FOLLOW US

સિનેમા અને સંસ્કૃતિ .

Updated: Mar 2nd, 2023


એક જમાનો વીતી ગયો છે જ્યારે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવ્યા હતા એમની એ સમયની વાક્ધારા ભારતને સારી પેઠે ઓળખતા કોઈ અનુભવીએ લખેલી હતી. તો જ એમની વાતમાં 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' અને 'શોલે'નો ઉલ્લેખ આવે. ટ્રમ્પે ભારતની પ્રશંસા કરતા મુદ્દાઓમાં એક મહત્ત્વનો મુદ્દો એ પણ ગણાવ્યો હતો કે આ દેશ દર વર્ષે બે હજાર જેટલી ફિલ્મોનું નિર્માણ કરે છે. જોકે આ આંકડો અધૂરો છે, કારણ કે હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મો મળીને જ પ્રતિ વર્ષ બે હજારનો આંકડો આંબી લે છે. ગુજરાતી, બંગાળી, આસમીઝ જેવી બીજી ભાષાની ફિલ્મો ઉમેરો તો આંક ક્યાંય પહોંચે. ભારત એક વાત છે અને ફિલ્મોમાં દેખાતું ભારત બીજી જ વાત છે. ભારતીય પ્રજા ફિલ્મોના કોઈ પાત્ર સાથે પોતાની વ્યક્તિમત્તા (આઈડેન્ટિટી) સાંકળી લે છે અને ક્યારેક પોતાની મનોકામનાઓને રજતપટ પર સાકાર થતી જોઇને પરિતોષ અનુભવે છે. ભારતનો વારસો અને વૈભવ એટલો સમૃદ્ધ છે કે ફિલ્મો માટે સામગ્રીનો કોઈ તોટો નથી.

ભારતની ભવ્ય સંસ્કૃતિ અને વૈવિધ્યપૂર્ણ વારસાના ખુલ્લા દિલે વખાણ કર્યા સિવાય કોઈ પણ દેશના નેતા પાસે બીજો છૂટકો નથી. ભારતની સંસ્કૃતિની પશ્ચાદ્ભૂમિ એટલી ફળદ્રુપ છે કે તેમાંથી કળા સંલગ્ન નિત્યનૂતન સર્જકતાનો પ્રાગટયોત્સવ અવિરત ચાલુ જ રહે છે. અમેરિકા પાસે આવી કોઈ હૃદયસમૃદ્ધ ભોમકા હતી નહીં. માત્ર રેડ ઇન્ડિયન કહેવાતા આદિવાસીઓ જે જમીન પર રહેતા હોય ત્યાં તો સમૃદ્ધ સંસ્કૃતિ કે ભાષાવૈભવ હોવાના નહીં. છતાં પણ અમેરિકાએ બહુ ટૂંકા ગાળામાં પોતાની આગવી શૈલી ઊભી કરી. બ્રિટિશ અંગ્રેજીને તોડી મરોડીને પોતાની ઉટપટાંગ અંગ્રેજી બનાવી અને સિનેમા ઉપર તો જાણે આક્રમણ કર્યું. લુમિએર બ્રધર્સ પાસેથી તો જાણે એનો કેમેરા છીનવી લીધો અને ફિલ્મો ઉપર પોતાની બધી તાકાત લગાડી દીધી. મૂક ફિલ્મોના જમાનાથી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ સિનેમા નામના રજતલોક પર પોતાનો વિજયધ્વજ લહેરાવી દીધો હતો. આજે જેને અમેરિકન કલ્ચર કહીએ એમાં એની સિને-સંસ્કૃતિનું મહત્ યોગદાન છે પછી તે સાકાર હોય કે નકાર હોય.

અઢીસો વર્ષના ટૂંકા ઇતિહાસ ધરાવતા અમેરિકાની ચમકદમકપૂર્ણ સફળતા પાછળ નાસા કરતા વધુ ફાળો હોલિવુડનો છે એવું મજબૂત દલીલો સાથે કહી શકાય. વીસમી સદીની ફિલ્મોની સમયસારણિ અને અમેરિકાની રાજકીય-આર્થિક-વૈજ્ઞાાનિક સિદ્ધિઓને સમાંતર મુકો તો જે અમેરિકાએ એની ફિલ્મોમાં બતાવ્યું એ વીસ કે ત્રીસ વર્ષ પછી દુનિયાએ અમેરિકન મીડિયાના પહેલા પાને મુખ્ય મથાળે વાંચ્યું. ચંદ્ર ઉપર માનવ આરોહણની ફિલ્મોની હારમાળાએ જ અમેરિકન જનમાનસમાં ઠસાવી દીધું હતું કે ચંદ્ર ઉપર જો અમેરિકન ન પહોંચ્યો તો શરમના માર્યા માથું ઝુકાવવું પડશે. આ અદ્રશ્ય દબાણના કારણે જ જ્હોન કેનેડીએ અમેરિકનોને વચન આપવું પડયું અને એમના નિધન પછી પણ એ સપનું સાકાર થયું. રશિયા દુશ્મન દેશ છે એ હોલિવુડની ફિલ્મોએ અમેરિકાને કહ્યું છે, સરકારે રશિયા માટેની નફરતનું એલાન કરવાની જરૂર જ નથી પડી. જેમ્સ બોન્ડને જેમ્સ બોન્ડ બનાવવામાં રશિયાનો પરોક્ષ ફાળો ઘણો છે. એક સમય તો એવો હતો કે રશિયાની કાલ્પનિક ભૂમિ પર મિશન પાર ન પાડી શકે તો એ જેમ્સ બોન્ડ શેનો?

ડોનાલ્ડ ટ્રમ્પ પણ 'હોમ એલોન-ટુઃ લોસ્ટ ઇન ન્યુ યોર્ક' નામની ફિલ્મમાં મહેમાન કલાકારના રોલમાં હતા. અમેરિકાના ઘણાં રાષ્ટ્રપ્રમુખોએ હોલિવુડ પાસેથી પોતાના સ્વાર્થ માટે જબરો ફાયદો મેળવ્યો છે. વીસમી સદીમાં થયેલી મોટાભાગની મોટી ઘટનાઓ સાથે કોઈને કોઈ રીતે સંકળાયેલા રહેલા ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે હોલિવુડની લોકપ્રિયતાને સૌપ્રથમ રાજકીય સ્વાર્થ માટે વાપરી હતી. ઘણાં હોલિવુડ સિતારાઓ રાષ્ટ્રીય કાર્યક્રમોમાં જોડાયા હતા. જ્હોન કેનેડીની મેરલિન મનરો સાથેની તલ્લીન દોસ્તી તો જગપ્રસિદ્ધ છે. ડોનાલ્ડ ટ્રમ્પ પહેલા એવા પ્રેસિડેન્ટ હતા જેને મોટા ભાગની હોલિવુડ ઇન્ડસ્ટ્રી ધિક્કારતી હતી. તો પણ ટ્રમ્પ ફિલ્મોની તાકાતને નકારી શકતા ન હતા. ફિલ્મી સિતારાઓની નારાજગી વહોરીને પણ પ્રેસિડેન્ટ બનવું એ ટ્રમ્પની નાનીસૂની સિદ્ધિ ન કહેવાય. મિસ્ટર મોદી ફિલ્મના કલાકારો સાથે નિયમિત રીતે મંચસ્થ થાય છે એ આપણે જાણીએ છીએ.અમેરિકન ફિલ્મોના દિગ્દર્શકો પાસે પોતાના દેશની સર્વોચ્ચતાનું જે વિઝન છે એ અને આપણા મહાન સત્યજિત રેએ તેમની અપ્પુ ટ્રાયોલોજીમાં બતાવેલી દરિદ્રતા પર ફિલ્મ સંશોધકોએ અભ્યાસ કરવો જોઈએ. 

Gujarat
News
News
News
Magazines