Get The App

હજુ છે એડમિશન મોસમ .

Updated: Aug 31st, 2025

GS TEAM

Google News
Google News
હજુ છે એડમિશન મોસમ                                . 1 - image

મહાન ભારતીય સંસ્કૃતિની અનેકવિધ ખાસિયતોમાંની એક વિશિષ્ટ એ છે કે લગભગ દરેક મહિને કોઈ ને કોઈ ચોક્કસ વર્ગના લોકોનું નવું વર્ષ શરુ થતું હોય છે. ધાર્મિક પરંપરા સિવાય પણ ભારતના કેલેન્ડરમાં નોખા-નોખા વર્ષનું સ્વતંત્ર અસ્તિત્વ છે. માર્ચ ટુ એપ્રિલનું એક નિશ્ચિત આર્થિક વર્ષ અડધી સદી કરતાં વધુ સમયથી ભારતીયોની ત્રણ-ચાર પેઢીઓની જિંદગીનો ભાગ બન્યું છે. દરેક દેશની જેમ ભારતમાં પણ શૈક્ષણિક વર્ષ લાખો કુટુંબોને અસર કરે છે પરંતુ તેનો રાષ્ટ્રીય સ્તર ઉપર અલાયદો મહિમા નથી તે જરાક દુખદ છે. આ વરસે ફાર્મસી સહિતની અનેક વિદ્યાશાખાઓમાં નૂતન વરસ હજુ ચાલુ થયું નથી એના પરથી ખબર પડે છે કે સરકારનું ધ્યાન માત્ર રાજકીય બાબતોમાં જ છે. સત્તાવાર વેબસાઈટોમાં આપેલી તારીખોનો અમલ થતો નથી. લાખો વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયા આગળ ચાલે એની રાહ જોઈને ઘરમાં બેઠા છે.

પરિણામોની મોસમ પૂરી થાય એના પછી વેકેશનમાંથી નવા શૈક્ષણિક સત્રનો જન્મ થાય. દિવાળી પછીના બેસતા વર્ષના દિવસે હર્ષોલ્લાસથી નવા સમયનું સ્વાગત કરાતું હોય છે, જયારે શૈક્ષણિક વર્ષમાં શિક્ષણ સંસ્થાઓની ફી, વાલીઓની પોતાના બાળકો પાસે આભને આંબતી અપેક્ષાઓ, શિક્ષણ વિભાગના સતત અઘરાં થતા જતા નિયમો અને બ્રાન્ડેડ યુનિવર્સિટી તથા કોલેજોના કાલ્પનિક કટ ઓફ માર્ર્ક્સ - આ બધું મોટા ભાગના વાલીઓ ઉપરાંત તેના બાળકો માટે નવા વર્ષની શરૂઆતને ચિંતાથી તરબતર બનાવી દે છે. ભારતની અમુક શાળાઓ કે કોલેજો ખુલી ગઈ છે એને ઘણો સમય થયો હોવા છતાં બાકીની શિક્ષણ સંસ્થાઓ નવા સત્રનો આરંભ ક્યારે કરશે એ નક્કી નથી. કે.જી.થી સાતમા ધોરણના વિદ્યાર્થીઓના ચહેરા પર નવપલ્લવિત કુમાશ સાથે ઉમંગ જોવા મળશે.

આઠમા ધોરણ કે નવમા ધોરણમાં વિદ્યાર્થી પ્રવેશે પછી તેના કિશોરવદન પર રોમાંચ જોવા મળતો નથી. ભારતીય શિક્ષણ પ્રણાલીના હોદ્દેદાર થઇને બેઠેલા મૂર્ધન્ય અધિકારીઓ અર્થાત્ મિનિસ્ટરોએ બહુ ગંભીર રીતે વિચારવા જેવું છે. બજેટ રજૂ કરતી વખતે દત્વર્ષે નવી એઈમ્સ હોસ્પિટલના વાયદા ન આપે તો ચાલશે, પણ વિદ્યાર્થીને પરીક્ષાર્થી બનતા રોકે એવી સ્કીમ દાખલ કરે તેવી ઘોષણા થાય તેનો લાખો વિદ્યાર્થીઓના કાનને ઈંતઝાર છે. કોઈ પણ બાળકના અભ્યાસના વર્ષો દરમિયાન વેકેશનનો બહુ મોટો મહિમા હોય છે. શિક્ષકોની સૂચનાઓના મારાની ગેરહાજરીમાં, યુનિફોર્મની બહાર અને બ્લેક બોર્ડનો સામનો કર્યા વગર, પચાસ દિવસોની અંદર વિદ્યાર્થીને સ્વકાયાપ્રવેશ કરવાનો મોકો વેકેશન આપે છે. પણ હવેનો આ સમય સ્વકાયાપ્રવેશની દુર્લભ તક બાળકને આપવા માંગતો નથી એવું લાગી રહ્યું છે.

કારણ કે નવમા ધોરણથી જ દસમા ધોરણ માટેની શ્રેષ્ઠ શાળામાં એડમિશન મેળવવાની કવાયત શરુ થઇ જતી હોય છે. જે વિદ્યાર્થીઓ, બારમા ધોરણમાં અણધાર્યું સારું કે નબળું પરિણામ લઇ આવે છે તેના વાલીઓ તો જાણે પોતાના ઘરના ડાઈનીંગ ટેબલ ઉપર ભારતનો શૈક્ષણિક સંસ્થાઓનો નકશો પાથરીને ડાર્ટ-ગેમ રમવા લાગે છે અને તીર કયા રાજ્યની કઈ કોલેજમાં વાગી શકે છે તે હિસાબે પોતાના બાળકને તે સંસ્થામાં 'ટ્રાન્સપાર્ર્ટ' કરે છે. નવા શિક્ષણ સત્રની કોઈ વ્યાખ્યા પૂછે તો તેને પાઠયપુસ્તકીય અંદાજમાં કહી શકાય કે ઃ કિશોર કે કિશોરીને વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીમાંથી સદૈવને માટે પરીક્ષાર્થીમાં રૂપાંતરિત કરાવવા માટેનો સરકાર પ્રેરિત અને વાલીઓ નિર્મિત નિશ્ચિત સમયગાળો. વિદ્યાર્થીઓને લાયબ્રેરીમાં લઈ જાય ને એનો આનંદ સાગર બતાવે એવી શાળાઓ કેટલી? અનેક શાળાઓ પાસે રમતના મેદાનો નથી. કેટલીક પાસે પ્રયોગશાળા નથી. ઉદ્યોગ ભવન તો કોઈ શાળા પાસે નથી. કોઈ કંઈ પૂછતાં નથી. બધા ફી ભર્યા કરે છે ને વાર્ષિક ગુણપત્રકો જોયા કરે છે.

હવે ગયા વર્ષે દિલ્હી યુનિવર્સિટીની શ્રી ગુરુ તેગ બહાદુર ખાલસા કોલેજમાં ઇલેક્ટ્રોનિક્સ - બી.એસસી.માં પ્રવેશ મેળવવા માટેના ૯૯.૬૬ ટકા કટ-ઓફ તરીકે મુકવામાં આવ્યા હતા. અર્થાત્ ૯૯.૫૦ ટકા ગુણ મેળવનારને પણ તે કોલેજમાં એડમિશન મળે નહિ. દિલ્હી યુનિવર્સિટીની પચાસ જેટલી કોલેજો તો એવી છે કે ૯૫ ટકાથી ઓછા માર્કસ મેળવનાર વિદ્યાર્થી તેના કેમ્પસમાં એક આંટો મારવાનું પણ સપનામાં વિચારતો નથી. આવી જ સ્થિતિ બધે છે. ગુજરાતમાં દસમા ધોરણના પરિણામો અને બારમુ ધોરણ પાસ કર્યા પછી ઉપલબ્ધ કોલેજોની સ્થિતિ વિશે સૌ કોઈ સુપેરે વાકેફ છે..