Get The App

નવું વરસ રશિયાનું છે .

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
નવું વરસ રશિયાનું છે                             . 1 - image

ઈસુનું આ નવું વરસ વિશ્વ સામે કેટલાક જુના પ્રશ્નોના નવા સમાધાન અને કેટલાક સાવ નવા પ્રશ્નો લઈને આવ્યું છે. રશિયાના વડાપ્રધાન પુતિને પોતાની રાજકીય વ્યવસ્થામાં ફેરફાર કરવા માટેનો નવો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. જે રીતે રશિયા આજ સુધી જે પ્રકારના સામ્યવાદની પરંપરામાં રહ્યું છે તેમાં હવે પુતિન થોડો ફેરફાર ચાહે છે. તમે જ્યાં સુધી લોકશાહીની પૂર્ણ પ્રતિષ્ઠા ન કરો ત્યાં સુધી એક શાસક તરીકે તમારા દેશમાં અપ્રગટ ભારેલો અગ્નિ રહેવાનો છે. આ વાત હવે પુતિને આંશિક રીતે તો સ્વીકારી છે. વિજ્ઞાાન અને વિવિધ શોધ-સંશોધનમાં રશિયન પ્રજા બહુ બુદ્ધિમાન છે અને અમેરિકાની લગોલગની પ્રતિભાઓ રશિયા નીપજાવે છે. રશિયા અને અમેરિકાના પારસ્પરિક સંબંધો પર વિશ્વના અન્ય અનેક દેશોનું ભવિષ્ય લટકતું હોય છે. અવિકસિત દેશો અને કહેવાતા વિકાસશીલ દેશોએ નાછૂટકે આ બન્ને મહાસત્તાઓના કૃપાછત્ર તળેથી પસાર થવાનું દુર્ભાગ્ય વેઠવાનું આવે છે.

રશિયન પ્રજા લોકશાહીના અભાવથી તંગ આવેલી છે. રશિયન વડા પુતિનનો હેતુ આવનારાં વર્ષોમાં એમની સામેની સંભવિત લોકક્રાંતિને ટાળવાનો છે. જે રીતે ચીને હવે હોંગકોંગમાં આંદોલનકારીઓને તેમના દેખાવ કરવા માટે અને રેલી યોજવા માટે મંજૂરી આપવાની શરૂઆત કરી છે તે જ રીતે અમુક હદે પુતિન પણ પોતાના વિરોધીઓ સામે ધીમા પડતા દેખાય છે. ચીને હોંગકોંગના દેખાવકારો સામે એકાએક જ શાન્ત અભિગમ દાખવવાની શરૂઆત કરી છે. જેને કારણે સમગ્ર ચીનમાં હોંગકોંગ જેવી આકાર લેતી ઘટનાઓ વૈશ્વિક માધ્યમોમાં સમાચારનો વિષય ન બને. એટલે કે ચીનની સરકારે પોતાની સામેના વિરોધને પ્રદર્શિત કરવાની ઘટનાને ઈતિહાસમાં પહેલી વખત એડમિટ કરી છે.

જો તેઓ એમ ન કરે તો હોંગકોંગમાં થતા દેખાવોના પગલે ચીનમાં પણ જિનપિંગના આકરા શાસન સામેના દેખાવોની શરૂઆત થાય. એટલે કે વિરોધ કરવો એ હવે તાનાશાહીમાં પણ એક લાક્ષણિકતા તરીકે મંજૂર થઈ આવતી પ્રક્રિયા બની ગઈ છે. શાસકોને એનો સૌથી મોટો ફાયદો એ દેખાય છે કે તેમની સામેનો વિરોધ કદી વિસ્ફોટક સ્વરૂપ ધારણ કરતો નથી. 

રશિયાના હેતુઓ પણ સામ્રાજ્યવાદી હોય છે. રશિયાને કંઈ અચાનક જ ડહાપણની દાઢ ફૂટી નીકળી નથી. સિરિયાને ઈસ્લામિક સ્ટેટ સામેની લડતમાં રશિયાએ બહુ સાથ આપ્યો અને તેના બદલામાં સિરિયન સરકારે રશિયાને ત્યાં સિરિયાના પહાડી વિસ્તારોમાં કાયમી લશ્કરી મથક સ્થાપવાની અનુમતી આપી. ડોનાલ્ડ ટ્રમ્પના લમણે ઈતિહાસે જે કેટલાક પરાજયો આલેખ્યા હતા તેમાં સિરિયા પણ છે. અસદની સરકાર સામે ક્રાન્તિકારીઓને કરોડો ડોલરનું ફંડ આપ્યા પછી પણ સિરિયામાં અમેરિકાનું ધાર્યું કંઈ થયું નહિ. અમેરિકા ચાહતું હતું કે ઈસ્લામિક સ્ટેટના હાથે સિરિયા ધ્વસ્ત થાય. પરંતુ એમ પણ થઈ શક્યું નહિ. આઈએસનો વડો અબુ બકર માર્યો ગયો હોવાનો જયઘોષ ભલે અમેરિકાએ કર્યો હતો, પણ ખરેખર એ કોના હાથે હણાયો કે કઈ આત્મઘાતી ઘટનામાં એ માર્યો ગયો તે હજુ રહસ્ય જ છે.

દુનિયાએ અબુ બકરના મૃત્યુને સ્વીકારી લીધું, પરંતુ ઓસામા બિન લાદેનના મૃત્યુનું જે દસ્તાવેજીકરણ જગત સામે રજૂ થયું તેવું અબુ બકરમાં થઈ શક્યું નથી. એનું એક કારણ એ પણ છે કે આઈ એસના વડા બગદાદીના મોતના દસ્તાવેજો રશિયન જાસૂસી સંસ્થા કેજીબીના સકંજામાં છે. રશિયાના રાષ્ટ્ર પ્રમુખ પુતિન જુડોમાં બ્લેક બેલ્ટ ધરાવે છે. માર્શલ આર્ટના આ ખેલની બે ખૂબીઓ પુતિનમાં ભરપૂર દેખાય છે. એક છે છળ અને બીજી ખૂબી છે આક્રમકતા. યુક્રેનમાં લશ્કરી હસ્તક્ષેપ અને ક્રિમિયાને રશિયામાં ભેળવી દેવાનો નિર્ણય એ પુતિનની માર્શલ આર્ટની જ એક ખતરનાક અભિવ્યક્તિ સાબિત થઈ છે. સિરિયામાં અસદ જ્યારે કોઈ નિર્ણય લઈ શકવાની સ્થિતિમાં ન હતા ત્યારે સરકારના વિદ્રોહીઓ પર બોમ્બમારો કરવાનો નિર્ણય અને અમલ પુતિને એકલે હાથે લીધો હતો. બશર અલ અસદની સરકાર માટે પ્રાણવાયુ રશિયાના આકાશમાંથી આવતો થયો પછી અમેરિકાએ સિરિયામાં હથિયાર હેઠાં મૂકવા પડયા.

રશિયાના માસ્ટર પ્લાન ઈતિહાસમાં વિખ્યાત છે. લોકો જ્યારે એના વિશે કંઈ જાણે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. શત્રુ રાષ્ટ્ર અમેરિકામાં પોતાની પસંદગીની વ્યક્તિને રાષ્ટ્ર પ્રમુખ બનાવવાની યોજના પુતિન સિવાય કોણ ઘડી શકે? આજે તો એ વાત જગજાહેર છે કે પુતિને પોતાના જિગરજાન અંતરંગ મિત્ર યેવગેની પ્રિગોઝહિનની મદદથી ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી જીતવા બે વખત ચોમેરથી મદદ કરી. અમેરિકા અને રશિયા વચ્ચેની દુશ્મનાવટ હવે એક નાટક પૂરતી જ રહી છે એમ લાગે છે. એમાં પણ ટ્રેમ્પનું પ્રદાન છે.