Updated: Mar 1st, 2023
કોરોનાના આગમનને ચારેક વરસ થવા આવ્યા છે, પરંતુ આમ જુઓ તો છેલ્લા એક દાયકાથી જગત આખું કૃત્રિમતાથી છલકાયેલું છે. છેલ્લા દાયકામાં માણસજાતની પૈસા માટેની ભૂખ અને સામાજિક સ્વાર્થ, અવિવેક અને વિલાસિતા બહુ અભિવૃદ્ધ થયા છે. વિવિધ દેશોના રાજનેતાઓ જે કંઈ વાત કરે છે, એનો કોઇ અર્થ હોતો નથી. એટલે કે માત્ર તેઓ બધું કહેવા ખાતર જ કહે છે, એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. પેરિસ કરારથી આ પરંપરા ચાલી આવે છે. પર્યાાવરણ માટે આજ સુધીમાં થયેલા સૌથી મહત્ત્વના સંમેલનોમાં પેરિસનું સંમેલન ગણાય છે. એ કરાર થયા પછી ઓબામાની વિદાય થઇ અને ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા કે તરત જ અમેરિકાએ પેરિસ કરાર સાથે છેડો ફાડી નાખ્યો. પછી જો બિડેન આવ્યા એટલે અમેરિકા ફરી પેરિસ કરારમાં જોડાઈ ગયું.
સ્પષ્ટ છે કે આનાથી અમેરિકાના કાર્બન ઉત્સર્જનમાં કોઈ ફેર પડવાનો નથી અને વિદાય લેતી વખતે ટ્રમ્પે ચાલુ કરેલી લાખો ટન કોલસાની ખાણો હવે બંધ થવાની નથી. નેતાઓના આંતરરાષ્ટ્રીય વર્તનમાં એટલું બધું અસત્ અને દંભ છે કે કોઈ પણ એક દેશ બીજા દેશના નેતા પર હવે વિશ્વાસ રાખી શકે તેમ નથી. આ રાજરોગની શરૂઆત થઈ છે ચીનથી. પહેલા આ પ્રકારનું અસત દુનિયાભરમાં રશિયા પાસે હતું. અસત ઝેરથી પણ વધુ ખતરનાક હોય છે. રશિયાને આ બધું બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મની પાસેથી શીખવા મળેલું છે. આંતરરાષ્ટ્રીય વ્યવહાર દક્ષતા જો લુપ્ત થાય તો વિશ્વ સમુદાયના રાષ્ટ્રો વચ્ચેના સંબંધો તબક્કાવાર ક્ષીણ થતાં જાય છે અને લાંબે ગાળે એના પરિણામે એક એવો અવિશ્વાસ સર્જાય છે કે જે વહેલા કે મોડા દુનિયાને અકારણ નાના-મોટા યુદ્ધ તરફ દોરી જાય છે. યુક્રેન યુદ્ધ અવિશ્વાસનું જ પરિણામ છે.
આંતરરાષ્ટ્રીય સંબંધો ક્ષીણ થવાને કારણે શિક્ષણ અને સંસ્કૃતિનું આદાન-પ્રદાન ઘટે છે એ તો સૌથી મોટું નુકસાન છે, જે દેખાતું નથી, પરંતુ જે દેખાય છે તે ઔદ્યોગિક આદાન-પ્રદાન અટકી જાય છે. દર વરસે અનેક આંતરરાષ્ટ્રીય પરિષદો જુદા જુદા નામે યોજાય છે. વિવિધ કારણો અને સમાન હિતોની સુરક્ષા કાજે આવા રાષ્ટ્રજૂથો અસ્તિત્વમાં આવતા હોય છે. આવી પરિષદો સામે અનેક પડકારો હોય છે. એમાં પારસ્પરિક કરારો થતા હોય છે. આંતરરાષ્ટ્રીય મીડિયામાં એની શાનદાર ગાજવીજ હોય છે. આવી પરિષદો જેના પર ચર્ચા કરે છે એની સ્થિતિ વધુ વણસતી જાય છે. એનું કારણ એ છે કે વિવિધ દેશનેતાઓ કહે છે કંઈક અને પાલન કરે છે મનઘડંત નીતિનું. દરેક દેશનેતાએ મહોરું ધારણ કરી લીધું હોય એવા યુગમાં આ જગતનો પ્રવેશ થયો છે.
ઉદાહરણ તરીકે જોઈએ તો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બિડેન સત્તા પર આવ્યા પછીની પહેલી વિદેશયાત્રા સ્વરૂપે જી - સેવનમાં ઉપસ્થિત રહેવા બ્રિટન આવ્યા હતા. તેમણે ઈતર દેશોને પચાસ કરોડ ડોઝ સહાય માટે નિઃશુલ્ક આપવાની જે જાહેરાત કરી તેમાં યજમાન બ્રિટને પોતાના તરફથી દસ કરોડ ડોઝ ખેરાત કરવાની વાત કરી. ફ્રાન્સ, જર્મની, ઇટાલી અને જાપાન પણ પોતપોતાની રીતે દરિદ્ર દેશોને વેક્સિનની દાન-દક્ષિણા કરશે એવી વાત થઈ હતી. પરંતુ પછીથી એ તમામ મહાન દાતાર દેશો પોતપોતાની ઉપાધિઓમાં જ ગરકાવ થઈ ગયા હતા. પ્રજાની કાર્ર્યનિષ્ઠા અને નૈતિકતા શિથિલ થઈ ગઈ હોવાને કારણે યાચકદેશોની પંક્તિમાં ભારત પણ છે. આવી અનેક પરિષદો યોજાતી રહે છે. જ્યારથી આવી પરિષદોમાં પર્યાવરણની ચિંતા કરવાની શરૂઆત થઈ ત્યારથી જ પર્યાવરણની સ્થિતિ વધુ ખરાબ થઈ તે વિધિની એક વિચિત્રતા છે.
જેની સામાન્ય મનુષ્યને હજી કલ્પના પણ નથી, એવા નવા માનવજીવન વ્યવસ્થાપન તરફ વિદ્વાનો અત્યારે કામ કરી રહ્યા છે અને જગતની મોટાભાગની અધિક શક્તિ ધરાવતી રાજસત્તાઓ હવે એ નૂતન વ્યવસ્થા સ્વીકારવા અંગે વિચારે છે. પશ્ચિમના વિદ્વાનો જેને ઘણા લાંબા સમયથી ન્યૂ નોર્મલ તરીકે ઓળખાવે છે એ એટલે કે આપણો અત્યારનો જે વર્તમાન છે તે બહુ લાંબા ગાળા માટેનો વર્તમાન છે. એટલે કે જે સંયોગો આપણે અત્યારે ભોગવીએ છીએ એમાં નજીકના ભવિષ્યમાં બહુ ફેરફાર થવાનો ચાન્સ નથી. 'નજીકના ભવિષ્યમાં' - એનો એક અર્થ આઠ-દસ વર્ષ જેવો થાય છે. દર વરસે મળતી આવી પરિષદો ગયા વરસે કોરોનાના પહેલા ઉછાળા વખતે રદ થઈ હતી. આ વખતની જી - સેવનના સારાંશરૂપ દસ્તાવેજ ભારત સરકાર પ્રકાશિત કરશે ત્યારે ખ્યાલ આવશે કે વિશ્વના સમર્થ રાષ્ટ્રોે પાસે હવે કેટલીક દ્રષ્ટિ સંપન્નતા જળવાઈ છે.