ભારત સરકાર તરફથી દર થોડા મહીને ભારતના વર્તમાન જીડીપી અને સંભવિત જીડીપીના નવા નવા આંકડાઓ જાહેર થતા રહે છે. જોકે સરકારે આવા આંકડાઓ જાહેર કરવા માટે સભા બોલાવવી પડતી નથી. મોટા ભાગનું મીડિયા જ હોંશે હોંશે ક્યારેક ૭% તો ક્યારેક ૮% તો ક્યારેક તેનાથી પણ વધુ મોટો આંકડો જાહેર કરે છે. સોશ્યલ મીડિયાના સમાચારને અંતિમ સત્ય માની લેતી જનતાને એવું થાય છે કે આખા વિશ્વમાં યુદ્ધનો માહોલ છે અને બધી અર્થવ્યવસ્થાઓ ખોરવાઈ રહી છે એવા સમયમાં ભારત દેશ તો જબરી આર્થિક પ્રગતિ કરી રહ્યો છે. ચોવીસમાંથી ચાર કલાક રીલ જોવામાં સમય પસાર કરતી ભારતની જનતાને હરખઘેલી કેમ કરવી એમાં ભારતીય જનતા પાર્ટીએ હથોટી હાંસલ કરેલી છે, પરંતુ સખેદ કહેવું પડે છે કે ભારતની આર્થિક પ્રગતિના ગુણગાન ગાતા જીડીપીના આ આંકડાઓ ભારતના અર્થતંત્રનું સાચું ચિત્ર રજુ કરતા નથી. ભાજપે આ પરીક્ષાનું સર્જન એવું કર્યું છે કે જોઈતો જવાબ મેળવવા માટે દાખલાની અડધી પદ્ધતિ જ બદલી નાખી છે.
ભારતના અમુક સ્વતંત્ર અને ભગવા રંગે હજુ સુધી ન રંગાયેલા અર્થશાસ્ત્રીઓએ જીડીપીની ગણતરી બાબતે ધ્યાન દોર્યું છે. વળી, આવા અર્થશાસ્ત્રીઓને વામપંથી ઘોષિત કરવામાં આવે એવું પણ બને. તો બીજી ઠોસ સાબિતી પણ ઉપલબ્ધ છે. ભારતની જીડીપીની ગણતરીને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે સી ગ્રેડ આપ્યો છે. આ આંતરરાષ્ટ્રીય સંસ્થા સ્વતંત્ર છે અને તેને ભારતને ખરાબ ચિતરવામાં કઈ મળવાનું નથી તેની ખાતરી રાખીને આગળ એ જાણવું જરૂરી છે કે ભારત હજુ પણ તેના જીડીપીની ગણતરી માટે ૨૦૧૧-૧૨ના વર્ષને આધાર વર્ષ તરીકે લે છે! દાખલો આજનો પણ દાખલાનો ગમતો જવાબ મેળવવા માટેનું સ્ટેપ દોઢ દાયકા જુના આંકડાઓ પર આધારિત. આનો સીધો અર્થ એ છે કે ભારત તેના જીડીપીના આંકડાને અતિશયોક્તિ સાથે રજુ કરે છે. દાખલાની પદ્ધતિ આ સરકારે કેવી રીતે બદલી? સમજવું અઘરું નથી.
ભારતના બે મુખ્ય આર્થિક સ્તંભો છે - એક છે સંગઠિત ક્ષેત્ર અને બીજું અનઓર્ગેનાઈઝડ સેક્ટર એટલે કે અસંગઠિત ક્ષેત્ર. સંગઠિત ક્ષેત્રમાં મોટી કંપનીઓ અને કારખાનાઓ અને ઔપચારિક રીતે દર્જ થયેલા રોજગારનો સમાવેશ થાય જેની સંખ્યા પ્રમાણમાં ઓછી છે, રેવન્યુનો જથ્થો ભલે મોટો હોય. પિસ્તાલીસ ટકા હિસ્સો ધરાવતા અસંગઠિત ક્ષેત્રમાં નાની દુકાનો, શેરીમાં ફરતા ફેરિયાઓ, નાના ખેડૂતો, સ્વતંત્ર કામદારો, દૈનિક વેતન પર કામ કરતા મજુરો, ગૃહઉદ્યોગ ચલાવતી મહિલાઓ વગેરેનો સમાવેશ થાય છે. આવા લોકોની તાદાદ બહુ જ મોટી છે. એક અંદાજ મુજબ આ અસંગઠિત ક્ષેત્ર ભારતના જીડીપીમાં લગભગ અડધા ભાગનો હિસ્સો ધરાવે છે, પણ અહી જ સરકારે સરસ ગેમ રમી છે.
ભારત સરકાર અસંગઠિત ક્ષેત્રના નિયમિત અને વાસ્તવિક ડેટા એકત્રિત કરતું નથી. તો સરકાર તે ક્ષેત્રની તાકાતનો અંદાજ કેવી રીતે લગાવી શકે? અંદાજ લગાવવા માટે સરકારે કોપી-પેસ્ટની જબરી ફોર્મ્યુલા ઘડી કાઢી છે. વર્તમાન સરકાર ધારી લે છે કે 'જો મોટી કંપનીઓ સારું પરફોર્મ કરી રહી છે, તો નાની કંપનીઓ પણ સારું જ કરી રહી હોવી જોઈએ.' આ ધારણા અર્થતંત્રના આકલનમાં ફક્ત ત્યારે જ કામ આવે જો બંને ક્ષેત્રો એક જ દિશામાં આગળ વધી રહ્યા હોય, પરંતુ છેલ્લા દસ વર્ષમાં નોટબંધી (૨૦૧૬), જીએસટી (૨૦૧૭), કોવિડ-૧૯ મહામારી (૨૦૨૦-૨૧) જેવી દુર્ઘટનાઓએ અર્થતંત્રને ફટકા પડયા છે. તેના કારણે સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રો અલગ રીતે વર્તવા લાગ્યા છે. ઔપચારિક ક્ષેત્ર ઝડપથી સુધર્યું અને મજબૂત બન્યું છે, પણ અનૌપચારિક ક્ષેત્ર સંકોચાયું, સંઘર્ષ કર્યો અને બજારનો ઘણો હિસ્સો ગુમાવ્યો છે.
છતાં સરકારે જાતે બનાવેલી જીડીપીની અદભુત ફોર્મ્યુલા એવો દાખલો ગણે છે કે બંને ક્ષેત્રો સમાન દરે વૃદ્ધિ પામી રહ્યા છે. વિદ્વાન અર્થશાસ્ત્રીઓના મતે દેશના અર્થતંત્રનું આ પ્રકારનું આકલન નોંધપાત્ર વિકૃતિઓ પેદા કરે છે. એક અંદાજ મુજબ ભારત સરકાર વર્તમાન જીડીપીને તેની વાસ્તવિકતા કરતાં પચાસ પ્રતિશત વધુ બતાવે છે. ભાજપના નેતાઓ ભારતીય અર્થતંત્રને ૩.૮ ટ્રિલિયન ડોલરનું કહે છે, પણ હકીકત અઢી ટ્રિલિયન ડોલરની અંદર હોઈ શકે છે. તો સત્ય શું છે? સત્યની કોઈને પરવાહ નથી. શિયાળુ સત્રમાં ધમાલ શરુ થઇ ગઈ છે, વિપક્ષ પાસે પણ બીએલઓની કામગીરી સંબંધિત નાના મુદ્દાઓ છે, સરકાર પાસે ફરીથી વિપક્ષ કામ કરવા દેતી નથી તેનું રુદન છે. સાચા સવાલો કોઈ પૂછવાનું નથી માટે સાચા જવાબોની અપેક્ષા રાખવી આપણા હિતમાં નથી. વગદાર નેતાનો છોકરો ફરીથી યુનિવર્સિટી-ટોપર બનવાનો છે અને જનતાને ઉજાણીમાં સમયસર પહોંચી જવાનું આમંત્રણ પણ મળવાનું છે. આ છે દેશનો વર્તમાનકાળ.


