ક્રિકેટ બોર્ડનો રાષ્ટ્રદ્રોહ
લડાખની ગલવાન ખીણમાં ચીન સાથેના હાથોહાથની અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા જે પછી દેશભરમાં ચીન સામે એવો તો રોષ ભભૂકી ઉઠયો કે લોકોએ પોતાના નુકસાનની પરવા કર્યા વિના પોતાના ઘરમાં ચીની ટીવી સહિતના કિંમતી સામાનને પણ બહાર ફેંકી દીધો હતો. ભારત સરકારે પણ ચીનની ૫૯ જેટલી મોબાઈલ એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂકીને પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો.
જો કે, સરકાર ચીની એપ્સ પર પ્રતિબંધનો વિચાર કરે તે પહેલા સરકાર કરતાં એક કદમ આગળ રહેલા રાષ્ટ્રપ્રેમ નાગરિકોએ તો જાતે જ પોતાના મોબાઈલ સહિતની ડિવાઈસમાંથી ચીની એપ્સને 'અનઈન્સ્ટોલ' કરીને દેશસેવા કરી હતી. આ વખતે ચીન પર દેશનો એકેએક નાગરિક ખિન્ન છે અને ચીની ઉત્પાદકો તથા વેપારીઓને ભારતીયોની ખિન્નતા ભારે પડવાની છે એમાં બેમત નથી. યુદ્ધ થાય કે ન થાય પણ ભારતીયોનો ચીન પરત્વેનો તિરસ્કાર હવે કરોડો લોકોના હૃદય પર શિલાલેખ જેમ અંકિત થઈ ગયો છે.
જનાક્રોશને જોતા સરકારે પણ ચીની એપ્સ જે કરોડો ભારતીયોના મોબાઈલમાં હમણાં સુધી એક્ટિવ હતી તેના પર પ્રતિબંધ મૂકીને ચીન પર જાણે મોટા વેપાર પ્રતિબંધો મૂક્યો હોવાનો દેખાવ કર્યો હતો. જો કે, એનડીએ સરકારનો આ નિર્ણય 'હાફ હાર્ટેડ' એટલે કે અધૂરા મનનો લાગે છે. કારણ કે આખા દેશને આશા હતી કે ભારત સરકાર ચીની પ્રોડક્ટ્સને નો એન્ટ્રીની જાહેરાત કરશે પણ તેમ હજુ થયુ નથી. દેશમાં રાતોરાત ચીનની બૌદ્ધિક વકીલાત કરનારો એક વર્ગ અસ્તિત્વમાં આવી ગયો છે.
તેઓ શત્રુ રાષ્ટ્રની પ્રશંસા અને સ્તુતિ કરવાના અવનવા ટેક્નિકલ ઉપાયો શોધતા ફરે છે. હકીકતમાં તો પહેલા તબક્કામાં ચીનની તમામ એપ્સને પ્રતિબંધિત કરવાનો નિર્ણય પણ જનતાએ સહર્ષ આવકાર્યો હોત, પણ એનડીએની સરકારને લાગ્યુ કે માત્ર ૫૯ જ ચીની એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્રને માટે જોખમી છે એટલે તેમણે ૫૯ જ એપ્સને પ્રતિબંધિત કરી છે ! બાકીની અનેક હજુ ધમધોકાર ચાલે છે.
બે મોઢાની વાતો કરતા ચીનની ચાલને ભારતીય નાગરિકો તો ખૂબ જ સારી રીતે સમજી ચૂક્યા છે, એટલે તેઓ તો હવે ચીનની પ્રોડક્ટ્સને હાથ લગાડવામાં જ પાપ માની રહ્યાં છે. જો કે, આખા પ્રકરણમાં સૌથી મોટો આઘાત તો દેશના ક્રિકેટબોર્ડ દ્વારા સંચાલિત આઈપીએલના નિર્ણયથી લાગ્યો.
જેણે આવી ભીષણ પરિસ્થિતિ થવા છતાં પણ ચીની મોબાઈલ કંપનીને પોતાની મહામૂલી બ્રાન્ડની સાથે હજુ જોડી રાખી છે અને હવે તેઓ દેશભક્તોને હાસ્યાસ્પદ રીતે બેવકૂફ બનાવીને એવું સમજાવવાની કોશિશ કરી રહ્યાં છે કે તેઓ આમ કરીને ચીનને નુકસાન પહોંચાડી રહ્યા છે ! જો આઈપીએલમાંથી ચીની કંપનીઓના નામ અને તેનું હિત ઉખાડીને ફેંકી દેવામાં નહિ આવે તો બીસીસીઆઈ રાષ્ટ્રદ્રોહી ગણાશે.
કંકોતરીમાં આમંત્રિતોના નામની આગળ શ્રી કે શ્રીમતી લખવાની પ્રથા તો વર્ષોથી છે. જ્યારે વિશ્વના સૌથી ધનાઢય ક્રિકેટ બોર્ડનો તાજ ધરાવતા બીસીસીઆઈની હાઈપ્રોફાઈલ ક્રિકેટ ટૂર્નામેન્ટ-આઈપીએલના નામ પહેલા ચીની કંપનીનું નામ આવે છે.
ટૂંકમાં આઈપીએલનું નામ લેતા પહેલા ચીની કંપનીનું નામ સત્તાવાર રીતે લેવું જ પડે. જો આમ જ હોય તો બીસીસીઆઈ નુકસાન વેઠીને ચીની કંપનીનું કંલકરૂપ નામ શા માટે રાતોરાત બાઉન્ડ્રીની બહાર ફેંકી દેતું નથી ? તે ક્રિકેટઘેલા ભારતીયોને ગળે ઉતરતું નથી. ભારત સરકારના અતિ મહત્ત્વના મંત્રાલયો અને બીસીસીઆઈની કચેરી વચ્ચે ઝાઝુ અંતર નથી તો પછી શા માટે ભારત સરકારની આંખનો ઈશારો હજુ બીસીસીઆઈની સમજમાં આવતો નથી અને એનું રહસ્ય શું છે તથા એ રહસ્યના પરદા પાછળ કોણ કોણ છે? હાલની પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી છે.
દેશના ૨૦ જવાનોને અંતિમ વિદાય આપીને ઘરે પરત ફરેલા તેમના સ્વજનોની આંખો હજુ અશ્રુભીની છે અને દેશના નાગરિકોમાં ચીન સામે બદલો લેવાનું ઝનૂન ઉછાળા મારી રહ્યું છે. આવા સમયે દિગ્ગજ ક્રિકેટરો અને ઉચ્ચ અધિકારીના શ્રીમુખ સિવાઈ ગયા છે. ત્યારે કિંગ્સ ઈલેવન પંજાબ ફ્રેન્ચાઈઝીના માલિક નેસ વાડિયાએ મૌન તોડયું છે. અન્ય ફ્રેન્ચાઈઝીના માલિકો કે જેઓ જુદા-જુદા બિઝનેસ મોડલ્સ રજૂ કરવા બીસીસીઆઈમાં છાશવારે દોડી જતા હોય છે તેઓ આજે અજાણ્યા બનીને ચૂપચાપ ઉભા છે.
આ સમયે નેસ વાડિયાએ જનતાની લાગણીને વાચા આપતા બીસીસીઆઈને સલાહ આપી છે કે દેશને ખાતર આઈપીએલમાંથી ચીની સ્પોન્સર્સને દૂર કરો. આ નાણાંનો નહિ, પરંતુ રાષ્ટ્રહિતનો સવાલ છે. વાડિયાએ કહ્યું કે જો હું બીસીસીઆઈનો પ્રમુખ હોઉં તો આગામી સિઝનથી નવો સ્પોન્સરર શોધવાનો આદેશ આપી દઉં. વાડિયાની દેશદાઝ ભરી સલાહ બાદ હવે બીસીસીઆઈનો અંતરાત્મા ક્યારે જાગે છે તે જોવા દેશ રાહ જોઈ રહ્યો છે.