For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સ્ટાર્ટઅપનું ઘોર પતન કેમ? .

Updated: Apr 3rd, 2024

Article Content Image

યુપીએની સરકારના દસ વર્ષના સળંગ શાસનને ઉથલાવીને જ્યારે એનડીએની સરકાર સત્તારૂઢ થઈ ત્યારથી એવા સંકેતો મળવા લાગેલા કે આ સરકાર એનડીએ એટલે કે સાથીદાર મિત્રપક્ષોની ઓછી છે અને ભાજપની વધું છે. ધીમે ધીમે પ્રજાને એ પણ સમજાયું કે આ ભાજપ સરકાર પણ નથી ને માત્ર મોદી સરકાર છે. આ હકીકતથી મિસ્ટર મોદી પણ વાકેફ હતા અને માટે જ એકસો ત્રીસ કરોડની જનતાની અપેક્ષાનો ભાર ફક્ત એક વ્યક્તિ ઉપર આવી પહોંચ્યો. લોકો કઇંક નાવીન્યસભર બદલાવની અપેક્ષાએ બેઠા હતા અને લોકોની અપેક્ષાની પરિપૂર્તિ કરવા માટે મોદી સરકારે એક પછી એક દેશવ્યાપી યોજનાઓના કાર્યક્રમ સર્જ્યા જેને તેમણે વિવિધ નામ આપ્યા. સદંતર નિષ્ફળ ગયેલી નોટબંધી અને અણઘડ જીએસટીના અમલે સરકારની અનેક નબળાઈઓ છતી કરી દીધી. નોટબંધી જેવડી જ કે એનાથી પણ મોટી નિષ્ફળતા સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેકટને મળી છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાની અભૂતપૂર્વ નિષ્ફળતા નજર સામે હોવા છતાં પ્રજાનું ધ્યાન તેના પર નથી.

સ્ટાર્ટ અપનો પ્લાન લગભગ બધા જ સેક્ટરમાં નિષ્ફળતાને જઈ વર્યો છે. આરંભે શૂરા જેવો ઘાટ ધરાવતા સ્ટાર્ટ અપ ઇન્ડિયા પ્રોજેકટનું બાળમરણ થયું એવું કહેવું અતિશયોક્તિ નહીં ગણાય. ૨૦૧૫ માં બધા જ ભારતીય સ્ટાર્ટ અપ પ્રોજેકટે દેશવિદેશમાંથી સાડા સાત અબજ ડોલરનું ફન્ડિંગ ભેગું કર્યું હતું જે એના પછીના વર્ષે એટલે કે ૨૦૧૬ માં ઘટીને સાડા ત્રણ અબજ ડોલર થઈ ગયેલું. ૨૦૧૬ની નોટબંધીએ તો અડધોઅડધ સ્ટાર્ટઅપની બુનિયાદ તોડી નાંખી હતી. શરૂઆતના તબક્કામાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પ્રોજેકટને કારણે પાંચ લાખ યુવાઓને પ્રત્યક્ષ અને પંદર લાખ કરતા વધુ યુવાનોને પરોક્ષ રોજગારી મળી હતી. છેલ્લા પાંચ વર્ષમાં જ દસમાંથી નવ સ્ટાર્ટ અપને તાળું લાગી ગયું છે. એકાદ સ્ટાર્ટઅપ કંપની મરવાના વાંકે જીવતી હતી તો તેનો દમ લોકડાઉનમાં તૂટી ગયો. કોરોના વાયરસે લોકોના જીવનના ભોગ લીધા પણ લોકડાઉનને કારણે કરોડો આંખોમાં અંજાયેલા સપનાનું ગળું પણ દબાઈ ગયું. સ્ટાર્ર્ટઅપ ઇન્ડિયા હવે ભૂતકાળ છે. અલબત્ત, સ્ટાર્ટઅપ સેકટરમાં અપવાદો હશે અને તે પણ નોંધપાત્ર સંખ્યામાં. પરંતુ જે સ્તર ઉપર તેની સ્વપ્નીલ શરૂઆત કરવામાં આવી હતી તે અત્યારે સદંતર ગાયબ છે.

સ્ટાર્ટ અપ એ કોઈ અને કોઈ રીતે સર્વિસ કે ઉત્પાદન આપતા આઈડિયાનું ઉદભવબિંદુ હતું. જેનો મુખ્ય હેતુ લોકોને પોતાની જરૂરિયાતો માટે તેના પરંપરાગત દુકાનદારો કે સર્વિસ પ્રોવાઇડર પાસેથી ખસેડીને આધુનિક રીતે પોતાની તરફ વાળવાનો હતો. ટૂંકમાં, લાખો લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવાનું હતું. બાપદાદાઓના સમયથી જે ખરીદવેચાણ પરંપરાગત બજારમાં થતું એ બજાર જે તે ગ્રાહકની વૈયક્તિક પસંદગી મુજબ તેના ઘરઆંગણે ઉભી રહેવાની હતી. સ્ટાર્ટઅપનો એક હેતુ એ પણ હતો કે લોકો પોતાની જરૂરિયાત પરત્વે અજાણ હોય તો તેનાથી તેને વિદિત કરવાનો. જેમ કે મેટ્રો શહેરમાં અનેક લોકો પાલતુ કૂતરા જેવા પ્રાણીઓ પાળે છે તો એક સ્ટાર્ટઅપ કંપની પાલતુ કુતરાઓને નિયમિત પણે બહાર આંટો મારવા લઈ જાય, વાળ કાપી આપે, રસી મુકાવી દે જેવી સેવાઓ આપતી. લોકડાઉને આવા અનેક સ્ટાર્ટઅપના બિઝનેસને લુપ્ત કરી નાખ્યા. જે મોટા મોટા મોલ કે સુપરમાર્કેટના સ્ટોર હતા એ પણ લોકોને કામ નથી આવ્યા. લોકડાઉનમાં તો નાની દુકાનના માલિકો કે ફેરિયા વાળા તરફ જ નાણાંનો પ્રવાહ ગયો છે. સ્કૂલો જ જ્યારે બંધ હોય ત્યારે ઓનલાઇનમાં એક્સ્ટ્રા શિક્ષણ આપતા સ્ટાર્ટ અપનું મોંઘું સબસ્ક્રિપ્શન કોણ ભરે?

જે મોટા મોટા સ્ટાર્ટઅપ ભારતમાં ખૂબ સફળ થયા છે એ બધામાં વિદેશી પૈસો લાગ્યો છે. ભારતની જ ફ્લિપકાર્ટ કંપની હવે વોલમાર્ટની છે. ટેક્સી સર્વિસ આપતી ઓલા, ઉબેર વગેરે કંપનીઓ વિદેશી થઈ છે અથવા તો વિદેશના પૈસાથી ચાલે છે. ઝોમેટો કે સ્વીગી જેવું ફૂડ હોમ ડિલિવરી સર્વિસ આપતી કંપનીઓમાં તો મહત્ અંશે ચાઈનિઝ કંપનીઓના પૈસો લાગ્યા છે. રિલાયન્સ જેવી કંપનીઓ ફેસબુક જેવી વિદેશી કંપનીમાં પૈસો રોકે છે. પણ અહીં ઘરના છોકરાઓ ઘંટી ચાટે એવો ઘાટ છે. 

Gujarat