Get The App

સેમિકન્ડક્ટર્સ સૌથી અગત્યની પ્રોડક્ટ બની ગઈ છે

Updated: Nov 29th, 2023

GS TEAM


Google News
Google News
સેમિકન્ડક્ટર્સ સૌથી અગત્યની પ્રોડક્ટ બની ગઈ છે 1 - image


- ઈન્ટરનેશનલ ટ્રેડમાં કોઈપણ પ્રોડક્ટની સરખામણીમાં

- સારાંશ-વિનોદ  ડી. ભટ્ટ

- ભાગ-7

- સેમિકન્ડક્ટર્સ ક્ષેત્રે સ્વાવલંબી બનવા માટે ચીને ઘર આંગણે અભિયાન શરૂ કર્યૂં

- એડવાન્સ્ડ ચિપ્સ ઉત્પાદન ક્ષેત્રે અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર વધી રહી છે

ચાન્ગ, સેમિકન્ડકટર્સ ફેબ્રિકેશનની અદ્યતન ટેકનોલોજી જો ચીનમાં લાવતો હોય તો ચીની સરકાર પોતે ધર્મ વિરૂધ્ધ અર્થાંત નાસ્તિક હોવા છતાં તેના આ સિધ્ધાંતમાં સરકારે બાંધછોડ કરી હતી. 

આમ છતાં ચિપ્સ મેકિંગમાં અગ્રેસર તાઇવાનની TSMC કંપની સામે ઝીંક ઝીલવાનું ચાન્ગ માટે સરળ કામ નહોતું.

વર્ષ ૧૯૯૦ અને ૨૦૦૦ના દાયકામાં ચિપ ફેબ્રિકેશનના ઉત્પાદનના ભૌગોલિક સ્થળોમાં બહુ મોટા ફેરફાર આવ્યા હતા. દાખલા તરીકે ૧૯૯૦માં વિશ્વની કુલ ચિપ્સ ઉત્પાદનમાંથી ૩૭ ટકા હિસ્સો અમેરિકામાં બનતો હતો, પણ વર્ષ ૨૦૦૦માં તે ઘટીને ૧૯ ટકા અને ૨૦૧૦માં ઓર ઘટીને માત્ર ૧૩ ટકા થઇ ગયો હતો...!

એવું નથી કે એકલા અમેરિકામાં જ આ ઘટાડો થયો છે, ચિપ બનાવવામાં જાપાનના હિસ્સામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે.

બીજીબાજુ સાઉથ કોરિયા, સિંગાપોર અને તાઈવાન,આ ત્રણેય દેશોએ તેમના ચિપ ઉદ્યોગ ક્ષેત્રે વધારે ને વધારે પ્રમાણમાં ભંડોળ નાંખ્યુ, જેથી ત્યાં ચિપ મેકિંગમાં ઝડપથી વધારો થયો છે. સિંગાપોરનો જ દાખલો જોઈએ. 

અમેરિકાની ટેકસાસ ઇન્સ્ટ્રુમેન્ટસ, હ્યુલેટ-મેકાર્ડ અને જાપાનની હિટાચી સાથે પાર્ટનરશીપ કરી સિંગાપોર સરકારે ચિપ ડિઝાઇન સેન્ટરો ખોલવા માટે તેમજ ચિપ ફેબ્રિકેશન ફેસિલિટિ ઊભી કરવા માટે મોટા ફંડ આપ્યા હતા, જેના કારણે ત્યાં સેમિકન્ડકટર્સ સેકટર ગતિશીલ બની ગયું હતું. 

સિંગાપોર સરકારે તો તાઇવાનની TSMC  ની નકલ કરી ચાર્ટર્ડ સેમિકન્ડકટર નામની  ફાઉન્ડ્રિ પણ ઊભી કરી હતી, પરંતુ તાઇવાનની TSMC  જેવી તે સફળ થઇ શકી નહોતી.

આના કરતાં તો સાઉથ કોરિયાની સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રીએ સારો દેખાવ કર્યો હતો.

નેવુના દાયકામાં તાઇવાન અને સાઉથ કોરિયાની સરખામણીમાં ચિપ મેન્યૂફેકચરિંગ ક્ષેત્રે ચીન ઘણું જ પાછળ હતું.

ચીન સામે કેવળ ચિપ ફેબ્રિકેશનની જ એકમાત્ર સમસ્યા નથી, સેમિકન્ડકટર્સ પ્રોડકશનની પ્રોસેસના લગભગ એકે એક કદમ પર ચીને ખૂબ જ મોટા પાયે વિદેશી ટેકનોલોજી પર આધાર રાખવો પડે છે અને ચીન માટે માથાના દુખાવારૂપ વિકટ પ્રશ્ન એ છે કે ચિપ્સની જે પરદેશી કંપનીઓ પર ચીને અવલંબન રાખવું પડે છે, એ કંપનીઓ ચીનના કટ્ટર દુશ્મન દેશોમાં છે - જેમ કે તાઇવાન, જાપાન, સાઉથ કોરિયા અને અમેરિકા.

ચિપ્સ ડિઝાઇનિંગ માટે વપરાતા સોફટવેર ટુલ્સ મહદઅંશે અમેરિકન કંપનીઓ બનાવે છે.

જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના સેન્ટર ફોર સિક્યુરિટિ એન્ડ ઈમર્જીંગ ટેકનોલોજીના સ્કોલરોએ મેળવેલા આંકડાઓ મુજબ વિશ્વના સોફટવેર ટુલ માર્કેટમાં ચીનનો હિસ્સો ૧ ટકા કરતાં પણ ઓછો છે. ચિપ્સ ફેબ્રિકેશનના અન્ય ક્ષેત્રોમાં ચીનનો હિસ્સો માંડ ૨ ટકા જેટલો જ છે.

વિશ્વમાં સિલિકોન વેફર્સના કુલ ઉત્પાદનના કેવળ ૪ ટકા જ ચીનમાં બને છે. ચિપ્સ બનાવવા માટે વપરાતા ટુલ્સના માત્ર ૧ ટકો જ ચીન બનાવે છે. ચિપ ડિઝાઇન માર્કેટમાં ચીનનો હિસ્સો માંડ ૫ ટકા જેટલો જ છે.

ચીનમાં જે પ્રકારની ચિપ્સનું ડિઝાઇનિંગ થાય છે અને જે જાતની ચિપ્સનું ઉત્પાદન થાય છે, તે માટે કોઇ આધુનિક ટેકનોલોજીની જરૂર નથી પડતી. એ ચિપ્સ સસ્તા પ્રકારની અને બહુ એડવાન્સ્ડ નથી એટલે ચીન એ ચિપ્સ બનાવી શકે છે, અત્યંત આધુનિક અને સુક્ષ્મ નેનોમીટરના મેઝરમેન્ટમાં સુક્ષ્મ કહી શકાય એ પ્રકારની મેમરી ચિપ્સ બનાવવાનું કામ હજી ચીનના ગજા બહારની વાત છે.

ચિપ ડિઝાઇનિંગ, ઇન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી, ટુલ્સ, ફેબ્રિકેશન અને અન્ય બાબતોને ગણતરીમાં લઇને વાત કરીએ તો સેમિકન્ડકટર સપ્લાય ચેઇનમાં ચીની કંપનીઓનો હિસ્સો માત્ર ૬ ટકા જ  છે, તેની સરખામણીમાં અમેરિકાનો હિસ્સો ૩૯ ટકા, સાઉથ કોરિયાનો ૧૬ ટકા, અને તાઇવાનનો હિસ્સો ૧૨ ટકા હોવાનું જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીના સંશોધકોનું તારણ છે.

એડવાન્સ્ડ લોજિક, મેમરિ અને એનેલોગ ચિપ્સ ક્ષેત્રે ચીને હજી પણ અમેરિકન સોફટવેર અને અમેરિકન ડિઝાઇનરો પર આધાર રાખવો પડે છે, તે ઉપરાંત ડચ, જાપાનીઝ અને અમેરિકન મશીનરી વગર ચીનનું કામ અટકી પડે તેમ છે. વળી મેન્યુફેકચરિંગ માટે ચીને તાઇવાન તેમજ સાઉથ કોરિયાના ઓશિયાળા રહેવું પડે તેવી સ્થિતિ છે.

અને એટલે જ ચીનના પ્રમુખ શી જિનપિંગ ચિંતિત છે. વધુ ચિંતાની હકીકત એ છે કે ચીનની ટેક. કંપનીઓ કલાઉડ કોમ્પ્યુટિંગ, ઓટોનોમસ વેહિકલ્સ અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં જેટલા આગળ વધશે એટલા વધુ પ્રમાણમાં તેમને સેમિકન્ડકટર્સની જરૂર પડવાની છે, આના કારણે અમેરિકા, તાઇવાન, જાપાન અને સાઉથ કોરિયા પરનું ચીનનું અવલંબન વધતું જશે; એમાં બેમત નથી. 

ચીન આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (A.I.) ક્ષેત્રે સુપરપાવર બનવા માટે જેટલી વધારે મથામણ કરશે એટલા વધારે પ્રમાણમાં વિદેશી ચિપ્સ પર તેને આધાર રાખવો પડશે,  સિવાય કે ચિપ ડિઝાઇનિંગ અને મેન્યુફેકચરિંગ ક્ષેત્રે ચીન નવા સંશોધન કરીને આગળ વધી જાય.

ચીની સરકારે ''મેડ ઇન ચાઇના-૨૦૨૫'' પ્લાન ઘડયો છે, જેમાં ચિપ્સની વર્ષ ૨૦૧૫માં થતી ૮૫ ટકા જેટલી આયાત ક્રમશઃ ઘટાડીને વર્ષ ૨૦૨૫ સુધીમાં ૩૦ ટકા પર લાવી દેવાનું આયોજન કર્યૂં છે. 

વૈશ્વિક ટ્રેડ ક્ષેત્રે સેમિકન્ડકટર્સની મહત્તા કેટલી બધી છે તેની વિગતો હવે જોઇએ.

વર્ષ ૨૦૧૭માં ચીને ૨૬૦ અબજ ડોલરની ચિપ્સની આયાત કરી હતી. સાઉદી અરેબિયા જેટલા અબજ ડોલર ઓઇલની નિકાસ કરે છે કે જર્મની જેટલા અબજની કારની નિકાસ કરે છે તેના કરતાં ચીનની ચિપ્સની આયાતનો ૨૬૦ અબજ ડોલરનો આંકડો ઘણો બધો વધારે છે. વિશ્વભરમાં એરક્રાફટની આયાત-નિકાસનો જેટલો વેપાર થાય છે, તેની સરખામણીમાં ચીન પોતાની જરૂરિયાતની ચિપ્સની આયાતમાં વધારે નાણાં ખર્ચે છે. 

ઇન્ટરનેશનલ ટ્રેડમાં કોઇપણ પ્રોડકટ કરતાં સેમિકન્ડકટર્સ સૌથી અગત્યની પ્રોડકટ બની ગઇ છે.

સેમિકકન્ડકટર્સ ક્ષેત્રે સ્વાવલંબી બનવા ચીને ઘર આંગણે જે અભિયાન ચલાવ્યું છે, તેમાં જો તે સફળ થશે તો અમેરિકાની સિલિકોન વેલીની કંપનીઓના પ્રોફિટમાં મોટો ફટકો પડશે એટલું જ નહીં, ચીનના મોટાભાગના પડોશી દેશો કે જેમના અર્થતંત્રો નિકાસ આધારિત છે, તેમની આવકમાં પણ જંગી ગાબડા પડવાની પુરી સંભાવના છે.

(ક્રમશઃ)

Tags :