ભારતમાં ઓનર કિલિંગ .
ઉત્તર પ્રદેશ અને બિહારમાં આજકાલ દરરોજ કોઈ ને કોઈ એવી ઘટનાઓ બને છે જેના મૂળભૂત કારણમાં ધર્મ અથવા જ્ઞાાતિ હોય છે. દેશમાં કેટલા બધા કામો પડતર છે ત્યારે કરોડો લોકો વ્યર્થ અસ્મિતાવાદની અગનઝાળમાં લપેટાયેલા છે. ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનો સામાજિક તંગદિલી પર કોઈ કાબૂ નથી. ત્યાં કેટલાક ગ્રામ પ્રદેશોમાં લઘુમતીમાં જે વર્ગ છે તે ભયના ઓથાર હેઠળ છે. ક્યાંક હિન્દુ પરિવારો ફફડે છે તો ક્યાંક મુસ્લિમ પરિવારો. સામાજિક સમરસતા જાણે કે એક કલ્પના માત્ર છે. બિહારમાં યાદવો તો પોતાને ભગવાન કૃષ્ણના સીધી લીટીના વારસદાર માને છે અને શ્રેષ્ઠ જ્ઞાાતિનું નાગરિ-કી અભિમાન ધરાવે છે. તેઓ ઈતર તમામ હિન્દુ - મુસ્લિમ સાથે તુમાખીથી વર્તન કરે છે. સમગ્ર ભારતમાં અનેક સમુદાયો પોતપોતાના વાડા બાંધીને બેઠા છે. રીત અને રીવાજની ખતરનાક પકડમાં પૂર્ણ મધ્ય યુગના પુનઃ દર્શન ઉપલબ્ધ છે.
હવે સમસ્યાની મૂળભૂત શરૂઆત આંતરજ્ઞાાતીય પ્રણયયુગલોથી શરૂ થઈ છે. ઊંચ-નીચના ભેદને ભૂંસનારા મહાત્મા કક્ષાના કોઈ નવા યુગપુરુષની અનુપસ્થિતિમાં માસૂમ યુવક-યુવતીઓની જિંદગી હણાઈ રહી છે. ભારતીય સમાજમાં બહારથી એમ લાગે છે કે પ્રેમલગ્ન અને આંતરજ્ઞાાતીય લગ્ન હવે તો સર્વસ્વીકૃત છે પરંતુ ટકાવારી જોતાં તો માત્ર પાંચ ટકા લોકોમાં જ મન અને બુદ્ધિની ઉદારતા કેળવાયેલી છે. બાકીના વિશાળ ભારતીય સમાજમાં તો માતાપિતા પણ પોતાના સંતાનોના માલિક હોય એ રીતે જોહુકમી કરે છે. આમાં બહારથી ઠાવકાઈ પૂર્વક આધુનિક દેખાતા પરિવારો પણ આવી જાય છે.
એકાદવાર વાતવાતમાં દીકરી માતાને પોતાના કોઈ બોયફ્રેન્ડ વિશે એમ કહે કે મમ્મી મને તો આવો કોઈ છોકરો હોય તો જ લગ્ન કરવા ગમે. પરંતુ આ શબ્દોના પ્રત્યુત્તરમાં ઘરમાં ભૂકંપ આવી જાય છે. વડીલો ઈચ્છે છે કે તેમના સંતાનો આજની દુનિયાના છેલ્લામાં છેલ્લા પ્રવાહોથી અપડેટ રહે પરંતુ સંતાનોની લગ્ન સંબંધિત વિચારધારા તો દાદા આદમના જમાનાની હોવી જોઈએ. ભારતમાં ઘેર ઘેર સ્ત્રીઓની અવ્યક્ત કહાનીઓ છે અને કહાનીમાં રેમિક્સ છે.
'ઓનર કીલિંગ' એટલે માતાપિતા કે પાલક પરિવાર દ્વારા પરિવારની આબરૂ ધૂળધાણી થવાના આરોપ હેઠળ પોતાના જ પુત્ર કે પુત્રીની કરવામાં આવતી હત્યા. મા-બાપ જ પોતાના સંતાનની હત્યા કરે તેનાથી વધુ અરેરાટીજનક કૃત્ય બીજું તો શુ હોય? ઓનર કીલિંગના બહુમત કિસ્સાઓમાં દીકરીની હત્યા વધુ કરવામાં આવતી હોય છે માટે આપણે દીકરીનું ઉદાહરણ લઈએ.
જો કોઈ છોકરી તેના મા-બાપની મરજી વિરુદ્ધ લગ્ન કરે અને વરપક્ષના લોકો બીજી જ્ઞાાતિના હોય અથવા તો માંગણી મુજબ દહેજ ન આપ્યું હોય તો સમાજમાં પોતાની પ્રતિષ્ઠા કાંકરા થઈ જવાના ગુસ્સામાં એ જ છોકરીનો બાપ દીકરીનું ખૂન કરે છે અથવા ખૂન કરાવે છે. ભારતમાં આવા કિસ્સાઓ હવે વધુ જોવા મળે છે જેમાં બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન નામચીન છે. ગુજરાતમાં આવા કિસ્સાઓ નથી પરંતુ દીકરીઓના હૈયા પર પરિવારની ખતરનાક ધાક તો છે.
ઓનર કીલિંગની જોડણી આખી વાત ઉપર કડવો કટાક્ષ કરે છે અને તે કટાક્ષ સામાન્ય હૃદયના કાળજાને ચીરી નાખે તેવો છે. પોતાના જ સંતાનને મારી નાખનારા મા-બાપ વાલીને બદલે એના બાળકોના માલિક હોય એ રીતે વર્તન કરતા હોય છે. પણ ઓનર કિલિંગમાં ઓનરનો સ્પેલિંગ ઓવનર નથી થતો પરંતુ હોનર થાય છે. હોનરનો ઉચ્ચાર ઓનર છે અને એનો અર્થ થાય સન્માનચિહ્ન, બક્ષિસ, આતિથ્ય, સરભરા વગેરે. કુટુંબની કહેવાતી આબરૂના સન્માનની જાળવણી માટે એ જ કુટુંબના વંશજોને મારવાના કૃત્યને ઓનર કીલિંગનું લેબલ આપવું પડયું.
પ્રિયદર્શન એક વિશેષ વિષયો પર કામ કરનારા દિગ્દર્શક છે. રામ ગોપાલ વર્મા સિવાયના આ એકમાત્ર એવા ડિરેક્ટર છે જે એક વર્ષમાં જો બાવન શુક્રવાર હોય તો બાવન નવી ફિલ્મ ડિરેક્ટ કરીને રિલીઝ કરી શકે. કોમેડી ફિલ્મોના કિંગ ગણાતા પ્રિયદર્શને ૨૦૧૦માં આક્રોશ નામની ફિલ્મ બનાવી હતી જે બિહારની ભૂમિ ઉપર ઓનર કિલિંગની કહાની દર્શાવતી હતી. અનુષ્કા શર્માએ ખુદ પ્રોડયુસ કરેલી ફિલ્મ 'એનએચ ટેન' પણ ઓનર કિલિંગના કિસ્સાની આજુબાજુ ફરતી હતી. આ વિષય ઉપર ફિલ્મો પણ ઓછી બને છે તે બાબતની નોંધ લેવાવી જોઈએ.
ઓનર કિલિંગ માત્ર સામાજિક દૂષણ નથી. તેના મૂળિયાં માત્ર વર્ણવ્યવસ્થામાં નથી. પોલિટીકલ સિસ્ટમ અને ભ્રષ્ટાચાર પણ આ દૂષણ માટે જવાબદાર છે. પોલીસતંત્રની આંખ આડે કાન કરવાની વૃત્તિને પણ કારણભૂત ગણવી રહી. આજકાલ દેશમાં ઓનર કિલિંગના સૌથી વધુ કિસ્સા યોગી આદિત્યના રાજ્યમાં આકાર લઈ રહ્યા છે.