના તેની અંતિમવિધિ કરી નાખવામાં આવી. માટે યુવકને કોરોનાનો ચેપ લાગ્યો હતો કે નહીં તે કહેવું મુશ્કેલ છે. પણ દેખીતી વાત છે કે આ યુવકનું મૃત્યુ કોરોનાને કારણે અવસાન પામેલા મૃતકોની યાદીમાં ગણવામાં નહીં આવે, ભલે ને તેને લગ્નમાં હાજર રહ્યા હોય તેવા સો લોકો કોરોના ચેપગ્રસ્ત નીકળ્યા હોય.
જો યુવકને કોરોના ન હોય તો તેના લગ્નપ્રસંગમાં મહેમાનોને લાગેલા ચેપનો સ્ત્રોત શું ? લોકડાઉન હવે રહ્યું નથી, હવે જે પરિસ્થિતિ છે તે અનલોક છે. અનલોક હોવા છતાં લોકોને સતત સૂચના આપવામાં આવે છે કે બેદરકારી ન દાખવે, સોશ્યલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરે અને જરૂર સિવાય બહાર ન નીકળે. લગ્ન પ્રસંગની છૂટ આપવામાં આવી પણ મહત્તમ પચાસ લોકોની હાજરીમાં. દિહપાલીમાં થયેલા પેલા યુવકના લગ્ન સમારોહમાં આ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જુદા જુદા સમયે સાડા ત્રણસો જેટલા લોકોને બોલાવવામાં આવ્યા હતા.
તેનો અર્થ એ કે લોકો નિયમો તોડવા માટે છટકબારી શોધી લે છે. રાષ્ટ્રીય સ્તરે કોરોના સામે લડાઈ માટે લોકોને તૈયાર કરવામાં આવે છે પણ એક મોટો સમુદાય એવો છે જેને આ પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ છે છતાં નથી. આવા લોકોની બેદરકારી સમાજ માટે ખતરારૂપ બની છે.
એક સાથે ઘણા બધા લોકોને ચેપ લાગ્યો હોય એવી આ બિહારની પહેલી ઘટના હતી. હવે ચિંતા વધતી જાય છે. કોરોનાથી બચવા માટેની ગાઈડલાઇન સતત બહાર પાડવામાં આવે છે પરંતુ તેનો સખતાઇથી અમલ કેમ કરાવવામાં આવતો નથી ? સરકાર અને તેના વિભિન્ન ખાતાઓના અધિકારીઓ કેમ કડકપણે નિયમોનું પાલન કરાવતા નથી ? લોકો તો બેદરકારી દાખવી જ રહ્યા છે પણ સ્થાનિક તંત્ર હવે લોકોની ગતિવિધિ પર ચાંપતી નજર રાખવાનું જરૂરી નથી સમજતું. એટલે કે સરકારી અધિકારીઓએ પોતાની જવાબદારી પડતી મૂકી છે. આ ગંભીર સ્થિતિ છે.
દેશના કોઈ પણ શહેરમાં માસ્ક વિના ફરતા બેવકૂફોની સંખ્યા બહુ મોટી છે. રાજસ્થાનમાં પણ આવા જ એક લગ્ન સમારોહમાં નિયમોનું પાલન થયું ન હતું જે ધ્યાનમાં આવતા પરિવારે છ લાખ રૂપિયાનો દંડ ભરવો પડયો છે. જો આ જ રીતે બેદરકારી વધતી રહી તો સંક્રમિત લોકોની સંખ્યા પણ વધતી રહેશે અને ચેપી લોકો વીજળીક ઝડપે સમાજના મોટા સમુદાય માટે ટાઈમ બૉમ્બ બની જશે જેની સજા આખા દેશે ભોગવવાની રહેશે.