ટ્રમ્પનો ટેરિફ બોમ્બ .
ભારત અને અમેરિકા વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી વેપાર મંત્રણાને કારણે, એવી આશંકા હતી કે બંને દેશો પહેલી ઓગસ્ટની અંતિમ તારીખ પહેલાં પરસ્પર ફાયદાકારક વેપાર કરાર પર પહોંચી શકશે નહીં. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે જાહેરાત કરી હતી કે ભારતે પહેલી ઓગસ્ટથી અમેરિકામાં થતી નિકાસ પર ૨૫ ટકા ડયુટી ચૂકવવી પડશે. આ મોટા ડયુટી દર ઉપરાંત, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ કરાયેલો ટ્રમ્પનો મેસેજ ખૂબ ઉત્સાહજનક નહોતો. તેમણે માત્ર પોતાના જૂના મુદ્દાઓને જ દોહરાવ્યા, એની એ જ વાત કે ભારતમાં ઊંચા ટેરિફ છે અને અમેરિકા તેની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કરે છે, પરંતુ તેમણે કેટલાક અન્ય મુદ્દાઓ પણ મિશ્રિત કર્યા. ઉદાહરણ તરીકે, તેમણે કહ્યું કે ભારત રશિયા પાસેથી તેલ આયાત કરે છે અને તેના માટે તેને દંડ પણ ચૂકવવો પડશે. જોકે દંડનો અર્થ શું હશે તે સ્પષ્ટ નથી, તે ૨૫ ટકા ડયુટી દર ઉપરાંત વધારાની ડયુટીના સ્વરૂપમાં પણ હોઈ શકે છે.
વ્યાપાર અને વાણિજયના એક આધુનિક તાનાશાહ તરીકે ટ્રમ્પ પરંપરાગત વ્યાપાર વિશ્વને ડહોળવામાં સફળ નીવડી રહ્યા છે અને ભારત સહિતના દુનિયાના દેશો પાસે એનો સીધો પ્રતિકાર કરવાની કોઈ જાદુઈ લાકડી નથી. તેમનો એજન્ડા હવે 'અમેરિકા ફર્સ્ટ' નથી, પણ 'યુ ઓલ આર લાસ્ટ' એ છે. પરપીડન વૃત્તિ અમેરિકન પ્રમુખના માથે સવાર છે. તમારું દુઃખ એને આંગણે ઉત્સવ છે. કોઈ રાષ્ટ્ર જગતની આધારશિલા બની જાય ને પછી એ સ્વયમેવ દુષ્ટતાઓ દાખલ કરે એવી આ ઘટના છે. એવું નથી કે ડોનાલ્ડ ટ્રમ્પ સાવ ખોટા છે, પરંતુ આંશિક સત્યને આધારે તેઓ કીડી પર કટક ઉતારી રહ્યા છે.
કેટલાક સમયથી એવું લાગતું હતું કે ભારત અમેરિકા સાથે વેપાર કરાર તરફ આગળ વધી રહ્યું છે. આનું કારણ એ છે કે આ મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે જે દેશોને એકપક્ષીય પત્રો લખ્યા હતા તેમાં ભારતનું નામ સામેલ નહોતું. ઘણી વાર, ટ્રમ્પે પોતે બડાઈ મારી હતી કે ભારત સાથે એક મોટો સોદો થવાનો છે. એપ્રિલમાં કહેવાતા પ્રતિક્રિયાત્મક ટેરિફ લાદવામાં આવ્યા પછી ભારત અમેરિકા સાથે વાતચીત શરૂ કરનાર પ્રથમ દેશોમાંનો એક હતો. જોકે એનુંય કંઈ પણ પરિણામ આવ્યું હોય તેવું લાગતું નથી. અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર છે અને ૨૦૨૪-૨૫માં ભારતનો વેપાર સરપ્લસ ૪૦ બિલિયન ડોલરથી વધુ હતો. આ સમયગાળા દરમિયાન કુલ નિકાસ ૮૬ બિલિયન ડોલરથી વધુ થઈ ગઈ.
કેટલાક વિકાસશીલ દેશો સહિત ઘણા અન્ય દેશોએ અનુકૂળ સોદા મેળવવામાં સફળતા મેળવી છે અને યુકે અને યુરોપિયન યુનિયન સાથે પણ આવું જ બન્યું છે, પરંતુ હવે ભારતને યુએસ બજારોમાં નિકાસ કરવામાં પડકારોનો સામનો કરવો પડશે. વર્તમાન પરિસ્થિતિમાં, ભારતમાં કેટલીક મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા કરવામાં આવેલા રોકાણો, જે ચીનમાં તેમનાં રોકાણોને સમાંતર વૈવિધ્યીકરણ કરવા માટે છે, તેના પર પણ પ્રશ્ન ઉઠાવવામાં આવશે. હાલના સંજોગોમાં, સંપૂર્ણ ટેરિફ ધોરણે પણ, વિયેતનામ વધુ આકર્ષક રહેશે. હવે જ્યારે એ સ્પષ્ટ થઈ ગયું છે કે અમેરિકા સાથેની વાટાઘાટો નિષ્ફળ ગઈ છે, તો સરકારને શક્ય તેટલી વધુ માહિતી જાહેરમાં ઉપલબ્ધ કરાવવાની સલાહ આપવામાં આવશે. તાજેતરના દિવસો અને અઠવાડિયામાં, એવા અહેવાલો આવ્યા છે કે ભારત કેટલાંક ક્ષેત્રો, ખાસ કરીને કૃષિ ક્ષેત્ર, ખોલવા માટે તૈયાર નથી. આવી સ્થિતિમાં, એ ચર્ચાસ્પદ રહેશે કે શું ભારત વર્તમાન પરિસ્થિતિમાં પડવાનું ટાળી શક્યું હોત? આ ઉપરાંત, આપણે એ જોવાનું છે કે શું નજીકના ભવિષ્યમાં વાતચીત ચાલુ રાખવાની અને કોઈ નવા મોડિફાઈડ કરાર પર પહોંચવાની શક્યતા છે?
ટ્રમ્પે જે રીતે અન્ય દેશોને વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા માટે રાજી કર્યા તે સ્પષ્ટપણે ભારતના દ્રષ્ટિકોણથી સમસ્યારૂપ હતું. બધા દેશોમાં અમેરિકન માલની લગભગ મફત ઍક્સેસના બદલામાં, તેમને પ્રમાણમાં ઓછી ડયુટી ઓફર કરવામાં આવી હતી. ભારત માટે આવા કરાર માટે સંમત થવું મુશ્કેલ છે. આનું કારણ એ છે કે ભારતના વિકાસ અને આજીવિકાની જરૂરિયાતો અલગ છે. જોકે, ભારતને જે મળ્યું છે તે પણ સંતોષકારક નથી અને તે ઉત્પાદન અને રોજગાર પર અસર કરશે. હવે, આનો કાળજીપૂર્વક અભ્યાસ કરવા ઉપરાંત, આપણે વૃદ્ધિ આગાહીઓને યોગ્ય રીતે ગોઠવવાની પણ જરૂર છે, એમ માનીને કે નજીકના ભવિષ્યમાં આ દર સમાન રહેશે.