હવામાં નૂતન તાજગીનો નિરંતર અભિષેક થઈ રહ્યો છે. આછી વરસાદી છાલક સાથે ઠંડીએ પોતાના બાહુપાશમાં જનજીવનને ઘેરી લીધું છે. આપણે એક નવા વર્ષમાં પ્રવેશ કરી લીધો છે. નવવર્ષના અવસરે આપણે એકબીજાને શુભેચ્છાઓ પાઠવીએ છીએ, મંગલ કામનાઓ વ્યક્ત કરીએ છીએ. આજકાલ દેશમાં પ્રયોગખોર ખાનપાન અને નશીલી પાર્ટીઓ જાણે ફેશન બની ગઈ છે. મોડે સુધી ચાલતી પાર્ટીઓ પછી નવા વર્ષના પહેલા જ દિવસે આપણી સવાર ઠેબે ચડે છે. પરિણામે નવા વર્ષની શરૂઆત સુસ્તી અને આળસ સાથે થાય છે. હકીકતમાં તો નવા વર્ષની શરૂઆત તાજગીભરી સવાર સાથે થવી જોઈએ, નવા સંકલ્પો માટે ઊર્જાભરેલી સવાર સાથે પહેલો દિવસ શરૂ થવો જોઈએ. શિશિર ઋતુ હવે પરાકાષ્ઠાએ છે. વનભૂમિ પર પીળા સોનેરી પર્ણનો વૈભવ પથરાયો છે.
નિશ્ચિત રીતે આપણું સામાન્ય જીવન સંપૂર્ણ રીતે નિયમોમાં બાંધી શકાય નહીં, પરંતુ સ્વસ્થ જીવન માટે કેટલાક નિયમો જરૂરી છે. હકીકતમાં, નવા યુગમાં આપણે - ખાસ કરીને નવી પેઢી - અવ્યવસ્થિત જીવન જીવવામાં પોતાની શાન માનવા લાગી છે. અમેરિકા ખાતે થયેલા કેટલાક સંશોધનોમાં જણાયું છે કે સવારે વહેલા ઊઠવું અને રાત્રે વહેલા સૂવું આપણા આરોગ્ય માટે ખાતરીરૂપ છે. આ તો પ્રાચીન ભારતીય ધારણા જ છે. ભારતીય સમાજમાં બ્રહ્મમુહૂર્તે ઊઠવાની એક પ્રતિષ્ઠિત પરંપરા રહી છે. આ સમયે પ્રકૃતિ એકાગ્રતા અને ધ્યાન માટે શાંત હોય છે. વહેલી સવારનો પ્રાકૃતિક લ્હાવો લેવાના જેનામાં સંસ્કાર છે એ પેઢી હવે આથમવા આવી છે અને એના પછીની એટલે કે નવી પેઢીમાં હજુ વહેલા ઉઠવું એ પ્રચલિત પ્રણાલિકા નથી.
આ સત્ય છે કે આપણે જેટલા વહેલા નિત્યકર્મથી નિવૃત્ત થઈએ, એટલા જ વહેલા સ્વસ્થ બનીએ છીએ. નવું વર્ષ ન તો કોઈ જાદુ છે અને ન કોઈ ચમત્કાર કરનારું તત્વ. તે તો માત્ર એક નવા દિવસનું પ્રતીક છે - બદલાવના સંકલ્પનો અને જીવનને સુખમય બનાવવાનો દિવસ. જાન્યુઆરીના આ દિવસોમાં સામાન્ય રીતે ઠંડીનો પ્રભાવ વધતો જતો હોય છે, જેના કારણે જીવનની ગતિ ધીમી પડી જાય છે. શક્ય છે કે શીતજન્ય નીરસતા અને એકરસતાને તોડવા માટે જ દુનિયામાં નવવર્ષને ભવ્ય રીતે ઉજવવાની પરંપરા શરૂ થઈ હશે.
સાચા અર્થમાં ઉત્સવનો ઉલ્લાસ આપણા તન-મનને સ્વસ્થ અને મંગલમય બનાવવા માટે હોય છે. પરંતુ આ દરમિયાન આપણે ખાનપાન બાબતે અશિસ્તભર્યું વર્તન કરવા લાગીએ છીએ. આપણું શરીર અત્યંત સંવેદનશીલ છે અને આપણા સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહે છે. શરીરનું પોતાનું અદ્યતન કુદરતી રક્ષણતંત્ર સતત આપણા આરોગ્યની ચિંતા કરે છે. તે ઠંડી-ગરમી અનુસાર શરીરનું તાપમાન નિયંત્રિત કરીને આપણા જીવનની રક્ષા કરે છે અને વારંવાર સંકેતો દ્વારા આપણને ચેતવે છે. કોરોનાએ ચાબુક મારી મારીને મોતનો ભય બતાવી લોકોને આયુર્વેદિક ઉકાળા ગટગટાવતા કરી મૂક્યા હતા. કોરોનાની વિદાય સાથે ફિટનેસની પણ વિદાય થઈ ગઈ હોય છે. શરીર નાદુરસ્તીનો પડઘો પાડે છે.
પરંતુ આપણે તેનો અવાજ અવગણીએ છીએ. એક મર્યાદા સુધી તે સહન કરે છે, પરંતુ ત્યારબાદ અસમર્થ બનીને બીમાર પડી જાય છે. ઘણીવાર જોવા મળે છે કે નવા વર્ષની ઉજવણી, લગ્ન-વિવાહ કે મફતની પાર્ટીઓમાં આપણે ગુજરાતી પ્રજા જરૂર કરતાં વધુ ખાઈ લઈએ છીએ. ખાવા-પીવાની આ અશિસ્ત પેટને સતત તકલીફ આપે છે. ઉત્સવ અને પાર્ટીઓમાં આપણે સામાન્ય દિવસોની તુલનામાં ઘણું વધુ ખાઈએ છીએ. યોગદર્શન જણાવે છે કે પેટને ચાર ભાગોમાં માનવું જોઈએ - બે ભાગ ખોરાક માટે, એક ભાગ પાણી માટે અને એક ભાગ આકાશ તત્ત્વ માટે. આકાશ તત્ત્વ એટલે પેટને ખાલી રાખવું, જેથી પાચનની પ્રક્રિયા સરળ બને. કોઈ યંત્રમાં પણ જો વસ્તુઓ ઠાંસીને ભરી દેવામાં આવે, તો તેની ગતિ અવરોધિત થાય છે. તો પછી પેટ તો અતિ નાજુક અંગ છે.
જાપાનના એક દ્વીપમાં સોથી વધુ વર્ષની ઉંમરના સેંકડો લોકો વસે છે, જે પશ્ચિમી સંશોધકો માટે આશ્ચર્યજનક બન્યું છે. સંશોધનમાં જાણવા મળ્યું કે મહેનતી અને આનંદી જીવન જીવતા આ લોકોની એક ખાસ આદત છે - જ્યારે તેમને લાગે કે ખોરાક પૂરતો થયો છે, ત્યારે તે જ ક્ષણે થાળીનો ખોરાક છોડી દે છે. આ જ તેમના દીર્ઘ આયુષ્યનું રહસ્ય છે. હકીકતમાં ભૂખ આપણા શરીરની જરૂરિયાત કરતાં વધુ તો માનસિક હોય છે. ઉંમર વધતા જ આપણાં ખોરાકની માત્રામાં ઘટાડો થવો જોઈએ. આપણે જીવવા માટે ખાઈએ, ખાવા માટે જીવીએ નહીં. હવે નવા વર્ષની પાર્ટી હોય કે કોઈ તહેવાર, આપણો ખોરાક સંયમિત હોવો જોઈએ. હળવો, સહેલાઈથી પચી શકે એવો અને ઓછો ખોરાક જ્યાં સાક્ષાત ઔષધિ સમાન છે, ત્યાં ભારે અને વધુ ખોરાક હાનિકારક સાબિત થઈ શકે છે.


