Get The App

સંઘમ્ શરણમ્ ગચ્છામિ .

Updated: Mar 31st, 2025

GS TEAM

Google News
Google News
સંઘમ્ શરણમ્ ગચ્છામિ                            . 1 - image

રવિવારે નાગપુરની મુલાકાત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હોવા છતાં, આ પ્રવાસનું સૌથી ખાસ પાસું ઇજીજી મુખ્યાલયની તેમની મુલાકાત હતી. નરેન્દ્ર મોદી ક્યારેય વડા પ્રધાન તરીકે ત્યાં ગયા નહોતા. તેમના પહેલાં, આરએસએસ મુખ્યાલયની મુલાકાત લેનારા એક માત્ર વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી હતા. ભલે પીએમ મોદી સંઘ પ્રચારક રહ્યા છે, પરંતુ સંઘના વિચાર અને કાર્યસૂચિ પ્રત્યે તેમનું સમર્પણ શંકાની બહાર રહ્યું છે, છતાં ઘણા કારણોસર કેન્દ્ર સરકાર અને સંઘ વચ્ચેના સંબંધોમાં થોડી અસ્વસ્થતા જોવા મળી રહી હતી. ગયા વર્ષે, લોકસભા ચૂંટણી પહેલા, ભાજપ પ્રમુખ જેપી નડ્ડાએ કહ્યું હતું કે પાર્ટી હવે એટલી મજબૂત થઈ ગઈ છે કે તેને સંઘના સમર્થનની જરૂર નથી. આ નિવેદનને તેમના સંબંધોમાં અગવડતા સાથે પણ જોડવામાં આવ્યું હતું.

વડા પ્રધાન મોદીના વ્યક્તિત્વનું નિર્માણ કરનાર સંઘ છે અને હજુ સંઘ પાસે છાને ખૂણે આવી અનેક પ્રતિભાઓ છે. સમસ્યા માત્ર એટલી જ છે કે મિસ્ટર મોદી દેશના સર્વોચ્ચ સત્તા ધરાવતા પદ પર પહોંચ્યા પછી પોતે સંઘ નિર્મિત નહીં, પરંતુ સ્વયં નિર્મિત હોય એવા ખુશનુમા ખયાલમાં રહીને સંઘને ક્રેડિટ આપવા ચાહતા નથી. જે રીતે વિહિપના જૂના અસલ માળખાને વેરવિખેર કરી નાંખવામાં આવ્યું તે જ રીતે મોદી સંઘની પણ ઉપેક્ષા કરતા રહ્યા છે, પરંતુ ભાજપની તુલનામાં સંઘ વધુ મજબૂત અને સક્ષમ હોવાથી સંઘને નુકસાન કરવામાં મોદીનો પનો ટૂંકો પડયો છે. જેટલો એમણે માતૃમહિમા કર્યો એટલો માતૃસંસ્થાનો મહિમા કર્યો નથી એ હકીકત છે ને સકલ સંઘ આ વાત દુઃખ સાથે જાણે છે. તમે જેમને મોટા બનાવો તેઓ તમારાથી વિમુખ થાય ત્યારે થતી વેદના સંઘે અનેકવાર સહન કરવી પડી છે.

સંઘની છેડો ફાડવા જેવા અગાઉના ભાજપ પ્રમુખના એ નિવેદન પર ઇજીજી તરફથી કોઈ ઔપચારિક પ્રતિક્રિયા આવી ન હતી, પરંતુ જ્યારે 'આ વખતે ચારસોને પાર' કરવાના દાવા છતાં ભાજપ લોકસભા ચૂંટણીમાં પોતાના દમ પર બહુમતી મેળવી શક્યું નહીં, ત્યારે એવું માનવામાં આવતું હતું કે ઇજીજીની કથિત નારાજગીથી ઉદભવતી ઉદાસીનતાએ તેમાં મોટી ભૂમિકા ભજવી હતી. આ પછી, બંને પક્ષો તરફથી ગેરસમજ દૂર કરવાના પ્રયાસોનું પરિણામ હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપની અણધારી સફળતા માનવામાં આવી. હવે પીએમ મોદીની આ મુલાકાતે જે પણ શંકાઓ રહી ગઈ હતી તે દૂર કરવાનું કામ કર્યું છે. જો આપણે ઇજીજી સાથે ભાજપના સંબંધોના સંદર્ભથી આગળ જોઈએ, તો ભારતીય રાજકારણને પ્રભાવિત કરતા કેટલાક અન્ય મહત્વપૂર્ણ પ્રશ્નો પણ આ યાત્રા સાથે જોડાયેલા છે.

આવો જ એક પ્રશ્ન આગામી પાર્ટી પ્રમુખના નામ પર સર્વસંમતિ મેળવવાનો છે. એવું માનવામાં આવે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત પાર્ટી અને સરકારના ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ ગણાતા આવા ઘણા મુદ્દાઓ પર નિર્ણયો ઝડપી બનાવશે. પીએમ મોદીના નેતૃત્વમાં હિન્દુત્વની રાજનીતિ જે રીતે વિસ્તરી છે તે જોતાં, ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન ઉદભવવા લાગ્યો છે કે આ રાજનીતિના આગામી તબક્કાનું નેતૃત્વ કોણ કરશે. ભલે ભાજપે સ્પષ્ટ કરી દીધું છે કે સરકારના વર્તમાન કાર્યકાળમાં કોઈ ફેરફારનો કોઈ પ્રશ્ન જ નથી, છતાં સંઘના વડા અને પીએમ મોદી વચ્ચેની આ નિકટતા એ વાતનો સંકેત છે કે ભવિષ્યની દિશા નક્કી કરવાનું કામ હવે વધુ સરળતાથી અને સુમેળ સાથે કરવામાં આવશે. વડા પ્રધાન મોદી કદાચ મોડે મોડે પણ વહેતા સમયની ધારાને ઓળખવા લાગ્યા છે. તેમની પોતાની વડાપ્રધાન તરીકેની આ છેલ્લી ઈનિંગ છે એમ માનનારો એક મોટો વર્ગ છે પરંતુ સત્તાનો વિયોગ હવે મોદીને પાલવે નહીં એમ માનનારો પણ એક નાનો સમુદાય છે. 

દેશ સામે પડકારોના ગંજ ખડકાયેલા છે. પક્ષના પ્રચારમાં એટલું બધું વધારે ધ્યાન આપવામાં આવ્યું છે કે દેશના વિકાસમાં ધ્યાન ઓછું પડયું છે. જોકે વિકાસનો પ્રચાર ખૂબ છે પરંતુ એ વાસ્તવિકતાથી ઘણો દૂર છે. સરકાર પોતાના પ્રચારમાં એટલી બધી વ્યસ્ત હોય છે કે સાચા અને સારાં કામો સાઈડમાં રહી જાય છે. આ વાત કેન્દ્ર સરકાર સ્વયં પણ જાણે છે. પરંતુ પ્રચાર તો એક વ્યસન છે અને આ વ્યસનમાંથી મુક્ત થવું મોદી સરકાર માટે હજુ પણ શક્ય નથી. દેશમાં એમનો પ્રભાવ હજુ ઝાંખો પડયો નથી. દસ વરસ જૂનો સિક્કો પણ ચાલી જાય છે. પરંતુ બુદ્ધિજીવીઓનો એક મોટો સમુદાય તબક્કાવાર તેમનો ટીકાકાર બની ગયો છે. જે રીતે તેઓ માત્ર ચૂંટણી કેન્દ્રિત વડા પ્રધાન હોય એવું વર્તન કરી રહ્યા છે તે જોતાં તેમણે હવે ખરા અર્થમાં ભારતના વડાપ્રધાન થવાની જરૂર છે.