પાક-અમેરિકા સ્નેહભંગ
પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં સંયુક્ત તાલીમના બહાને ચીની સૈનિકોનો જમાવડો છે. જો કે આ તો કાયમી કાર્યક્રમ છે. ચીનના ભૂમિદળના કમાન્ડો નિયમિત રીતે પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ સાથે મિટિંગ યોજતા રહે છે. ગયા સપ્તાહે પાકિસ્તાને ચીની સૈન્યના કેટલાક ટોચના સિવિલ એન્જિનિયરો સાથે બલુચિસ્તાનનું સર્વેક્ષણ હાથ ધરેલું છે. એ તો હજુ રહસ્યમય છે કે પાકિસ્તાન સરકારના મનમાં શું છે ? પરંતુ બલુચિસ્તાનમાં ચાલતી સ્વતંત્રતાની ચળવળને દાબી દેવા માટે પાકિસ્તાન ભવિષ્યમાં ચીની સૈનિકોનું એક કામ ચલાઉ થાણું ત્યાં ઊભું કરવાનું નક્કી કર્યું હોય એવું લાગે છે.
જે રીતે સિરિયાની સદાયની હાલક ડોલક સરકારે પોતાને ત્યાં રશિયાને કાયમી થાણું બનાવવાની મંજુરી આપેલી છે, એ રીતે પાકિસ્તાન પણ ચીનને બલુચિસ્તાનમાં આહવાન આપીને પોતાની જ ઘોર ખોદી શકે છે. પોતાને નુકસાન થાય એવા વિવિધ ઉપક્રમોનું સાતત્ય એ પાકિસ્તાનનું સર્વકાલીન દુર્ભાગ્ય છે.
દાયકાઓ સુધી અમેરિકાનું દૂધ પીને ઉછરેલું પાકિસ્તાન હવે એ જ અમેરિકા સામે ઝેરી ફૂંફાડા મારવા લાગ્યું છે. કારણ કે ચીનને રાજી રાખવા માટે તથા ચીન દ્વારા નિદષ્ટ મુદ્દાઓ પર ઇમરાન ખાને નિયમિત રીતે અમેરિકાની ટીકા કરતા રહેવી પડે એવા સંયોગો છે.
અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોનો ઇતિહાસ એટલો બધો ગાઢ અને જૂનો છે કે હવે પોતાની ચીન સાથેની દોસ્તી પુરવાર કરવા માટે પાકિસ્તાને અમેરિકા સામે આડેધડ બક્વાસ કરવાની શરૂઆત કરી છે. અમેરિકાએ તો ઘણા લાંબા સમયથી પાકિસ્તાનને શસ્ત્ર તથા રોકડ સહાય આપવાનું બંધ કરેલું છે. દુનિયાના અનેક દેશોએ પાકિસ્તાન સાથે વ્યાપાર વાણિજ્ય અને આથક પ્રતિબંધો મુકેલા છે.
પાકિસ્તાનને અમેરિકાથી અલગ કરવામાં ચીને દસ વરસ ધ્યાન આપેલું છે. ચીની અધિકારીઓનો એ પ્રોજેક્ટ હવે લગભગ પૂરો થવા આવ્યો છે. હવે પાકિસ્તાન સંપૂર્ણ રીતે ચીનના ખોળે બેસી ગયું છે. ચીની મદદ વિના પાકિસ્તાનમાં એક દિવસની પણ સવાર પડે એમ નથી, કારણ કે અનેક પ્રકારની દરિદ્રતાઓ અને એમાંથી જ જન્મેલી મૂર્ખતાઓનો પાકિસ્તાન શિકાર બનેલું છે.
આતંકવાદ પ્રત્યે પાકિસ્તાનનો અભિગમ કેવો છે એની ખાતરી એના વડાપ્રધાન ઇમરાન ખાને ત્યાંની સંસદમાં કરેલા હમણાંના છેલ્લા ભાષણ પરથી સ્પષ્ટ થાય છે. આજ સુધી અમેરિકાની કઠપૂતળી બની રહેલું પાકિસ્તાન હવે ચીનની કઠપૂતળી તરીકે કામ કરી રહ્યું છે.
આતંકવાદ સંબંધિત પોતાની કૂટનીતિ અને કુનીતિ સ્પષ્ટ કરતાં ઇમરાન ખાને એની સંસદમાં કહ્યું કે આતંકવાદ સામેની લડાઈમાં અમેરિકાને સાથ આપ્યો એ પાકિસ્તાનની સૌથી મોટી ભૂલ હતી. અમેરિકાની નિંદા કરતાં કરતાં ઇમરાને ઓસામા બિન લાદેનને શહીદ કહી દીધો અને અલકાયદાની પ્રશંસા પણ કરી. આની પહેલા તેઓ તાલીબાનીઓને 'હમારે ભાઈ' પણ કહી ચૂક્યા છે.
અમેરિકાના આતંકવાદ સામેના જંગ અંગે પાકિ. વડાપ્રધાને અનેક પ્રશ્નો ઊભા કર્યા. પાકિસ્તાની સાંસદો ઈમરાનના આ ભાષણથી રીતસર ડઘાઈ ગયા અને બહાર આવી તેમાંના કેટલાકે વિવિધ ટીવી ચેનલોમાં ઇમરાનની ઉગ્ર ટીકા કરી, જેમાં ઈમરાનના પ્રધાનમંડળના બે પ્રધાનો પણ હતા. અમેરિકી ચેનલો છેલ્લા બે-ચાર દિવસથી વારંવાર ઉક્ત વિગતો બતાવી રહી છે.
પાકિસ્તાની સંસદમાં ઈમરાને આ બયાન ત્યારે આપ્યું છે કે જ્યારે સમગ્ર વિશ્વમાં પાક સરકાર આતંકવાદીઓને પનાહ આપવાની વાત ગુંજે છે જેના પુરાવાઓ ભારતે વારંવાર દુનિયાના ચોકમાં છતા કરેલા છે. આતંકવાદ સામેની લડાઈમાં પાકિ. સરકારનો સહકાર ઝિરો ટકા છે એવું ડોનાલ્ડ ટ્રમ્પ પણ કહી ચૂક્યા છે. અત્યાર સુધી એ બધા આક્ષેપો હતા પરંતુ ઈમરાનના છેલ્લા ભાષણે એ જ આક્ષેપોના જીવતા પુરાવાઓ આપી આતંકવાદી જૂથો સાથેની પોતાની દોસ્તીનું નવું કબૂલાતનામું પ્રસ્તુત કર્યું છે.
પાકિસ્તાને પણ હમણાં સુધી એ નાટયાત્મક વેશ ધારણ કરી રાખ્યો હતો જેમાં પોતે આતંકવાદી વિરોધી હોવાની છબી ઉપસાવવાની મથામણ હતી પરંતુ હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે. પાકિ. સરકારની બેધારી નીતિ ખુલ્લી પડી ગઈ છે ને એ મોકાનો લાભ લઈ પશ્ચિમી જગતના મીડિયાએ મોટો ઉત્પાત મચાવ્યો છે, જે આંતરરાષ્ટ્રીય તખ્તા પર એને વધું એકલું પાડી દેશે.
લશ્કર એ તોયબા અને જૈશ એ મોહમ્મદ જેવા પૂર્ણત: ઉગ્રવાદી સંગઠનો પરત્વે કૂણું વલણ અખત્યાર કરવા અંગે પણ ઇમરાને અનેકવાર બદનામી વહોરી લીધી છે. અમેરિકાની વિવિધ ફાઇનાન્સિયલ કમિટીઓના અહેવાલો સતત અમેરિકન સરકારને પાકિ. સાથે છેડો ફાડવાની સલાહ આપતા રહ્યા છે.
નેપાળે ચીનની ચમચાગિરી શરૂ કર્યા પછી પાકિસ્તાને પોતાનો સૈદ્ધાન્તિક પક્ષ સ્પષ્ટ કરવાની જરૂર ઊભી થતાં અને ચીન-અમેરિકા સંબંધો વણસી જતાં પાકિસ્તાને ચીનની સ્તુતિ કરવાની જગજાહેર કસરતો ચાલુ કરી છે. સર્વ દુષ્ટતાઓનો ઉકરડો બની ગયેલા પાકિસ્તાનને ચીન આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ ક્યાં સુધી બચાવી શકશે એ અલબત્ત, એક પ્રશ્ન છે.