બંગાળના લોકજીવનની ઘાત .
કલકત્તામાં કાયદાની વિદ્યાર્થિની પર થયેલા ગેંગરેપના કેસમાં પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસના બે વરિષ્ઠ નેતાઓની વાહિયાત ટિપ્પણીઓ મહિલાઓના ગૌરવ સામે શરમજનક અને અસંવેદનશીલ પ્રતિક્રિયા છે. ફરી એકવાર, પીડિતાને શરમજનક રીતે દોષિત ઠેરવવાનો બેશરમ પ્રયાસ કરવામાં આવ્યો છે. ટીએમસી મહિલા નેતા મહુઆ મોઇત્રાએ પાર્ટીના નેતાઓનાં નિવેદનો પર આઘાત અને નિરાશા વ્યક્ત કર્યાં છે અને સ્પષ્ટ કર્યું છે કે આ રાજકારણીઓનાં નિવેદનોમાં સ્ત્રી-દ્વેષ પક્ષની સીમા રેખાઓની બહાર છે. તેનાથી પણ ખરાબ વાત એ છે કે જે પક્ષના નેતાઓએ આ કમનસીબ નિવેદનો આપ્યા છે તેના સુપ્રીમો એક મહિલા છે. બંગાળમાં જાહેર શિસ્ત અને સભ્યતાનો અંતકાળ હોય એવું ચિત્ર છે. અતિ ગંભીર ઘટનાઓની તપાસમાં મંથરગતિ પણ ટીકાસ્પદ છે.
મમતા બેનર્જી પોતાના રાજ્યમાં ભાજપથી એટલા બધા ડરે છે કે તેનો મોટા ભાગનો સમય પોતાના સિંહાસનના પાયા પકડી રાખવામાં જાય છે. અલબત્ત, એ હકીકત છે કે તેઓ ભાજપના દિગ્ગજોને પણ ભૂ પીવડાવી દે છે અને હજારો હાથીઓ બંગાળ દરવાજો તોડવા તૈનાત કર્યા હોવા છતાં ભાજપને હજુ અહીં સત્તામાં પ્રવેશ મળ્યો નથી. મમતા બેનરજીએ પશ્ચિમ બંગાળના કલા, સાહિત્ય અને સંગીતના વિરાટ વારસાને ખત્મ કર્યો છે. આપણે ત્યાં રાજનેતાઓ લોકડાયરામાં નિયમિત રીતે હાજર રહેતા હોય છે ને લોકસંસ્કૃતિને પ્રોત્સાહિત કરતા હોય છે. ગુજરાતમાં ભાજપના નેતાઓની મર્યાદાઓ અનેક છે. મુખ્યત્વે તેઓ પક્ષના યસમેન હોવાથી પોતાના વિસ્તારના પ્રશ્ન પણ રજૂ કરતા ગભરાય છે, પરંતુ સાંસ્કૃતિક વિનાશના તેઓ ભાગીદાર નથી. જ્યારે બંગાળની નવી પેઢીને તો બાઉલ ગીતોની એક પંક્તિ પણ આવડતી નથી તો પછી રવીન્દ્ર સંગીત કે જીવનાનંદ દાસની વનલતા કાવ્યમાલાની તો વાત શાની ખબર હોય! બંગાળી પ્રજાના આ દુર્ભાગ્યનું નામ મમતા બેનરજી છે.
દુર્ભાગ્યપૂર્ણ એ પણ છે કે મમતા બેનર્જી જેવાં ઉગ્ર મુખ્યમંત્રીના શાસન અને નેતૃત્વના વર્ષો દરમિયાન, ટીએમસીમાં સંવેદનશીલતા અને માનસિકતામાં પરિવર્તન લાવવાના પ્રયાસો નિષ્ફળ જતા હોય તેવું લાગે છે. વિડંબના એ છે કે પીડિતા સામે બેશરમ નિવેદનો ફક્ત પશ્ચિમ બંગાળનો મામલો નથી, દેશના અન્ય રાજ્યોમાં પણ આવી અસંવેદનશીલ ટિપ્પણીઓ સામે આવી રહી છે. દેશના વિવિધ રાજ્યોમાં અનેક અમાનવીય ગુનાઓ પછી, ટિપ્પણીઓ ફક્ત પિતૃસત્તાક રિવાજોને પ્રગટ કરે છે. શરમજનક ટિપ્પણીઓ સમયાંતરે કરવામાં આવી રહી છે. જો વર્તમાન એકવીસમી સદીના ખુલ્લા સમાજમાં આપણે મહિલાઓ પ્રત્યેના સંકુચિત વલણથી મુક્ત ન થઈ શકીએ, તો તે એક સામાજિક દુર્ઘટના કહેવાશે. દુર્ભાગ્યપૂર્ણ છે કે આ એ લોકો છે જેમને જનતા પોતાના નેતા માને છે અને લાખો લોકો તેમને કાયદા બનાવવા અને જનપ્રતિનિધિ સંસ્થાઓમાં વ્યવસ્થા ચલાવવા માટે ચૂંટે છે.
કોલકાતામાં કાયદાની વિદ્યાર્થિની પર થયેલા સામૂહિક બળાત્કાર બાદ, એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી છે અને કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. આ કેસમાં કાયદો તેનું કામ કરશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ મામલો અહીં સમાપ્ત થવો જોઈએ નહીં. આ કેસમાં ટીએમસી નેતાઓની ટિપ્પણીઓ નિંદનીય છે, પરંતુ પક્ષના નેતાઓ અને કાર્યકરો દ્વારા તેની કડક શબ્દોમાં નિંદા પણ થવી જોઈએ. આ મમતા બેનર્જી સામે બીજો પડકાર છે. આર.જી. કર મેડિકલ કોલેજ બળાત્કાર-હત્યા અને તે પછી દેશમાં જે આક્રોશ ઊભો થયો હતો તે હજુ પણ લોકોના સ્મરણપટ પર દુ:ખદ રીતે તરે છે.
અલબત્ત, ફક્ત ટિપ્પણીઓથી પક્ષને દૂર રાખવા પૂરતું નથી. જાહેર જીવનમાં જે લોકો જીવનનાં મૂલ્યોની વિરુદ્ધ જાય છે તેમના માટે પરિણામો ભોગવવા પડશે. નહિંતર, સમાજમાં એવો મેસેજ જશે કે આવા નાપાક પ્રયાસો સામે કોઈ દંડાત્મક કાર્યવાહી નથી. અને તે એક સ્વીકાર્ય વર્તન છે એવું લાગશે. પીડિતને સંપૂર્ણ શારીરિક અને માનસિક સહાય પૂરી પાડવાને આવશ્યક ફરજ તરીકે શા માટે સમાવિષ્ટ ન કરવી જોઈએ તે તર્કની બહાર છે, પછી ભલે ગમે તે પક્ષ સત્તામાં હોય. ગુનાને અટકાવવા એ સુશાસનનો માપદંડ છે, પરંતુ જ્યારે ગુનો થાય છે ત્યારે અસરકારક પ્રતિભાવ આપવો એટલો જ મહત્ત્વપૂર્ણ છે. ટીએમસી બંને બાબતોમાં નિષ્ફળ ગઈ હોય તેવું લાગે છે. છેલ્લાં કેટલાક સમયથી ખરેખર જ બંગાળનુ સાર્વત્રિક અપરાધીકરણ થઈ ગયું છે. પોલીસ પણ ખંડિયા રાજાઓની જેમ વર્તે છે. કોઈ પણ શુભ પ્રસંગમાં પ્રજાએ નજીકના થાણાના પોલીસ સ્ટાફને જમવાનું ધરાર નોંતરું આપવું પડે છે. એ સિવાય પ્રસંગ પાર ન પડે. જાનૈયાઓને પડતા મૂકીને ખાખીની સરભરામાં યજમાન લાગી જાય છે. આંબા બંગાળના જનજીવનના પતનનાં ચિહ્નો છે.