આર્થિક ધુમ્મસ ક્યાં સુધી? .
અહિંસક સ્વતંત્રતાની ગુરુચાવી છે આથક સમાનતા. આજે ગાંધીજી હયાત હોત તો આર્થિક અસમાનતાનો હિંસાચાર જોઇ ફરી આમરણ ઉપવાસ પર ઊતરી જાત. ઇન્ટરનેશનલ મૉનેટરી ફંડ (આઇએમએફ)એ સતત બે દિવસથી ભારતના આર્થિક વિકાસને સ્તુતિ જેટલી હદે બિરદાવ્યો. આઇએમએફ કહે છે કે ભારત સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર છે અને આ હાથી (ભારતીય અર્થતંત્રની સરખામણી હાથી સાથે થાય છે)એ હવે ઝડપ પકડી છે, જે ત્રણ દાયકા સુધી જાળવી રાખશે. ગૌરવની વાત છે ભારતીયો માટે...પણ શું આ નખશિખ મૂડીવાદ એ જ ભારતનું સ્વપ્ન છે?
સમાજવાદના પાયા પર ઊભેલા દેશના પાયાને નેસ્તનાબૂદ કરીને પાંખ આપવાનો ભ્રમ ઊભો કરાયો છે. હકીકત તો એ છે કે દેશ અત્યારે અધ્ધરતાલ છે. તેના પાયા ખવાઇ રહ્યા છે, ખુદ લાલચી રાજકારણીઓ એને ખાઇ રહ્યા છે. રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અમલદારોની ત્રેખડની લાલચ આના માટે જવાબદાર છે. ગાંધીજી કહે છે કે સૃષ્ટિએ દરેક મનુષ્યની જરૂરિયાત પૂરી પાડવા સક્ષમ છે, પણ એની લાલચ નહીં. ભારત ઝડપથી જગતના ત્રીજા ક્રમના સૌથી મોટા અર્થતંત્ર બનવા ભણી ગતિ કરી રહ્યું છે, પરંતુ ઉપરના ત્રેખડની લાલચને લીધે આર્થિક અસમાનતાની ખાઇને પણ સાથે ઊંડીને ઊંડી કરતું ચાલ્યું છે. ૧૯૯૧માં મનમોહન સિંહની પહેલે દેશના અર્થતંત્રનાં દ્વાર ખોલવામાં આવ્યા એ સાથે જ સમાજવાદના મૃત્યુની તારીખ લખાઇ ગઇ. પછી તો મૂડીવાદે એવી તો માઝા મૂકી છે કે પૂછો નહીં.
દેશમાં અત્યારે બે લાખ દસલક્ષાધિપતિ છે અને ૧૦૦ અબજોપતિ છે. દેશની કુલ સંપત્તિના પંચાવન ટકા માત્ર દસ ટકા વસતિના હાથમાં છે. આપણે સતત દેશના અર્થતંત્રના વિકાસની આતશબાજીથી ઉજવણી કરીએ છીએ, પરંતુ એ ફટાકડાનો ધુમાડો ગરીબોને ગૂંગળાવી મારે છે એ પ્રત્યે ઘ્યાન નથી આપતા. સરકારો તો નથી આપતી. રાહુલ ગાંધી શરૂઆતમાં કહેતા હતા કે મોદી સરકાર તો સ્યૂટ-બૂટની સરકાર છે. ખોટું નથી કહેતા. હા, પણ તેમના પક્ષે રાજ કર્યું ત્યારે તેમની સરકાર સ્યૂટ-બૂટની જ હતી. કાઁગ્રેસના પ્રધાનો તો ઉદ્યોગપતિઓના ઘેર રીતસરની નોકરી બજાવતા. બંનેના રંગ અલગ છે પણ પોત એક જ છે. બાકી કાઁગ્રેસે આદરેલા બેફામ મૂડીવાદને ભાજપ સરકારે છાકટો ન થવા દીધો હોત.
દસ લાખ નોકરીઓ દર વર્ષે સર્જીશું એવા છપ્પન ઇંચની છાતી ઠોકીને કહેનાર મોદી સરકાર વરસે સરેરાશ માત્ર ૨.૩૦ લાખ નોકરીઓ ઊભી કરી શકે છે. જીએસટીનો ઉતાવળિયો અમલ અને નોટબંધીએ નોકરી બજારની કમર તોડી નાખી. આઇએમએફની વાત માનીએ તો આ બંને આર્થિક સુધારાનાં ફળ હવે ભારતીય અર્થતંત્રને મળી રહ્યા છે, પણ જમીન પરની હકીકત સાવ જુદી છે. કદાચ આગામી સમયમાં આનો ફાયદો આમઆદમીને મળી પણ શકે, પરંતુ અત્યારે તો તેના બેહાલ છે. આ બધાનું પરિણામ એટલું જ આ કે આર્થિક અસમતુલા વધતી જાય છે. વિદેશી રોકાણમાં થયેલા વધારાને કારણે દેશનું અર્થતંત્ર તેની અસરમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે એમ આઇએમએફનો રિપાર્ટ કહે છે. આ બાબત પ્રોત્સાહનજનક છે, પરંતુ જ્યાં સુધી આર્થિક વિકાસના ફળો વ્યાપક વસતિને નહીં મળે ત્યાં સુધી આનો અર્થ નથી.
સમાજના છેવાડાના માણસ સુધી આર્થિક વિકાસના લાભ પહોંચવા જોઇએ. એક પણ ભારતીય રોટી, કપડાં અને મકાનથી વંચિત ન રહેવો જોઇએ. આ વહીવટનો પાયાનો સિદ્ધાંત હોવો જોઇએ. જોકે અત્યારના શાસકો તો માને છે કે એકેય ભારતીય મોબાઇલ અને મફતના મોબાઇલ ડટાથી વંચિત ન રહેવો જોઇએ. શાસકનો ગળે ઊતરી ગયું છે કે મફત મોબાઇલ ડેટા જ તેમની મતબેંક ભરશે. એનું કારણ પણ છે કે મોબાઇલ ડેટા મફત આપીને પછી જે પ્રચાર કે દુષ્પ્રચાર કરવો હોય એ કર્યા કરો અને પ્રજાનું બ્રૅઇન વૉશિંગ કર્યા કરો. દેશના આર્થિક અગ્રતાક્રમો તરફ કોઈનું ધ્યાન નથી.
એક જ ખોટું વૉટ્સએપના અલગ-અલગ એકસો સંદેશાથી મોકલાવો તો એ આજના જમાનામાં સત્ય મનાવા લાગે છે. આ જ કારણસર સોશિયલ મીડિયા પર ભારતના આર્થિક વિકાસના મોટા-મોટા આંકડા જોવા મળે છે, પણ કોઇ એ કહેતું નથી કે ભારતના ઓછામાં ઓછા ૨૦ ટકા લોકો એવા છે જેને આખા દિવસમાં અન્નનો એક દાણોય નસીબ નથી થતો. શું આને કહીશું આર્થિક પ્રગતિ?