Get The App

એપલનું ભારતાકર્ષણ .

Updated: May 1st, 2025

GS TEAM


Google News
Google News


એપલનું ભારતાકર્ષણ                                           . 1 - image

ન્યૂટને જોયેલા સફરજનમાં ગુરુત્વાકર્ષણ હતું એ સંશોધનની એક ઐતિહાસિક ક્ષણ હતી તે રીતે અત્યારે એપલને ભારતાકર્ષણ છે. આ પણ એક નવી ઐતિહાસિક ક્ષણ છે. વાવડ એમ આવ્યા કે ટેક જાયન્ટ એપલ તેના બધા આઇફોનનું ઉત્પાદન ચીનને બદલે ભારતમાં શરૂ કરવા ચાહે છે, જે અમેરિકા મોકલવામાં આવે છે. આ પાછળનું કારણ સમજવું બહુ મુશ્કેલ નથી. એ વાત સાચી છે કે યુએસ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ યુદ્ધની અસર બધા ભાગીદાર દેશો પર પડશે (જેમાં અમેરિકા સાથે વેપાર સરપ્લસ ધરાવતા દેશોનો પણ સમાવેશ થાય છે), પરંતુ ચીન તેનું ચોક્કસ લક્ષ્ય છે. અમેરિકાએ તાજેતરમાં કહ્યું છે કે ચીન પર લાદવામાં આવી રહેલા દંડાત્મક ટેરિફ કાયમ રહેશે નહીં, પરંતુ એ સ્પષ્ટ છે કે ચીન સાથેના વાણિજ્ય વ્યવહાર જોખમમાં રહેશે. આવી સ્થિતિમાં, એપલ કે અન્ય કોઈ મોટી કંપની માટે શક્ય તેટલું પોતાનું ઉત્પાદન ચીનની બહાર ખસેડવું અને જોખમ ઘટાડવું એ ડહાપણભર્યું રહેશે.

જો એપલ ખરેખર તેનું ઉત્પાદન ચીનથી ભારતમાં ખસેડે છે, તો તે ભારત માટે ઘણા મોરચે ખૂબ જ ફાયદાકારક પરિસ્થિતિ હશે. આ અઠવાડિયે જ્યારે ટેક જાયન્ટ તેની ત્રિમાસિક કમાણીનો અહેવાલ આપશે અને વિશ્લેષકોના પ્રશ્નોના જવાબ આપશે ત્યારે પરિસ્થિતિ વધુ સ્પષ્ટ થશે. હકીકતમાં, એપલ ભારતમાં કોન્ટ્રાક્ટ પર ફોનનું ઉત્પાદન કરીને તેનું ઉત્પાદન સતત વધારી રહ્યું છે. એક અંદાજ મુજબ, માર્ચ ૨૦૨૫માં પૂરા થયેલા વર્ષમાં ભારતમાં ૨૨ બિલિયન ડોલરના મૂલ્યના આઇફોન એસેમ્બલ કરવામાં આવ્યા હતા, જે પાછલા વર્ષ કરતા ૬૦ ટકા વધુ હતા. એપલ દર વર્ષે અમેરિકામાં લગભગ ૬૦ મિલિયન આઇફોન વેચે છે. જો ૨૦૨૬થી અમેરિકા માટે આ ફોન ભારતમાં બનાવવામાં આવે તો ઉત્પાદન બમણું કરવું પડી શકે છે.

આ એક મોટી તક હશે. અત્યારે ઘણી બહુરાષ્ટ્રીય કંપનીઓ સ્થાનિક બજાર પર નજર રાખીને ભારતમાં આવે છે, પરંતુ એપલનું ધ્યાન સમગ્ર વિશ્વ માટે અહીં ઉત્પાદન કરવા પર છે. ભારતમાં તેનો બજાર હિસ્સો વધ્યો હોવા છતાં, ઉત્પાદનમાં હવેનો નવો વધારો અમેરિકા અને બાકીના વિશ્વ માટે હશે. સન ૨૦૨૪માં એક લાખ કરોડ રૂપિયાના આઇફોનની નિકાસ કરવામાં આવી હતી. આ ઉત્પાદન સ્થળ તરીકે ભારતની સંભાવનાને દર્શાવે છે. એવા પણ વૃત્ત વહેતા રહે છે કે તાજેતરમાં સ્થાનિક મૂલ્યવર્ધનમાં ઝડપથી વધારો થયો છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ઉત્પાદન વધવાની સાથે, કમ્પોનન્ટ ઉત્પાદકો પણ ભારતમાં આવવા ચાહશે. આર્થિક અને ભૂરાજકીય વાતાવરણને ધ્યાનમાં રાખીને જોખમ ઘટાડવા માટે એપલ એકમાત્ર કંપની નહીં હોય. બીજી કંપનીઓ પણ આવશે. ચીનથી દૂર રહેવાની પ્રક્રિયા છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે, પરંતુ તાજેતરના વેપાર ઘટાડાથી તે ઝડપી બની શકે છે અને ભારત માટે એક મુખ્ય તક હશે.

પરંતુ કંપનીઓ પોતાની મેળે નહીં આવે. ભારતે પણ રોકાણ આકર્ષવા માટે પ્રયાસો કરવા પડશે. કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે સરકારોએ ઘણા પગલાં લીધાં છે જેથી એપલનું ઉત્પાદન ચીનથી ભારતમાં સ્થળાંતરિત થઈ શકે. પરંતુ આ બધી કંપનીઓ માટે કરી શકાતું નથી. તેથી, પ્રક્રિયાઓને ઝડપથી સરળ બનાવવી મહત્ત્વપૂર્ણ છે જેથી કંપનીઓ ભારતની કુખ્યાત અને કોઈ કોઈ રીતે ભ્રષ્ટ અમલદારશાહીની જાળમાં ફસાઈ ન જાય. ઉદાહરણ તરીકે, જમીન સરળતાથી ઉપલબ્ધ કરાવવી જોઈએ. અને દેશનો દરેક નાગરિક જાણે છે કે કંપનીને નામે જમીન ટ્રાન્સફર કરવામાં કેટલા અંતરાયો છે.

ભારત ચોક્કસપણે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર પર કામ કરી રહ્યું છે અને પ્રક્રિયાઓ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે, પરંતુ આપણે હજુ પણ આયાત ડયુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવાની જરૂર છે. આમ કરવાથી કાચો માલ અને સાધનો લાવવાનું સરળ બનશે અને વૈશ્વિક કંપનીઓને ભારતમાં પોતાને સ્થાપિત કરવામાં મદદ મળશે. આનાથી ઉત્પાદનને વેગ મળશે અને ભારતના વધતા શ્રમબળને રોજગાર મળશે. ભારતે આ તક હાથમાંથી ન જવા દેવી જોઈએ. આને 'એપલ મોમેન્ટ' તરીકે યાદ રાખવામાં આવશે, જે દેશના ઉત્પાદન ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે. અગાઉ અનેક વાર આવી જુદા જુદા સંયોગો ધરાવતી વિવિધ તક ભારત સરકારના હાથે વેડફાઈ ગઈ છે અને એનો તો આખો અલગ ઈતિહાસ છે. પરંતુ હવે ફરી એક વાર વ્યાપાર વસંત દેખાય છે. શેરબજારમાં પણ વિદેશી રોકાણકારોની નવી લેવાલીથી પવન બદલાયો છે, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારનો ઘણો આધાર સરકારી નીતિ પર હોય છે.

Tags :