For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

જંગલની આગ કે આગનાં જંગલ?

Updated: Aug 7th, 2021

Article Content Image

- ગ્લોબલ વોર્મિંગને કારણે દુનિયાભરમાં દાવાનળની સંખ્યા ખૂબ ઝડપથી વધતી જાય છે

- અમેરિકી સંશોધકો જણાવે છે કે જંગલમાં લાગતી આગના ૯૦ ટકા બનાવ માટે માણસ જવાબદાર હોય છે

- હાલ તુર્કી, ગ્રીસ, ઇટલી અને અમેરિકાના જંગલો ચીજવસ્તુઓના ભાવની જેમ ભડકે બળી રહ્યા છે

કુદરતી આપદાઓ કુદરતી જ હોય એવું જરૂરી નથી. તેમાં માનવીય પ્રવૃત્તિઓનો ઈનડાયરેક્ટ હાથ રહેલો હોય છે. વાવાઝોડા પહેલાં પણ આવતાં, અને આજે પણ આવે છે પણ માનવસર્જિત પ્રદૂષણને કારણે તેની સંખ્યા અનેકગણી વધી ગઈ છે. એવું જ પૂરનું છે, એવું જ અતિવૃષ્ટિનું છે, એવું જ અનાવૃષ્ટિનું છે, અને એવું જ જંગલની આગનું છે. દાવાનળ પહેલાય ફાટતા હતા, પણ ગ્લોબલ વોર્મિંગને કારણે તેની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે.

કોંગ્રેસ્નલ રીસર્ચ સર્વિસનો અહેવાલ જણાવે છે કે, સાલ ૨૦૦૦થી એકલા અમેરિકામાં દર વર્ષે દાવાનળના સરેરાશ ૭૦,૬૦૦ બનાવ બને છે. સરેરાશ ૭૦ લાખ એકર જંગલ દર વર્ષે રાખ થઈ જાય છે. ૧૯૯૦માં આ સરાસરી ૩૩ લાખ એકરની હતી. તેનો અર્થ એ થયો કે ૯૦ના દસકની તુલનાએ અત્યારે દાવાનળ બમણો વિનાશ વેરી રહ્યા છે. ૨૦૧૫માં ૬૮૨૦૦ આગ લાગી અને ૧,૧૩,૦૦,૦૦૦ એકર જંગલ સાફ થઈ ગયા. ૨૦૧૭માં ૭૧,૫૦૦ આગ લાગી અને ૧,૦૩,૦૦,૦૦૦ એકર જંગલ ખાખ થઈ ગયા.

૨૦૨૦માં ૫૯,૦૦૦ હજાર વખત દાવાનળ ફાટતા ૧,૧૨,૦૦,૦૦૦ એકર જમીન પરથી જંગલ ભુંસાઈ ગયા. ૯૦ના દસકની તુલનાએ દાવાનળની સંખ્યા ઘટી છે પણ તેની ઈન્ટેન્સિટી અનેકગણી વધી ગઈ છે. હવે લાગતી આગ એટલી ભીષણ હોય છે કે તેને નિયંત્રિત કરવી મુશ્કેલ બની જાય છે, નિયંત્રિત કરવામાં આવે ત્યાં બહુ મોટું નુકસાન થઈ ચૂક્યું હોય છે.

સંશોધકોએ તારણ કાઢ્યું છે કે અમેરિકામાં લાગતી જંગલી આગમાંથી ૯૦ ટકા કેસમાં માણસનો હાથ હોય છે. કેમ્પફાયર એમ જ છોડી દેવાના કારણે, પાવર લાઈનના કારણે, સિગારેટ ઠાર્યા વિના જમીન પર ફેંકવાના કારણે અથવા જાણીજોઈને કાંડી ચાંપવાથી દાવાનળ ફાટે છે. માત્ર ૧૦ ટકા જ દાવાનળ વીજળી અથવા લાવાને કારણે ફાટે છે. અમેરિકામાં પશ્ચિમી રાજ્યોમાં ૯૫ ટકા વિસ્તારમાં દુષ્કાળની સ્થિતિ છે. તેના કારણે ધારણા કરતાં ૧ મહિના વહેલા દાવાનળ ફાટવા શરૂ થઈ ગયા છે અને દાવાનળની સંખ્યા પણ વધી છે.

જાન્યુઆરીથી જૂલાઈ ૨૦૨૧ સુધીમાં યુનાઈટેડ સ્ટેટસમાં દાવાનળ ફાટવાના ૩૬,૭૯૬ કિસ્સા નોંધાયા. ગયા વર્ષે આટલા જ સમયમાં ૩૦,૭૬૦ કેસ નોંધાયા હતા. ગયા વર્ષે આટલા સમયમાં ૧૯ લાખ એકર જંગલ રાખ થઈ ગયા હતા, આ વર્ષે ૨૮ લાખ એકર જંગલ બળી ચૂક્યા છે. સ્થિતિ કઈ હદે વણસતી જાય છે તેની કલ્પના કરી શકાય છે. યુ.એસ.માં ૪૫ લાખ ઘર જ્યાં દાવાનળ ફાટવાની સૌથી વધુ શક્યતા હોય એવા વિસ્તારમાં આવેલા છે. તેમાંથી ૨૦ લાખ માત્ર કેલિફોર્નિયામાં છે.

અત્યારે તુર્કી, ગ્રીસ, ઇટલી અને અમેરિકાના દાવાનળ વર્લ્ડ મીડિયાની હેડલાઈન બન્યા છે. આ જંગલો ચીજવસ્તુઓના ભાવની જેમ ભડકે બળી રહ્યા છે. ભૂખમરાથી પીડાતા લોકોના પેટમાં જેવી આગ લાગે તેવી અનિયંત્રિત આગ લાગી છે. ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં લાગેલી આગમાં ૧,૦૦,૦૦,૦૦૦ પ્રાણી ભુંજાઈ ગયા હતા. એ સિવાય ૨૪ માણસોનાં મોત થયાં હતાં. ૧,૫૬,૦૦,૦૦૦ એકર જંગલ હતા ન હતા થઈ ગયાં હતાં, ૧,૪૦૦ ઘર બળી ગયા હતા. 

પ્રકૃત્તિ સંતુલનથી ચાલતી હોય છે. ધારો કે કોઈ વિસ્તારમાંથી બિલાડી નામશેષ થઈ જાય તો ત્યાં ઉંદરનો ઉપદ્રવ અનેકગણો વધી જાય છે. આ તો એક ઉદાહરણ થયું. જંગલની આગ લાગવાથી આવા તો કેટલાય અસંતુલન ઊભા થઈ રહ્યાં છે. તુર્કીમાં છેલ્લાં એક અઠવાડિયાથી જંગલની આગે આતંક મચાવ્યો છે.

આ બાબતે તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોવાનની બેફિકરાઈ તથા તેની સરકારની આગ રોકવા માટે અપૂરતી તૈયારીની આકરી ટીકા કરવામાં આવી રહી છે. ઝડપથી ફુંકાતા પવનો અને આકરી ગરમીને કારણે દાવાનળ  ફાટયો છે. ૨૮મી જૂલાઈથી લાગેલી આ આગમાં ૮ લોકોનાં મૃત્યુ થયાં છે. ૧૦ હજારથી વધુ લોકોને સ્થળાંતરિત કરવા પડયા છે. હજી સુધી આ આગ કાબુમાં આવી નથી. નાસા અર્થ ઓબ્ઝર્વેટરીના અહેવાલ પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં તુર્કીના ૩૦ પ્રાંતમાં આગના   ૧૩૦ બનાવ નોંધાયા છે.

તુર્કીના ૩૦ પ્રાંતમાં અલગ-અલગ આગ નથી. ૨૮મી જૂલાઈએ એક જ જગ્યાએ આગ લાગી હતી અને ત્યાંથી બધે ફેલાય છે. તુર્કીનો અંતાલિયા અને મોગલા વિસ્તાર વિદેશી પ્રવાસીમાં લોકપ્રિય છે. હાલ તે પણ દાવાનળના જડબામાં ફસાઈ ચૂક્યો છે. આગ લાગતા પ્રવાસીઓ અહીંથી કાર અથવા બોટમાં બેસીને જીવ બચાવવા ભાગ્યા હતા. તુર્કીની સરકાર બચાવ કરી રહી છે કે અમે દાવાનળ ઠારવા માટે ૧૬ વિમાન, ૫૧ હેલિકોપ્ટર તથા અગ્નિશામક દળના ૫ હજારથી વધુ કર્મચારીઓને કામે લગાડેલા છે તેમ છતાં આગ નિયંત્રણમાં આવી રહી નથી. તેની જ્વાળા સેંકડો મીટર ઊંચે ઊડી રહી છે.

ગયા વર્ષે બ્રાઝિલમાં એમેઝોનના જંગલમાં આગ લાગી હતી ત્યારે પણ તેના રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોએ ભયંકર બેદરકારી દાખવી હતી. ૨૦૨૦માં બ્રાઝિલમાં ૨,૫૦૦ મોટા દાવાનળ ફાટયા હતા. તેમાંથી ૪૦ ટકા આગ એમેઝોનના જંગલમાં લાગેલી. આગ ઠારવા બાબતે બ્રાઝિલિયન સરકારની ઉદાસીનતાની સમગ્ર વિશ્વમાં ટીકા થયેલી.

જેમ આકાશને સરહદો નથી તેમ જંગલને પણ સરહદો નથી. એક જંગલ અનેક દેશોમાં ફેલાયેલું હોય એ તો ખરું જ, ન ફેલાયેલું હોય તો પણ તે અનેક દેશોને અસર કરે છે. જેમ કે ભારત પર વરસતા વાદળા આફ્રિકાના જંગલો ઉપર બંધાય છે. હવે માની લો કે કાલે આફ્રિકાના જંગલો નષ્ટ થઈ જાય તો ભારતને તેની નકારાત્મક અસર થવાની. એટલે જ એક દેશમાં ફાટેલી દાવાનળની ચિંતા વિશ્વના બીજા ઘણા દેશો કરતા હોય છે. તેમણે માત્ર ચિંતા કરવાને બદલે મદદરૂપ પણ થવું જોઈએ. 

વિશ્વની એક સર્વસામાન્ય અને સર્વમાન્ય વનનીતિ તૈયાર કરવી જોઈએ અને બધે જ લાગુ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ. એક તો દુનિયામાં ગરમી વધતી જાય છે એમાં જંગલો બળીને રાખ થતાં જશે તો કેવા દિવસો આવશે? વિચારો જૂઓ. 

ગ્રીસમાં રાજધાની એથેન્સની બહાર જંગલોમાં આગ લાગી છે. આગના તાપ અને ધુમાડાના કારણે હજારો લોકોને ઘર છોડીને ભાગવું પડયું હતું. કેલિફોર્નિયાના જંગલોમાં ત્રણ સપ્તાહથી આગ ભડકી છે. તે ઠારી નાખવામાં આવ્યા પછી ગત મંગળવારે  ફરીથી ભડકી ઊઠી. દાવાનળને લીધે ફુંકાતા ગરમ પવનો અને સૂકું વાતાવરણ નવા દાવાનળનું જોખમ ઊભું કરી દે છે. કેલિફોર્નિયાની આગમાં સેંકડો ઘર બળીને રાખ થઈ ગયા છે.

સ્પેનમાં વોટર બોમ્બર વિમાન દ્વારા દાવાનળને અંકુશમાં લેવાની કોશિશ થઈ રહી છે. મેડ્રિડથી ૭૦ કિલોમીટર દૂર પૂર્વ દિશામાં સેનજુઆન જળાશય પાસે જંગલમાં આગ લાગી ગઈ હતી. હાલ આગ નિયંત્રણમાં આવી ગઈ છે, પરંતુ વનતંત્રએ પ્રવાસીઓને સેન જુઆન જળાશયથી આઘા રહેવાની તાકિદ કરી છે. આ જળાશય પ્રવાસીઓમાં જબરદસ્ત લોકપ્રિય છે. ઇટલીમાં વિકએન્ડમાં ૮૦૦થી વધુ બનાવ નોંધાયા.સિસિલિમાં દાવાનળ ફાટી નીકળતા હજારો લોકોને ઘર રેઢા મૂકીને ભાગવું પડયું. કોટેનિયા એરપોર્ટને અસ્થાયીરૂપે બંધ કરવાની ફરજ પડી.

ભારતમાં ૨૦૨૦માં આગના ૪૩,૦૩૧ બનાવ નોંધાયા હતા. ૨૦૨૧ના હજી સાત જ મહિના વીત્યા છે ત્યાં ૮૨,૧૭૦ દાવાનળ ફાટી ચૂક્યા છે. આગના સર્વાધિક બનાવ મધ્યપ્રદેશમાં નોંધાયા છે, ૨૨,૭૯૭. ઉત્તરાખંડ ૮૯,૦૩૪ દાવાનળ સાથે બીજા ક્રમ પર છે. ઓડિશા ૫ હજાર દાવાનળ સાથે ત્રીજા ક્રમે અને મહારાષ્ટ ૪૮,૦૩૫ દાવાનળ સાથે ચોથા ક્રમ પર છે. ઉત્તરાખંડમાં ૨૦૧૭માં ૮૧૯ દાવાનળ ફાટયા હતા. ૨૦૨૧માં ૮,૯૩૪ કેસ નોંધાયા છે.

ઉત્તરાખંડમાં રાળના જંગલો આવેલા છે.  રાળ જલદ પદાર્થ હોવાથી તે દાવાનળને વધારે ભડકાવે છે. ગ્લોબલ વોર્મિંગ, જંગલો કપાવાને લીધે ફુંકાતા વધુને વધુ સૂકા અને ગરમ પવનો, માનવીય પ્રવૃત્તિ વિલનની ભૂમિકા ભજવી રહી છે. આ આંકડા ગ્લોબલ ફોરેસ્ટ વોચ વીઆઈઆરએસ દ્વારા આપવામાં આવેલા છે. 

એક જાણીતી વાર્તા છે. એક વખત એક જંગલમાં આગ લાગી. બધાં પ્રાણીઓ આઘે જઈને બેઠા હતા અને ચૂપચાપ આગને જોઈ રહ્યા હતા. એક ચકલીને તે અનુકૂળ ન આવ્યું. તે ઊડીને સરોવરમાંથી ચાંચમાં પાણી ભરતી હતી અને એ પાણી આગ પર છાંટી રહી હતી. બધાં પ્રાણીઓ તેના પર હસવા લાગ્યા. એકે કહ્યું, હે મૂર્ખ ચકલી! આ જંગલની આગ છે, તારા એક-બે ટીપાં પાણીથી તે કેવી રીતે ઠરવાની?

ચકલીએ જવાબ આપ્યો, મને ય ખબર છે કે આગ મારાથી ઠરવાની નથી પરંતુ હું યથાસંભવ કોશિશ કરી રહી છું જેથી આવનારી પેઢી એમ ન કહે કે અમારા પૂર્વજોએ જંગલ બચાવવાનો પ્રયત્ન નહોતો કર્યો. 

એક ચકલી આગ ઠારી શકે નહીં પણ તેને જોઈને બધા પ્રાણીઓ કામે લાગી ગયા હોત તો જરૂર આગ કાબૂમાં આવી જાત. એક માણસ  આ વિનાશને રોકી શકે  એમ નથી પણ સમસ્ત માનવજાત ચકલી જેવી સમજણ કેળવીને પ્રકૃત્તિને બચાવવાની યથાસંભવ કોશિશ કરવા માંડે તો દાવાનળ સહિતની બીજી ઘણી બધી આપદાઓ નિયંત્રણમાં આવી શકે એમ છે.

આજની નવી જોક

લલ્લુ રડતો હતો.

છગન (લલ્લુને): શા માટે રડે છે?

લલ્લુઃ ૧૦૦ રૂપિયા આપો તો કહું.

છગને ૧૦૦ રૂપિયા આપીને પૂછ્યું, બોલ હવે.

લલ્લુઃ ૧૦૦ રૂપિયા માટે જ રડતો હતો. થેન્ક્યુ.

છગનઃ હેં!?

જીકે જંકશન

- શેહરોઝ કાસિફ કેટુ શિખર સર કરનારા સૌથી યુવાન વયના પર્વતારોહક બન્યા છે. આ શિખર ૮૬૧૧ મીટર ઊંચું છે. હિમાલયની કારાકોરમ પર્વતમાળામાં આવેલું છે. 

- તાજેતરમાં લુસિયાનોર્વનિકે એક પુસ્તક પ્રકાશિત કર્યું છે, પુસ્તકનું શીર્ષક છે ધ મોસ્ટ ઇન ક્રેડિબલ ઓલિમ્પિક સ્ટોરીઝ. એક પુસ્તક લેપર્ડ ડાયરીઝ ધ રોસેટ ઈન ઈંડયા નામથી પ્રકાશિત થયું છે. તેના લેખકનું નામ છે સંજય ગુબ્બી.

- યુરોપિયન સ્પેસ એજન્સીએ એક ક્રાંતિકારી રિપ્રોગ્રામેબલ ઉપગ્રહ લોન્ચ કર્યો છે. આ ઉપગ્રહને યુટેલસેટ ક્વોન્ટમ નામ આપવામાં આવ્યું છે. વંદના કટારિયા ઓલિમ્પિકમાં હેટ્રીક ફટકારનારી ભારતની પહેલી મહિલા હોકી ખેલાડી બની છે. દક્ષિણ આફ્રિકા સામેની હોકી મેચમાં ભારતના કુલ ચારમાંથી ત્રણ ગોલ તેણે ફટકાર્યા હતા.

- કેરળ રાજ્ય સરકારે દિવ્યાંગો માટે સહજીવમ પરિયોજના શરૂ કરી છે. તમિલનાડુ રાજ્ય સરકારે સરકારી શાળાના વિદ્યાર્થીઓને વ્યાવસાયિક અભ્યાસ ક્રમોમાં ૭.૫ ટકા અનામત આપવાનો નિર્ણય કર્યો છે. 

- કયુ.એસ. બેસ્ટ સ્ટુડન્ટ સિટીઝ રેકિંગમાં લંડને વિશ્વના તમામ શહેરોમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. ગુડ્ડો બેલિડો પેરુના નવા વડાપ્રધાન બન્યા છે. ઉત્તરાખંડે ભૂકંપ એલર્ટ એપ્લિકેશન લોન્ચ કરી છે. આવું કરનારું તે દેશનું પહેલું રાજ્ય બન્યું છે.

Gujarat