નિરર્થક શિક્ષણ નીતિ .
નવી શિક્ષણ નીતિના અમલના ત્રણ વર્ષ પૂર્ણ થયા બાદ એનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. શિક્ષણ વ્યવસ્થામાં અત્યાર સુધી જે સુધારા થયા છે તે અસરકારક સાબિત થઈ રહ્યા છે કે કેમ તેની નિષ્પક્ષ ચકાસણી આવશ્યક છે. તેની સાથે એ પણ જોવું જોઈએ કે જે સુધારા કરવામાં આવ્યા છે તેના ધાર્યાં પરિણામો મળી રહ્યાં છે કે નહીં? એ જ રીતે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓ નવી શિક્ષણ નીતિની જોગવાઈઓનો ગંભીરતાથી અમલ કરે છે કે કેમ તેના પર પણ ધ્યાન આપવાની જરૂર છે. આ સમીક્ષા થવી જોઈએ, કારણ કે માત્ર આ જ પદ્ધતિ નવી શિક્ષણ નીતિના ઉદ્દેશ્યોને સમયસર પ્રાપ્ત કરવામાં મદદ કરશે. નવી એજ્યુકેશન પોલિસી ઘડવામાં લાંબો સમય લાગ્યો એ વાતને નજરઅંદાજ ન કરવી જોઈએ. વર્તમાન કેન્દ્ર સરકારને શિક્ષણમાં કેટલો રશ છે ને કેટલી ભાન પડે છે એ વિશે કંઈ કહેવાની જરૂર નથી. સહુ જાણે છે.
સરકારનો દાવો સાચો હોઈ શકે છે કે નવી શિક્ષણ નીતિને લગતી ૮૦ ટકા ભલામણોનો અમલ શરૂ થઈ ગયો છે, પરંતુ સવાલ એ છે કે શું આ ભલામણોનો યોગ્ય રીતે અમલ થઈ રહ્યો છે? કેટલીક મોટી અને નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓએ નવી શિક્ષણ નીતિની જોગવાઈઓ લાગુ કરવાની તૈયારી દર્શાવી છે એ વાતનો ઈન્કાર નથી, પરંતુ હજુ પણ ઘણી શૈક્ષણિક સંસ્થાઓ આ બાબતમાં પાછળ છે. કેટલીક રાજ્ય સરકારો પણ નવી શિક્ષણ નીતિના અમલીકરણમાં જોઈએ તેટલી સજાગ નથી. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સિટીઓ હજુ પણ જૂની પેટર્નને અનુસરતી જોવા મળે છે તે યોગ્ય નથી. તેઓ હજુ પણ એવી ડિગ્રીઓ વહેંચવામાં વ્યસ્ત છે, જેની ઉપયોગિતા પર પ્રશ્નાર્થ છે.
ટેક્નોલોજીના આ યુગમાં વિશ્વ ઝડપથી બદલાઈ રહ્યું હોવાથી શિક્ષણ પ્રણાલીમાં સુધારાની પ્રક્રિયાને પણ વેગવંતી બનાવવી જોઈએ. નવી શિક્ષણનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને ઘડવાનો અને ભવિષ્યના પડકારોનો સામનો કરવા સક્ષમ બનાવવાનો છે. વિદ્યાર્થીઓને તે કૌશલ્યથી સજ્જ કરવું જોઈએ, જેના વિના આજના ટેકનિકલ યુગમાં કામ ચાલે તેમ નથી. હકીકતમાં કૌશલ વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. જરૂરિયાત માત્ર શિક્ષણની ગુણવત્તા સુધારવાની નથી, પરંતુ શિક્ષકોને એવી રીતે તાલીમ આપવાની પણ છે કે તેઓ નવી શિક્ષણનીતિ દ્વારા જે અપેક્ષાઓ રાખવામાં આવી છે તે પ્રમાણે તેઓ પોતાની કારકિર્દી જીવી શકે. અર્ધસત્ય એ છે કે મહત્ શિક્ષકોને નવી શિક્ષણ નીતિમાં કોઈ જ ગતાગમ પડતી નથી અને પૂર્ણ સત્ય એ છે કે શિક્ષક નામક મહાજાતિને અપગ્રેડ કે અપડેટ થવામાં કોઈ રસ નથી.
શિક્ષકોની માનસિકતા સાથે વિદ્યાર્થીઓની માનસિકતામાં પણ પરિવર્તન લાવવું એ સમયની જરૂરિયાત છે. એ પણ સમજવું જોઈએ કે પ્રાથમિકથી લઈને ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા સમસ્યાઓથી ભરેલી છે. છેવટે, દેશભરની શાળાઓ અને યુનિવર્સિટીઓ નાના ફેરફારો સાથે સમાન અભ્યાસક્રમ અપનાવે તે સુનિશ્ચિત કરવા માટે નક્કર પગલાં કેમ લેવામાં આવતાં નથી? નિ:શંકપણે, અભ્યાસક્રમમાં ફેરફારને પણ પ્રાથમિકતા આપવી જોઈએ, કારણ કે અત્યાર સુધીમાં આ કામ થઈ જવું જોઈતું હતું. વડાપ્રધાન વળી હમણાંથી તેમના વ્યાખ્યાનોમાં નવી શિક્ષણ નીતિની અને સમાન અભ્યાસક્રમની વાતો કરતા થયા છે, પણ એ વારતાઓ વાસ્તવિતાથી બહુ દૂર હોવાથી નિરર્થક છે.
નવી શિક્ષણનીતિના અમલમાં બહુ મોડું થઈ ચૂક્યું છે. આપણે જ્યારે ફિનલેન્ડને શિક્ષણ પદ્ધતિનું દૃષ્ટાંત મૂકતા હતા ત્યાં સુધીમાં ફિનલેન્ડે પોતાની શિક્ષણ પદ્ધતિમાં ઘણી બધી વખત ધરખમ ફેરફારો કરી નાખ્યા હતા. ભારતની શિક્ષણ નીતિ હજુ લોર્ડ મેકોલેના પડછાયામાંથી બહાર નીકળી શકી નથી. જો થોડો ઘણો પણ આગવો અભિગમ અપનાવ્યો હોય તો એ અભિગમ ઉપર અમેરિકન શિક્ષણ પદ્ધતિની સીધી છાંટ જોવા મળે છે. ઇન્ટરનેશનલ બોર્ડ તરીકે ઓળખાતી ઘણી સ્કૂલો આપણા દેશમાં છે પણ તેનો અભ્યાસક્રમ અમેરિકન પ્રણાલી મુજબ છે. શહેરોમાં ઈંગ્લિશ સિવાયની ભાષા શીખવા માટે વિદ્યાર્થીઓ સ્પેનિશ કે ફ્રેન્ચ પસંદ કરે છે. તમિલ કે બંગાળી ભાષા બોલનારા લોકોની સંખ્યા ખૂબ વધુ હોવા છતાં અને તે બંને ભાષા અતિસમૃદ્ધ હોવા છતાં તમિલ સિવાયના કે બંગાળી સિવાયના ભારતીયોને તે ભાષા શીખવા માટે પ્રોત્સાહન અપાતું નથી. આ એક મુદ્દો જ બતાવે છે કે આપણી શિક્ષણ પદ્ધતિના સ્ટાન્ડર્ડ મૌલિક નથી. બ્રેઇન ડ્રેઈનના નામે થતી બુદ્ધિશાળી બાળકોની હિજરત રોકવાની ક્ષમતા પણ નવી શિક્ષણનીતિમાં નથી.