Get The App

નવીન પ્રવેશ પ્રણાલિકા .

Updated: Jul 2nd, 2024


Google NewsGoogle News
નવીન પ્રવેશ પ્રણાલિકા               . 1 - image


રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મંજૂર થયાના લગભગ ચાર વર્ષ પછી, ૨૦૨૦માં વધુ સુધારાઓ શરૂ કરવામાં આવ્યા હતા. હવે તેમાં ફરી કેટલાક નવાં પરિવર્તન કરવામાં આવ્યાં છે. આ પરિવર્તન દેશના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત છે, જેમાં ચાર કરોડ વિદ્યાર્થીઓ સંકળાયેલાં છે. દેશભરમાં ફેલાયેલી વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આશરે ૨૦ લાખ શિક્ષકો છે. નવીનતમ ફેરફાર અંડરગ્રેજ્યુએટ કક્ષાથી શરૂ કરીને વર્ષમાં બે વખત તમામ ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમોમાં પ્રવેશની પ્રણાલી સાથે સંબંધિત છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી)એ તાજેતરમાં યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને વર્ષમાં બે વાર પ્રવેશ આપવા માટે પરવાનગી આપી છે. એકવાર જુલાઈ-ઓગસ્ટમાં અને ફરી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં. આ પગલું આવકાર્ય હોવું જોઈએ, કારણ કે તેનાથી એવા વિદ્યાર્થીઓને ફાયદો થશે કે જેઓ પરીક્ષાના પરિણામોમાં વિલંબ, સ્વાસ્થ્યનાં કારણો અથવા કોઈ પણ વ્યક્તિગત કારણોસર જુલાઈ-ઓગસ્ટમાં પ્રવેશ લઈ શકતા નથી.

હવે તેઓ એક વર્ષ રાહ જોયા વિના તેમના મનપસંદ કોર્સમાં છ મહિના વહેલાં પ્રવેશ મેળવી શકશે. યુજીસીને આશા છે કે આ મોડેલ અપનાવવાથી પ્રવેશ ગુણોત્તરમાં સુધારો થશે, એટલું જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સહયોગ અને વિદ્યાર્થીઓના વિનિમયમાં પણ સુધારો થશે, જેથી વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતામાં સુધારો થશે. આનાથી ભારતને આંતરરાષ્ટ્રીય શિક્ષણનાં ધોરણોની સમકક્ષ લાવવામાં મદદ મળશે. દુનિયાના અનેક દેશોના વિદ્યાર્થીઓ ભારત આવતા થયા છે. જે રીતે કેનેડા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, રશિયા અને કેટલાક સ્કેન્ડિનેવિયન દેશો આ રેસમાં છે તેમાં ભારત પણ તબક્કાવાર જોડાવાની મહત્ત્વાકાંક્ષા રાખે છે. ઓલ ઈન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશન (છૈંજીલ્લઈ) મુજબ, ઈ.સ. ૨૦૨૧-૨૨માં ઉચ્ચ શિક્ષણમાં નોંધણીની અખિલ ભારતીય સરેરાશ ૨૮.૪ ટકા હતી, જે પાછલાં વર્ષો કરતાં વધુ સારી હતી અને જેમાં સતત સુધારો થઈ રહ્યો છે.

વર્ષમાં બે વખત પ્રવેશ આપવાની સિસ્ટમ ફરજિયાત બનાવવામાં આવી નથી અને તે યોગ્ય છે. યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓએ નક્કી કરવાનું છે કે તેઓ નવી સિસ્ટમ અપનાવવા ચાહે છે કે નહીં. કેટલીક યુનિવર્સિટીઓ વિશે એવા સમાચાર છે કે તેઓ તેને આગામી શૈક્ષણિક સત્રથી લાગુ કરવાનું વિચારી રહી છે. તે પસંદગીના અભ્યાસક્રમોમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવશે. જોકે, નવી સિસ્ટમ અપનાવનાર ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે તેવી દહેશત પણ છે. ઉદાહરણ તરીકે, તે સ્પષ્ટ નથી કે શું આ વિદ્યાર્થીઓ સામાન્ય બેચ અને તેમના શૈક્ષણિક કેલેન્ડર સાથે સમાયોજિત કરી શકશે અથવા તેઓને તેમના શૈક્ષણિક કેલેન્ડર સાથે નવી શરૂઆત કરવાની તક મળશે કે કેમ. કદાચ સંસ્થાઓએ એક જ વર્ષના વિદ્યાર્થીઓ માટે બે અલગ-અલગ સેમેસ્ટર લેવા પડશે.

મોટાભાગની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની વધેલી સંખ્યાને પહોંચી વળવા માટે પૂરતો સ્ટાફ, શિક્ષકો અને વર્ગખંડો, પુસ્તકાલયો અને પ્રયોગશાળાઓ જેવાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી અથવા અપૂરતાં છે. યુજીસીએ વિદ્યાર્થી શિક્ષકનો ગુણોત્તર ૧થ૨૦ દર્શાવ્યો છે, પરંતુ છૈંજીલ્લઈ રિપોર્ટ ૨૦૨૦-૨૧ મુજબ તે ૧:૨૭ પર ઘણો ઊંચો છે. દેશની ઉચ્ચ શિક્ષણ પ્રણાલી શિક્ષકોની સંખ્યા અને ગુણવત્તા બંનેની અછતથી પીડાઈ રહી છે. મોટાભાગની સરકારી સંસ્થાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બહુ સારું નથી. તેમના વર્ગખંડો ખૂબ ગીચ છે, સારી રીતે હવાની અવરજવર નથી અને સ્વચ્છતામાં પણ સમસ્યા છે. છાત્રાલયોની સ્થિતિ પણ બહુ સંતોષકારક નથી. વર્ષ ૨૦૨૪-૨૫માં ઉચ્ચ શિક્ષણ માટે બજેટની ફાળવણીમાં પાછલા વર્ષની સરખામણીમાં લગભગ આઠ ટકાનો એટલે કે રૂ. ૩,૫૨૫ કરોડનો નજીવો વધારો કરવામાં આવ્યો છે, પરંતુ આનાથીય વધુ નાણાંની જરૂર પડશે. 

જોકે, કેટલીક ખાનગી યુનિવર્સિટીઓ નવી પ્રવેશ પદ્ધતિ અપનાવવા માટે વધુ સારી સ્થિતિમાં હોઈ શકે છે. આનાથી તેમને સમાન પ્રવેશ પ્રણાલી ધરાવતી આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે ભાગીદારી કરવામાં પણ મદદ મળશે. એડમિશન ઉપરાંત સરકારી યુનિવર્સિટીઓએ શિક્ષકોની વ્યવસ્થા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુધારો કરવો પડશે, તો જ તેઓ વધુ સારાં પરિણામ મેળવી શકશે. આપણે ત્યાં ઉચ્ચ શિક્ષણમાં સંશોધનાત્મક અભિગમનો એક તો અભાવ છે અને પીએચ.ડી. કક્ષાના જે મહાનિબંધો તૈયાર થાય છે એની ગુણવત્તા સામે પણ પ્રશ્નાર્થ છે. સરકાર મહત્ અંશે સ્ટ્રક્ચરલ ફેરફારોમાં જ ધ્યાન આપે છે. શિક્ષણતત્ત્વ, કોન્ટેન્ટ, જોબ ઓરિએન્ટેશન, ઈનોવેશન કે રિસર્ચમાં ધ્યાન આપવામાં આવતું નથી.


Google NewsGoogle News