Get The App

અમેરિકન થિયરીનું રહસ્ય .

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકન થિયરીનું રહસ્ય                  . 1 - image

હોર્મુઝ તો આજકાલની વાત છે એ સિવાય ઈરાની નૌકાદળ અખાતી દરિયામાં પેટ્રોલિયમનું વહન કરતા વિશાળ જહાજોને જપ્ત કરતું રહ્યું છે અને એ જહાજની ઓળખ જાહેર કરતા નથી. છેલ્લા બે વરસમાં આઠ-દસ જહાજો ઈરાન ગળી ગયું છે. ઇરાની ચાંચિયાઓ જગતભરમાં કુખ્યાત છે. જો કે અખાતમાંથી પસાર થતાં દરેક જહાજમાં ભારતીય ખલાસીઓ હોવાની શક્યતા હોય જ છે. અમેરિકાના પ્રતિબંધોને કારણે ઈરાનનું પ્રજાજીવન અગાઉથી જ સંકટમાં મૂકાયું હતું. હવે યુદ્ધ પછી ચીજવસ્તુઓ અનહદ મોંઘી થઈ રહી છે. અમેરિકા પર દબાણ વધારવા માટે ઈરાન જે રીતે વિવિધ જહાજો અને અમેરિકી બેઝ પર ત્રાટકે છે એ આંતરરાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં તો ઈરાનની નિઃસહાયતાને જ પ્રગટ કરે છે, કારણ કે અમેરિકા સામે લડવાનો એ કોઈ રાજમાર્ગ નથી. અમેરિકી વિદેશ પ્રધાને કહ્યું કે ઈરાન આ રીતે ચાંચિયાગીરી કરીને પ્રભાવ ઊભો કરી શકશે નહિ, કારણ કે સૈદ્ધાન્તિક રીતે તો એ આતંકવાદનો જ રસ્તો છે.

અમેરિકાની પદ્ધતિ એક ખતરનાક શિકારી જેવી છે. એ પ્રારંભે પ્રતિબંધોનો પંજો પછાડીને દુશ્મનને ઘાયલ કરે છે, પછી એને એક સમયાવધિ સુધી તરફડવા દે છે, પછી એકાએક યુદ્ધની નોબત વગાડે છે. ઈરાકને આ જ રીતે અમેરિકાએ ખતમ કર્યું હતું. અફઘાનિસ્તાનમાં પણ એ જ મોડેસ ઓપરેન્ડી રહી. અમેરિકા અને સાથી રાષ્ટ્રો સાથે લડીને સદ્દામ હુસેને ઈરાકને સો વરસ પાછળ ધકેલી દીધું છે. આજે બગદાદની હાલત મધ્યકાલીન રાજનગર જેવી થઈ ગયેલી છે. અમેરિકા સહિતના તમામ પશ્ચિમી દેશો માટે પશ્ચિમ એશિયા કુદરતી તેલ અને ગેસ માટે મહત્ત્વની ભોમકા છે, ઉપરાંત વ્યાપારિક માર્ગ, સંરક્ષણની દ્રષ્ટિએ પણ આ વિસ્તાર મહત્ત્વનો છે. અમેરિકા અહીં ઈરાન કે અન્ય કોઈ પણ દેશને એક શક્તિશાળી પ્રાદેશિક તાકાત તરીકે ઊંચે આવવા ન દે તે સ્વાભાવિક છે. બીજા વિશ્વયુદ્ધ પછી આરબ એકતાને નામે ઈજિપ્તે આરબ દેશોનું નેતૃત્વ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મહાસત્તાઓના હસ્તક્ષેપે ઈજિપ્તનું કશું ઉપજવા દીધું ન હતું. ઈ.સ. ૧૯૭૩ ના આરબ-ઈઝરાયલ યુદ્ધ પછી તો ઈજિપ્ત ખુદ પશ્ચિમી દેશોના પ્રભાવને આધીન થઈ ગયું છે.

ઈઝરાયલ પણ અત્યારે તો ઈરાનના ગુપ્ત રીતે વિકસી રહેલા અને અમેરિકા સાથેના ગજગ્રાહના મુખ્ય કારણરૂપ એવા પરમાણુ હથિયારોને પોતાની સુરક્ષા અંગે ભીષણ ખતરા તરીકે જુએ છે. ઈઝરાયલ વિરુદ્ધ સક્રિય હિઝબુલ્લાહ સંગઠને લેબેનોનમાં બેઠા બેઠા ઈરાનનો પાછલા દરવાજાનો ટેકો લીધેલો છે અને ઈઝરાયલ માટે એ શિરદર્દ છે. એવા જ ગાઝાના લડાયક હમાસ સમુદાયને પણ ઈરાન જ ઈઝરાયલની વિરુદ્ધ ઉશ્કેરે છે અને શસ્ત્રો આપે છે. ઈરાનની પોતાના પાડોશીઓ સાથેની દાનત શંકાસ્પદ રહી છે અને એનો પૂરો લાભ લઈને અમેરિકા ઈરાનને ભીંસમાં લઈ રહ્યું છે. છાને પગલે ભીતરથી ઈરાન ભાંગવા લાગ્યું છે. પરંતુ એણે વિશ્વ સમુદાય સામે પોતાનો ખૂંખાર ચહેરો બરકરાર રાખી અમેરિકા અને ઇઝરાયલ સાથે લડવાનો ઉપક્રમ ચાલુ રાખ્યો છે. હકીકત એ છે કે ઈરાન હવે એક અનિશ્ચિત ભવિષ્ય તરફ ધકેલાઈ રહ્યું છે. ખુલ્લંખુલ્લા હવે ચાલુ છે તો પણ અમેરિકાએ મૂકેલા પ્રતિબંધો જ એવા છે કે ઈરાન પોતાના ભારે પોતે જ ધરાશયી થાય.

સાઉદી આરબની રાજાશાહીને અમેરિકાનું પહેલેથી સમર્થન પ્રાપ્ત છે. ઈરાન પરમાણુ શક્તિ સંપન્ન રાષ્ટ્ર તરીકે ઉપર આવે એ વાત સાઉદી આરબને કાચના કણાની જેમ ખટકે છે. વૈશ્વિક સ્તર પર રશિયા, ચીન તથા ભારત, હાલની ઈરાનની પરમાણુ સમસ્યાનું સમાધાન વાટાઘાટોને આધારે લાવવા ચાહે છે. આ ત્રણેય દેશો ઈરાન પર સૈન્ય કાર્યવાહીની વિરુદ્ધમાં છે. ઈરાનની પ્રજાની સમસ્યા એ છે કે તેની પાસે યુરેનિયમ શુદ્ધિકરણના જે નવવિકસિત પ્લાન્ટ છે એની એ સ્પષ્ટતા કરી શકતું નથી. યુરેનિયમની પરિશુદ્ધિની ટકાવારી પરથી નક્કી થાય કે એ યુરેનિયમ ઉર્જા માટે વપરાશે કે પરમાણુ શસ્ત્ર માટે ! પર્શિયન અખાતમાં અમેરિકાએ તૈનાત કરેલા નવા વિમાનવાહક જહાજો, બોમ્બવર્ષક વિમાનો અને મિસાઈલો હવે અટકે એમ નથુ. પરંતુ અમેરિકા રાહ જુએ છે કે ઈરાન ભીતરથી પહેલા ક્ષીણ થઈ જાય. એટલે અંતિમવાદી હુમલો પાછો ઠેલાતો જાય છે.