Get The App

જીવન ચલને કા નામ .

Updated: Jun 2nd, 2020

GS TEAM

Google News
Google News
જીવન ચલને કા નામ              . 1 - image


અત્યાર સુધી કોરોનાના સંક્રમણ પર સરકારની કાતિલ નજર હતી અને રોગચાળાની વૃદ્ધિનો સ્પષ્ટ આલેખ રાખવામાં આવતો હતો. એટલે કે કોને ક્યાંથી કોરોનાનો ચેપ લાગ્યો એનો દુઃખદ હિસાબ અને દરેક કેસનો ઈતિહાસ સરકાર પાસે સૂરેખ આલેખની જેમ રહેતો હતો. પરંતુ હવે ભારતીય જનસાગર મુક્ત લહેરાવા લાગતા આ દરિયાની કઈ લહેર કોને અડી એનો હિસાબ હવે આ સ્વ-છંદી જનજીવનમાં મળશે નહિ. એટલે કે કેસમાં હવે જે નવો વધારો થશે એમાંના મહત્ કેસનો ઇતિહાસ તબીબો અને સરકારી ટીમને મળશે નહિ. 

દરેક નાગરિક જુના ગુજરાતી ભજનની જેમ - શું પૂછો છો મુજને કે હું શું કરું છું... મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું - મુક્ત સ્વૈરવિહારી બન્યો છે. જે ચોતરફથી એને માટે જોખમથી ભરપૂર છે. વળી જૂની ગુજરાતી ઉક્તિ પ્રમાણે હવે તો ચેતતો નર અને ચેતતા નારી જ સદા સુખી રહી શકશે. ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં સંખ્યાબંધ ગુજરાતી સારસ બેલડી ખંડિત થઈ ગઈ છે. અમેરિકામાં વસતા ગુજરાતીઓના સોશ્યલ મીડિયાના વિવિધ જૂથમાં અનેક અશ્રુકથાઓ વહેતી થયેલી છે.

કેન્દ્ર સરકારે ગત સપ્તાહાન્તે જાહેર કરેલા વિકાસદરના આંકડાઓનો પરોક્ષ ધ્વનિ પણ એ જ છે કે હવે ભારત સહેજ પણ વધુ લોકડાઉનને સહન કરી શકે એમ નથી. લોકડાઉન દરમિયાન કામદારોના પોતપોતાના વતન તરફના સ્થળાંતરની વિકરાળ કરૂણાન્તિકા સર્જાઈ. હવે જો લોકડાઉનના ચાર સુદીર્ઘ અધ્યાય પછી પણ આ સન્નાટો લંબાવવામાં આવે તો મધ્યમ અને નાના વર્ગની નવી ટ્રેજેડી સર્જાવાનો ભય હતો.

પોલીસ અને ટ્રાફિક પોલીસે લાંબા સમયગાળા પછી કંઈક નિંરાતનો શ્વાસ લીધો છે. પરંતુ આ નિંરાત સરકાર માટે પણ સાવ અલ્પકાલીન અને પ્રાસંગિક છે એ કડવું સત્ય સહુ જાણે છે. કોરોનાની આગેકૂચ વધતા ક્રમે ચાલુ છે. ભારત હવે રોજના દસ હજાર કેસ થવાના વિષચક્રની નજીક છે. જ્યારે નહિવત્ કેસ હતા ત્યારે જડબેસલાક લોકડાઉનનું સુરક્ષા કવચ હતું અને હવે જ્યારે હરણાં ને ઝરણાંની જેમ કેસના આંકડાઓ કૂદતા કૂદતા આગળ ધપી રહ્યા છે ત્યારે સામાજિક અંતર જાળવવાનું આત્મરક્ષા કવચ લગભગ ઉઠાવી લેવાયા જેવી હાલત છે. ભાન વગરની ભીડ એ ભારતનું દુર્ભાગ્ય છે.

અનલોક વનના પહેલા જ દિવસે દેશના મોટાભાગના રાજ્યોમાં ભીડ જોવા મળી. ગુજરાતમાં તો રસ્તાઓ પર કીડિયારું ઉભરાયું. કન્ટેનમેન્ટ સિવાયના તમામ વિસ્તારો કે પ્રદેશોમાં વાદળછાયા તડકા વચ્ચે વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. કોરોના સામે લડવાનું આ આપણું છે જાહેર દર્શન અને એનું વળી પ્રદર્શન ! કામે તો બધાએ ચડવું પડશે. કામ કેટલાકે તો શોધવું પણ પડશે. દેશ પહેલીવાર પૂર્ણતઃ એવા યુગમાં પ્રવેશી રહ્યો છે જેમાં હવે કામ કરનારાઓની તુલનામાં કામ શોધનારાઓની સંખ્યા વધારે હશે. મનોજકુમારની ફિલ્મ શોરનું ગીત - જીવન ચલને કા નામ... હવે સરકારને સમજાયું છે.

એની સાથે જ પ્રજાને સાવધ રહેવાનું પણ સમજાવું જોઈએ પણ એ તરત તો સંભવ નથી. કેસની સંખ્યાને સભાનતા સાથે સંબંધ છે. જેમ જેમ કેસ વધતા જશે એમ એમ લોકોની સાવધાની વધશે. લોકડાઉન વનના શરૂઆતના દિવસો યાદ કરો. ત્યારે એટલી બધી સ્તબ્ધતા હતી કે પહેલા અઠવાડિયે તો લોકો બારી પણ ખોલતા ન હતા. પ્રચાર પંડિત એનડીએ સરકારે કોરોના અંગે ભયનું સામ્રાજ્ય જમાવી દીધું હતું. એ જો કે ત્યારે જરૂરી પણ હતું. એનાથી એક સાથે દેશ આખાને પેન્ડેમિકની શિક્ષાદીક્ષા એક સાથે જ મળી ગઈ હતી.

હજુ પણ દેશના રાજ્યો વચ્ચેના મતમતાંતરોનો અંત આવ્યો નથી. મહારાષ્ટ્રે છૂટછાટ સાથે લોકડાઉન હજુ એક મહિનો લંબાવ્યું છે. ભાજપના વારંવારના ડિસ્ટર્બન્સ વચ્ચે સહુથી સારું કામ મહારાષ્ટ્ર સરકાર કરે છે. વચ્ચે એવી અફવાઓ જોરશોરથી ચાલી હતી કે અહીં પણ ભાજપ તોડફોડ કરીને પોતાની ધોવાયેલી પ્રતિષ્ઠા અને સત્તા પાછી મેળવે. પરંતુ શરદ પવારની ખંધી રાજનીતિ, અનુભવ અને વ્યૂહ સામે ભાજપે પરદા પાછળ જ વધુ એક પછડાટ સહેવી પડી છે.

મહારાષ્ટ્ર પર હજુ પણ જોખમ રહેવાનું છે. મુંબઈ આંતરરાષ્ટ્રીય નકશા પર છે એને કારણે કોરોનાનો ભય આગામી બે વરસ સુધી તો મુંબઈ માથે લટકતો રહેવાનો છે. દિલ્હી રાજ્ય સરકારે પોતાની સીમા સિલ કરી દીધી છે. હરિયાણાએ હમણાં સુધી સિલ કરેલી સીમા ખોલી છે. પંજાબે કેન્દ્ર સરકારના પ્રવાહ પ્રમાણે જનજીવન પ્રવાહિત તો કર્યું છે પરંતુ નિયમો અને નિરીક્ષણ તંત્ર બહુ જ કડક રાખ્યા છે.

કર્ણાટકમાં ભાજપ સરકારે કોરોના અંગે શરૂઆતથી ગોથા ખાધા છે. મુખ્યમંત્રી અને રાજ્યપાલ બન્નેનું એક જ ગોત્ર હોવા છતાં એમની વચ્ચે તાલમેલ નથી. ભાજપના તમામ રાજ્યપાલોની સમસ્યા એ છે કે તેઓ મહદંશે રાજકીય વ્યક્તિત્વ ધરાવતા હોવાથી તેમનો રાજ્ય તંત્રમાં હસ્તક્ષેપ એવો હોય છે કે મુખ્યમંત્રી સાથે અહંકાર ટકરાઈ જાય. ગુજરાતના રાજ્યપાલ જો કે એમાં અપવાદ છે.

આપણા રાજ્યપાલ દેશના ટોચના કૃષિવૈજ્ઞાાનિક છે અને કીતકામનાથી મુક્ત છે. સામે મુખ્યમંત્રી તો એવા છે કે સદાય તમે કહો તેમ એવી પોલિસી રાખે છે, એમનામાં સ્વતંત્ર રાજશક્તિ અને મૌલિક વિઝનનો સર્વથા અભાવ છે. વહીવટી તંત્ર અને આઈએએસ લોબી પર નિર્ભર આ પણ એક ગુજરાત મોડેલ જ છે. જો કે રાજ્યનું આરોગ્યતંત્ર, કલેક્ટોરેટ તથા પોલીસ તંત્રના પારસ્પરિક સંકલને અજબ રીતે રાજ્ય વ્યવસ્થાપનનું જે સુકાન આ લોકડાઉનમાં સંભાળ્યું છે તે કાબિલે દાદ અને યાદગાર છે.

Tags :