Get The App

કુદરતી હોનારતોનો સિલસિલો .

Updated: Oct 2nd, 2024

GS TEAM


Google News
Google News
કુદરતી હોનારતોનો સિલસિલો                         . 1 - image


સિક્કીમનો ઉત્તરીય પ્રદેશ વારંવાર જળબંબાકાર થઈ જાય છે. પાણીને ઓસરતા બહુ વાર લાગે છે. પરિસ્થિતિ ત્સુનામી જેવી હોય છે. હવે દેશમાં અનેક વિસ્તારો આવા થવા લાગ્યા છે. સૈન્ય અને સરકારે સ્વાભાવિક રીતે જ લાપતા નાગરિકોને શોધવા પડે એવી સ્થિતિઓ પણ દર ચોમાસે હવે આવવાની છે. પર્યાવરણના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી આવતી પ્રજાએ ભયાનક કુદરતી હોનારતોની હવે તૈયારી રાખવાની છે. આ વખતનો પાછોતરો વરસાદ અને હજુ પણ લંબાઈ રહેલું ચોમાસુ એ આવનારા વરસોની એક ઝલક છે. સિક્કીમનો અચાનક જ આવતા પૂરને ફ્લેશફ્લડ કહેવાય છે. ગયા વરસે આવા જ દિવસોમાં બરાબર ઉત્તર સિક્કિમમાં આવેલા ચુંગથામ શહેરમાં આવેલા લ્હોનક સરોવરની ઉપર વાદળ ફાટયું હતું. આ સરોવર પહેલેથી જ છલકાયેલું હતું. આ સરોવર હિમનદી ઉપર રચાયેલું છે. એનો અર્થ એ છે કે અમાપ જલરાશિ સાથે એનું ખતરનાક અનુસંધાન છે.

વાદળ ફાટવાને કારણે આ લ્હોનક સરોવરના તમામ કાંઠા તૂટી ગયા હતા અને પાણી પૂરપાટ વેગે ઢળતા ઢાળે તિસ્તા નદીમાં આવ્યું અને પ્રવાહનું જળસ્તર મોરબીની મચ્છુ હોનારતની જેમ વીજળીક વેગે એકાએક જ વધી ગયું. લોકોના તણાઈ જવાના અને મોતના મુખમાં ધકેલાઈ જવાના આંકડાઓ સરકારે જાહેર કર્યા ન હતા. લ્હોનક હકીકતમાં એક હિમનદી (ગ્લેશિયર) નું નામ છે. એ હિમનદી પીગળવાથી રચાયેલું આ સરોવર હોવાને કારણે એને એ જ નામે ઓળખવામાં આવે છે. અહીં આજુબાજુમાં આવા અંદાજે પંદર સરોવરો છે જે તમામ સંવેદનશીલ એટલે કે ભયજનક છે. પૃથ્વી પર હવામાનનું સંચાલન આપણે માનીએ છીએ કે આપણી ઉપરના આકાશ અને એમાં વહેતા પવન ઉપરથી થાય છે પરંતુ ખરેખર એવું નથી. બહુ દૂર દૂરથી આપણા હવામાનનું સંચાલન થાય છે. એને કારણે વાતાવરણ જ્યારે બદલાય છે ત્યારે ખ્યાલ નથી આવતો કે એકાએક આ પરિવર્તન કેમ થયું ?

હિમાલય પૃથ્વીનો ત્રીજો ધુ્રવ પ્રદેશ છે. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધુ્રવ પર અનેક પ્રકારના હવામાન સંજોગો આકાર લેતા હોય છે. ઉત્તર અને દક્ષિણ ધુ્રવ બંનેની ઉપર અંદાજે એક-એક હજાર કિલોમીટરના ઘેરાવામાં હવાના હળવા દબાણ રચાયેલા હોય છે. આમ તો એ એક પ્રકારનું વાતાવરણ હોય છે. આપણે ત્યાં દર ચોમાસે બંગાળના અખાતમાં જ્યારે હવાનું હળવું દબાણ સર્જાય ત્યારે એનું સ્વરૂપ ઝંઝાવાતનું હોતું નથી, પરંતુ જ્યારે 'લોક' થયેલો હવાના હળવા દબાણનો એ આખો પટ કોઈ એક છેડેથી તૂટે ત્યારે તેમાં રહેલા શૂન્યાવકાશની પરિપૂર્તિ કરવા ચારેબાજુથી વાદળોનો જે ધસારો થાય છે એ જ ઝંઝાવાત બની જાય છે. નવા સંશોધનો કે જે ધુ્રવ પ્રદેશોમાં ધામા નાંખીને પડયા રહેતા વૈજ્ઞાનિકોએ જાહેર કર્યા છે તે તો આવનારા અનેક નવા ઝંઝાવાતોનો સંકેત આપે છે.

એ વૈજ્ઞાનિકો ધુ્રવ પ્રદેશો પરના તપસ્વીઓ છે જે વૈજ્ઞાનિક રીતે પૃથ્વી પર આવનારી આપત્તિઓની આગાહી કરે છે. દક્ષિણ ધુ્રવ અને ઉત્તર ધુ્રવ પર જે હજાર કિલોમીટરના ઘેરાવામાં હવાનું હળવું દબાણ હોય છે તે ચક્રાવર્તિત હોવાથી સ્વયં એક ઝંઝાવાત જ હોય છે જેને પોલર વોરટેક્સ કહેવામાં આવે છે. પોલર વોરટેક્સની અનિયંત્રિત અને સતત ચક્રાવર્તિત ગતિને કારણે હિમવર્તી પવનોએ વાતાવરણ પર કબજો જમાવી દીધો છે. જે રીતે આખું ઉત્તર ભારત હિમાલયની તળેટીમાં હોય એવો આભાસ આ શિયાળાએ કરાવ્યો છે તેવો જ ભાસ સમગ્ર ઉત્તર ગોળાર્ધના દેશોને ઉત્તર ધુ્રવની તળેટીમાં હોવાનો થઈ રહ્યો છે. અમેરિકામાં સતત નવા નવા હવામાન સંકટોનો લાંબો દૌર ચાલે છે. જગતકાજી એમાં લાચાર છે.

આપણા દેશમાં જે ખેડૂતો આત્મસૂઝથી ખેતી કરે છે તેઓ જ ખેતીમાં સોના ઉગલે ઉગલે હીરે મોતી પામી શકે છે. તેમને ખરેખર જ દેશના દિલ્હી તખ્તા પરથી જે વારતાઓ થાય છે એવી આધુનિક ટેકનોલોજી અને પૂર્વાનુમાનનો લાભ મળતો થાય તો તેમની ખેતીવાડીમાં કમાલ થઈ જાય. આ વરસે પૃથ્વીના સ્વયમેવ માલિક બની બેઠેલા મનુષ્યને કુદરતે ઘણા સમય પછી વિભૂતિ આપી છે. 

Tags :