ડોનાલ્ડ ટ્રમ્પ હવે નેતન્યાહુ સાથે રહીને હમાસને યુદ્ધ સંકેલવા માટે એક નવી દરખાસ્ત લઈને આવ્યા છે. એ પોતે જગતને સમજાવે છે કે આ પ્રસ્તાવ હમાસે મંજુર કરીને શાંતિ સ્થાપવી જોઈએ. હકીકત એ છે કે આ દરખાસ્તમાં હમાસના પતન અને પીછેહઠ સિવાય કંઈ નથી. માત્ર એની રજૂઆત દ્વિપક્ષીય સમજુતી જેવી છે હકીકતમાં લુચ્ચા ટ્રમ્પ આખી ગાઝા પટ્ટી મિત્ર ઈઝરાયલને બારોબાર ખેરાત કરવા ચાહતા હોય એવું ચિત્ર આંતરરાષ્ટ્રીય તખ્તા પર ઉપસી રહ્યું છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ હવે નાગચૂડ જેવા સંયોગો સુધી પહોંચી ગયું છે. કોઈ પણ પક્ષ તેના ઉદ્દેશ્યની નજીક પણ આવ્યો નથી, પરંતુ ઇઝરાયેલની નિષ્ફળતાઓ તેની પાસે રહેલી અસંગત લશ્કરી શક્તિને કારણે ઘણી વધી ગઈ છે. ઇઝરાયેલી દળોએ ગાઝાને કાટમાળમાં ફેરવી દીધું છે, તેમ છતાં તેઓ હમાસને ખતમ કરવાની નજીક નથી, ન તો તેઓ ઓક્ટોબર ૨૦૨૩ માં ઓચિંતા હુમલામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયેલી નાગરિકોને બચાવવામાં સક્ષમ છે.
યુ.એસ. અને યુરોપ દ્વારા પૂરા પાડવામાં આવેલા અત્યાધુનિક શસ્ત્રો સાથે ગાઝા પર હુમલો કરવા છતાં, અનેક ઇઝરાયેલી નાગરિકો બંધક બન્યા છે અને હમાસના નેતૃત્વને મોટે ભાગે કોઈ નુકસાન થયું નથી. રફાહથી ઇઝરાયેલમાં તાજેતરમાં ગયેલા રોકેટો દર્શાવે છે કે હમાસ મજબૂત જવાબી પગલાં લેવાની ક્ષમતા ધરાવે છે કારણ કે તેની પાછળ ઈરાન છે. આમ ઈઝરાયેલ એક અસાધારણ ગેરિલા યુદ્ધમાં ફસાઈ ગયું છે. હવે એ અમેરિકાને ભરોસે છે. અમેરિકાની નવી દરખાસ્તમાં સૌ પ્રથમ તો બંધકોને છોડી મૂકવાની વાત છે જે હમાસ કદી નહિ સ્વીકારે કારણ કે બંધકો ઉપર તો તે ઈઝરાયલને ઝૂકાવવા ચાહે છે. હમાસનો આખો જુગાર બંધકો પર આધારિત છે. ઉપરાંત દરખાસ્તમાં હમાસને જુદા જુદા ત્રણ તબક્કામાં પીછેહઠ સૂચવી છે એ અર્થમાં હમાસ કદી પણ ગાઝા પટ્ટી ખાલી નહિ કરે.
વર્ષ ૨૦૨૦ના અબ્રાહમ સમજૂતી (યુએસ, ઇઝરાયેલ, યુએઇ અને બહેરીન વચ્ચે) પર આધારિત પશ્ચિમ એશિયન જોડાણ બનાવવાની યુએસની આશાઓ નિષ્ફળ ગઈ છે કારણ કે પેલેસ્ટિનિયનો સાથેના ઇઝરાયેલના વર્તન સામે આરબ વિશ્વમાં અસંતોષના અવાજે અરબ શક્તિઓને પીછેહઠ કરવા મજબૂર કરી દીધી છે. સૌથી મોટી વાત એ છે કે હવે ઈઝરાયેલ માટે આંતરરાષ્ટ્રીય સમર્થન ઝડપથી નબળું પડી રહ્યું છે. હમાસ હુમલા, જેમાં બાળકો સહિત હજારો લોકો માર્યા ગયા હતા અને સંખ્યાબંધ લોકોને બંધક બનાવ્યા હતા, તેના પર લગભગ સમગ્ર વિશ્વની સહાનુભૂતિ જીતનાર ઇઝરાયેલે હવે ગાઝામાં આક્રમક વલણ અપનાવ્યું છે. પરંતુ ઈઝરાયલના આક્રમણમાં મૃત્યુ આંક એટલા ઊંચે ગયા છે કે વિશ્વ સમુદાય ઈઝરાયલની નિંદા કરવા લાગ્યો છે.
હજારો નિર્દોષ પેલેસ્ટિનિયન માર્યા ગયા છે (જેમાં લગભગ ૧૫,૦૦૦ બાળકો હતા ) અને દોઢ લાખથી વધુ ઘાયલ થયા છે. જેને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. રફાહમાં ઇઝરાયેલની સૈન્ય કાર્યવાહીની લગભગ વિશ્વભરમાં ટીકા કરવામાં આવી છે, ખાસ કરીને વિસ્થાપિત પેલેસ્ટિનિયન નાગરિકો માટે બાંધવામાં આવેલા ટેન્ટ સિટીના નાશ કરનાર હુમલા પછી. આ મહિનાની શરૂઆતમાં, યુએન જનરલ એસેમ્બલીએ યુએનમાં જોડાવાની પેલેસ્ટાઇનની ઈચ્છાને સમર્થન આપતો ઠરાવ પસાર કર્યો હતો અને ભલામણ કરી હતી કે સુરક્ષા પરિષદ તેને અનુકૂળ રીતે ધ્યાનમાં લે. આ ઠરાવની તરફેણમાં ૧૪૩ મત (ભારત સહિત), વિરોધમાં ૯ મત મળ્યા અને ૨૫ સભ્ય દેશો ગેરહાજર રહ્યાં હતા.
આ પછી નોર્વે, આયર્લેન્ડ અને સ્પેને પેલેસ્ટાઈનને એક દેશ તરીકે ઔપચારિક રીતે માન્યતા આપી. ગયા અઠવાડિયે, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઇસીસી) એ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને હમાસના નેતા યાહ્યા સિનવાર બંને માટે યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધ અપરાધોના આરોપસર ધરપકડ વોરંટની માંગણી કરી હતી. આઇસીસીના સ્થાપક કાનૂન પર ઈઝરાયેલના યુરોપિયન સહયોગી સહિત ૧૨૪ દેશોએ હસ્તાક્ષર કર્યા છે. આ મુજબ, જો કોઈ વ્યક્તિ વિરુદ્ધ વોરંટ હોય અને તે એ દેશોમાં જાય તો તેઓ તેની ધરપકડ કરવા માટે બંધાયેલા છે. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઈસીજે) એ ઈઝરાયેલ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા દ્વારા ગયા વર્ષે દાખલ કરેલ એક મામલામાં ઈઝરાયેલને આદેશ આપ્યો હતો કે તે ગાઝા પર તેના સૈન્ય હુમલાઓ તાત્કાલિક બંધ કરે.યુદ્ધને લઈને ઇઝરાયેલી કેબિનેટમાં પણ વિભાજન થયું છે, જેના કારણે નેતન્યાહુ અને તેમના સાથીઓએ કિંમત ચૂકવવી પડી શકે છે. અવાર નવાર ઈઝરાયેલમાં ખુદ નેતન્યાહુના વિરોધમાં પ્રજા રસ્તા પર આવવા લાગી છે.


