ઈરાનમાં ચાલી રહેલી લોકક્રાન્તિને અમેરિકા હવા આપે છે. ટ્રમ્પની ધીમી ફૂંક એ ચિનગારીને ભડકો કરી રહી છે. ઈસુના નવા વરસમાં અનેક તાનાશાહી શાસકોના પતનની નોબત વાગી રહી છે તેમાં પાકિસ્તાનની નકલી લોકશાહી અને રાજાશાહી જેવી ઉત્તર કોરિયાની કિમ જોંગશાહીના પતનના પણ ભણકારા વાગી રહ્યા છે. એક વધુ અઘરા વરસમાં જગત પ્રવેશી રહ્યું છે એ ક્રમશ: ખ્યાલ આવશે. આપણે ત્યાં એનડીએ સરકાર હવે છેક ઈ. સ. ૨૦૪૭ ના સપનાઓની છુટ્ટે હાથે લ્હાણી કરી રહી છે જેની સોશિયલ મીડિયામાં બેફામ મજાક ઉડી રહી છે. ઈરાનમાં હાલ જે ક્રાન્તિ નવેસરથી શરૂ થઈ છે તેમાં સોશિયલ મીડિયા અને એના સ્ત્રી નાગરિકોનું જબરજસ્ત પ્રભુત્વ છે. સાયબર ક્ષેત્ર હવે નવું કુરુક્ષેત્ર બની ગયું છે જેમાં દુર્યોધનો છે અને યુધિષ્ઠિરો પણ છે.
કાળા સમુદ્ર પર ઉડતા ભેદી અમેરિકન ડ્રોનને રશિયન ફાઈટર વિમાનોએ ફૂંકી માર્યું એ ઘટના પછી અમેરિકાએ માત્ર વાતો જ કરી છે. રશિયાએ અમેરિકા અને યુક્રેન બન્નેને ચેતવણી આપવાનો ક્રમ ચાલુ રાખ્યો છે. ટેરિફના તૂત પછી આજકાલ છાને પગલે અમેરિકાનું પતન ચાલે છે. યુક્રેન યુદ્ધમાં ચીનની મધ્યસ્થી એ ટ્રમ્પના નાક પરનો એક નવો ઘસરકો છે. ડ્રોન વિનાશનો જવાબ અમેરિકા આપી શકે એમ નથી. અગાઉ અમેરિકાના ડ્રોને ઈરાનના સેના પ્રમુખ કાસીમ સુલેમાનીને પોતાનો શિકાર બનાવ્યો હતો ત્યારે એ બંને દેશો અલગ અલગ અંતિમો ઉપર પહોંચી ગયા હતા. ઈરાનમાં તંગદિલી છવાઈ ગઈ હતી અને ઈરાની શાસકોની બદલો લેવાની ભાવના એકાએક જ પ્રજ્વલિત થઈ ગઈ હતી. ઈરાનના નાગરિકો પણ તડ અને ફડ કરવાના આવેગમાં આવી ગયા હતા. જ્યારે બીજી તરફ અમેરિકાના સંરક્ષણ ક્ષેત્રના જે સલાહકારો છે એમને બીજી જ ચિંતા સતાવી રહી હતી. તેમને એ ભય હતો કે ઈરાને જો સાયબર હુમલો કર્યો તો ? અમેરિકા ઉપર ઇરાને હેકિંગનું શસ્ત્ર અજમાવ્યું તો ?
આખો દેશ અને દેશના તમામ નાગરિકોનું નિત્ય જીવન જ્યારે ઈન્ટરનેટ વડે જોડાયેલું હોય ત્યારે કોઈ સાયબર હુમલો થાય તો આખા દેશનું અર્થતંત્ર પડી ભાંગે. સંરક્ષણના સર્વરોને સુરક્ષા આપવા માટે સાવધાની રાખવામાં આવે છે પણ નાગરિક સેવાઓને એટલું રક્ષણ પૂરું પાડી શકાતું નથી. અત્યારે અમેરિકાના સામાન્ય નાગરિકો વચ્ચે પણ જ્યારે આ વાત છેડાઈ છે ત્યારે અમેરિકન જનતામાં આ વાતની ચિંતા જોવા મળે છે. આમ પણ ડેટા પ્રાઇવસીની બાબતો અંગે ગૂગલ-ફેસબુક જેવી કંપનીઓના માલિકો સાથે અમેરિકન સંસદમાં ઘણી ચર્ચાઓ થઈ છે, વિવાદો ઊભા થયા છે અને કંપનીઓએ કરોડો ડોલરના દંડ પણ ભરવા પડયા છે. આપણે ત્યાં પણ આ કંપનીઓ વારંવાર સરકારના વાંકમાં આવે જ છે અને દંડ ભરે છે. અત્યારે ય વિવાદો ચાલુ જ છે. પરંતુ એનાથીય અધિક ખતરો હોય તો એ ડેટા પ્રાઇવસીનો નહીં પણ પાણી અને વીજળીનો છે. વીજળીની ગ્રીડ કરપ્ટ થઈ જાય તો મોટા વિસ્તારમાં અંધારપટ છવાઈ જાય અને એ ક્ષેત્રમાં પાણી પહોંચતું બંધ થઈ જાય.
દેશ આખો ચોવીસ કલાકની અંદર રસ્તા પર આવી જાય. જનજીવન ઠપ્પ કરવા માટે દેશની વીજળી અને પાણી પરની એક તરાપ પૂરતી હોય છે. હમણાં એટલે કે વીતેલા ચોમાસે દેશના પૂર્વ અને પશ્ચિમના રાજ્યોએ ઝંઝાવાતોથી વીજળી વેરણ થવાનો અનુભવ કર્યો જ છે. ગુજરાતના તો હજારો ગામડાઓ વગર ટૌટે પણ અવારનવાર વીજકાપ અનુભવે છે. અમેરિકા એકદમ ટેકનોલોજિકલ દેશ બની ગયો છે તો આ એનો ગેરફાયદો પણ દુશ્મન દેશ ઉઠાવી શકે છે. બૉમ્બ અને મિસાઈલ કરતા પણ બીજા ભયસ્થાનો વધુ મોટા છે. જમાનો બદલાઈ રહ્યો છે, સમય બદલાઈ ચૂકયો છે. રણમેદાનનું સરનામું સરહદમાંથી કોમ્પ્યુટરમાં સ્થળાંતરિત થઈ ચૂક્યું છે. અમુક શસ્ત્રો જુના થઈ ગયા છે તો નવા શસ્ત્રો ઉમેરાઈ રહ્યા છે. હવે લોકો એવું કહે છે કે ત્રીજું વિશ્વયુદ્ધ માઉસની ક્લિક ઉપર રમાશે. સાયબર યુદ્ધ બહુ મોટી તારાજી સર્જી શકે છે અને તેના વિનાશનો અંદાજ બહુ ઓછા લોકોને છે. ઇન્ટરનેટ માનવસંસ્કૃતિ સામે ભેટસમાન છે પણ સાયબર યુદ્ધ દરેક દેશ પર લટકતી નવી તલવાર છે.
આજે પણ અમેરિકા હેકિંગપ્રૂફ નથી. કોમ્પ્યુટરની સંપર્કસૂત્ર જાળ એવી બિછાવાયેલી છે કે એ રસ્તે કોઈ પણ હાઈટેક સિસ્ટમનો ઘૂંઘટ ઉઠાવી શકાય છે. પરદા પાછળ જોઈ શકાય છે. જે ગુપ્ત છે એને પ્રગટ કરી શકાય છે. હેકિંગ એક પ્રકારની માયાવી વિદ્યા છે અને એ રાક્ષસી પ્રવૃત્તિ છે. છેલ્લા થોડા વરસોમાં સાયબર સિક્યોરિટી બહુ મહત્ત્વનો શબ્દ બની ગયો છે. હવે તો એ એક મહાન વિદ્યાશાખા છે. જેમ સેનાની ત્રણ પાંખના વડા છે એમ ચોથી પાંખ સાયબર છે અને ભવિષ્યમાં દુનિયાના દરેક દેશે એને એડમિરલ કક્ષાના એક વડાને સાયબર કમાન સોંપવાની રહેશે. એ ભવિષ્ય કંઈ બહુ દૂર નથી.


