વધતી ઘરેલુ હિંસા : સ્ત્રીઓ ઉપર આચરવામાં આવતા આતંકનો આલેખ સદીઓથી સુરેખ થયો નથી
- જનતા જાણે મૃતકોની સંખ્યા અને બિમારોની સંખ્યા જોવા ટેવાઈ રહી છે
લોકડાઉનનો રંગ ઘેરો લાલ થઇ રહ્યો છે, કારણ કે આ સમય વધુને વધુ રક્તરંજિત બની રહ્યો છે. વિશાખાપટ્ટનમમાં ગેસ લિકેજને કારણે અવસાન પામેલા અને બીમાર પડેલા લોકોના સમાચાર ચિંતિત કરી મૂકે છે, તો થાકને કારણે ટ્રેનના પાટા ઉપર જ સુઈ જનાર મજુરો ઉપર ફરી ગયેલી ટ્રેન મનને વિક્ષુબ્ધ કરે છે. રેલવે ટ્રેક પર પગપાળા ચાલી ચાલીને અધમધરાતે મજૂરો થાકી ગયા હોય. પૂણમાનો ચન્દ્ર સોળે કળાએ મધ્યનભમાં ખિલ્યો હોય. ત્યારે ટ્રેકની બન્ને બાજુના ઝાડીઝાંખરામાં ક્યાં સુવું ? વળી ટ્રેનો તો બધી બંધ છે. એટલે ટ્રેક ઉપર જ પૃથ્વીના પાથરણ અને આભના ઓઢણ કરીને આ મજૂરો થાકમાં ને થાકમાં ઊંઘી ગયા હોય. એમને ક્યાં ખબર હોય કે મોત ઑન ધ ટ્રેક પણ આવી શકે છે. મોતના ભયથી જ નાસીને વતન જવા નીકળેલાને રસ્તામાં જ મોતનો ભેટો થઈ ગયો. આ કરૂણાન્તિકાએ દેશને ધ્રુજાવી મૂક્યો છે.
રોજ સવારે કોરોના કેસના આંકડાઓના ભયાવહ જંગલમાં પ્રજાનું ચિત્ત પ્રવેશે છે. જનતા જાણે મૃતકોની સંખ્યા અને બિમારોની સંખ્યા જોવા ટેવાઈ રહી છે. એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિમાં દરેક ક્ષેત્રમાંથી ખેદજનક ખબર મળી રહ્યા છે. એક સ્થળ એવું છે જ્યાંથી લોકડાઉન શરુ થયું ત્યારથી ખરાબ ખબર આવવાનું પ્રમાણ વધતું જ રહ્યું છે. એ સ્થળ એટલે ઘર. ઘર તો વહાલાઓને ઘેરી લેવાની છાવણી છે. લોકડાઉનને કારણે ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઘરેલું હિંસાના કિસ્સાઓમાં ગજબનાક ઉછાળો આવ્યો છે. સ્ત્રીઓ માટે આ કપરી સ્થિતિ છે. એ રાજ્યોમાં અડધોઅડધ ઘરોમાં સ્ત્રીઓ મુશ્કેલીનો સામનો કરી રહી છે. બહાર કોરોના અને ઘરની અંદર રોના !
ઘરેલું હિંસા માટે ભારત કુખ્યાત છે. 'ડોમેસ્ટિક વાયોલન્સ'- આ શબ્દયુગ્મ જયારે કોઈ પણ દેશના નાગરિકના કાને પડે ત્યારે તેના મનમાં ભારતની છબી ઉપસે છે. હકીકતમાં આ ભારતદ્વેષી વિશ્વ મીડિયાની ભારતને બદનામ કરવાની ચાલ છે. જે દેશમાં સ્ત્રીઓની પૂજા થાય છે અને સ્ત્રીઓ ઈશ્વર સ્વરૂપે પણ પૂજાય છે એ જ દેશમાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર પણ થાય છે. આ હકીકતમાં નાટયાત્મક વિરોધાભાસ છે, માટે ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયા તેને ગાઈ વગાડીને ગ્લોબલ પ્લેટફોર્મ ઉપર હાઈલાઈટ કરે છે. વાસ્તવિકતા એ છે કે ભારત જેટલી જ ઘરેલુ હિંસાનું પ્રમાણ અમેરિકામાં છે. બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ડોમેસ્ટિક વાયોલન્સના કિસ્સાઓ રોજ નોંધાય છે. ખાસ તો આરબ દેશોમાં સ્ત્રીઓ ઉપર આચરવામાં આવતા જુલમો ભારતની સરખામણીએ ક્યાંય અત્યાધિક છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના યુરોપ ખાતેના ડિરેક્ટરનું કહેવું છે કે જગત કોરોનાની લપેટમાં આવી ગયું પછી સ્ત્રીઓ દ્વારા ઘરેલું હિંસાથી બચવા માટે કરવામાં આવતા ઈમરજન્સી કોલનું પ્રમાણ સાંઈઠ ટકા જેટલું વધી ગયું છે. આ આંકડો સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના સભ્ય હોય એવા ૧૯૩ દેશોનો છે.
વિચિત્ર સમય છે આ. ઘરબહાર કોરોનાનો વધતો ને ઊંચે જતો ગ્રાફ અને ઘરની અંદર ઘરેલું હિંસાનું વધતું જતું પ્રમાણ. કોરોનાના આલેખની ચડતી કળા બતાવતી રેખા સીધી થાય તેની અબજો લોકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ સ્ત્રીઓ ઉપર આચરવામાં આવતા આતંકનો આલેખ સદીઓથી સુરેખ થયો નથી. ઉત્તર પ્રદેશ અને બિહાર ઉપરાંત પંજાબ, હરિયાણા, રાજસ્થાન જેવા અન્ય અનેક ભારતીય રાજ્યોમાં લોકડાઉનના ત્રીજા ચરણમાં ઘરેલું હિંસાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. મનોવિજ્ઞાાનીઓ તો ખાતરી સાથે કહે છે કે ઘરેલું હિંસાને આર્થિક સ્થિતિ સાથે સીધો સંબંધ છે. એનો અર્થ એ નથી કે પૈસાદાર પરિવારોમાં સ્ત્રીઓ ઉપર હાથ ઉપાડવામાં આવતો નથી. પરંતુ જનસમુદાયના મોટા વર્ગની આર્થિક સ્થિતિ જેમ નીચે જાય એમ તેમ સ્ત્રીઓ ઉપર હિંસાનું પ્રમાણ વધી જાય. જમાનાઓ પસાર થઇ ગયા તો પણ પોતાની નિષ્ફળતા કે ચિંતા થપ્પડમાં રૂપાંતર ન પામવી જોઈએ એવી શિક્ષા પુરુષોને મળી નથી અને જો મળી હોય તો એ શિક્ષા નિષ્ફળ ગઈ છે. થોડા સમય પહેલા આવેલી ફિલ્મ થપ્પડ એનો જ પ્રતિઘોષ હતી. સમાજ વ્યવસ્થા, શિક્ષણ વ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા આ બાબતમાં નિષ્ફળ નીવડી છે.
સ્પેન અને ફ્રાંસમાં ફાર્મસી સ્ટોર ચલાવતા ફાર્મસિસ્ટોને ચોક્કસ તાલીમ આપવામાં આવે છે. જો કોઈ સ્ત્રી બેન્ડ એડ કે પાટો ખરીદવા આવે તો ત્યાંના ફાર્મસીસ્ટ જાગૃત થઇ જાય છે. સ્ત્રીઓ જો 'માસ્ક ૧૯'ની માંગ કરે તો ફાર્મસિસ્ટે સમજી જવાનું કે આ સ્ત્રી ઘરેલું હિંસાનો ભોગ બની છે. માસ્ક-૧૯ એ ત્યાં રાષ્ટ્રવ્યાપી કોડવર્ડ છે. ઘરેલું હિંસા રોકવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકારે પણ હેલ્પલાઈન ચાલુ કરી છે. પણ આ સુવિધા ગુનો આચરવામાં આવે ત્યારબાદની ફોર્માલિટી માટે છે. ગુનો થતો રોકવા માટે તો સામુહિક માનસિકતા બદલવી પડે. તજજ્ઞાોનો મત છે કે જો લોકડાઉન હજુ વધુ છ મહિના ચાલુ રહ્યું તો ઘરેલું હિંસાના બનાવોમાં કોરોનાને સમાંતર જ નવા લાખો કેસનો વધારો થશે. દારુ ખરીદવા માટે કોરોનાના ભય નીચે પણ લાઈનમાં કલાકો સુધી ઉભા રહેતા અને લોકડાઉન વચ્ચે સ્ત્રીઓ ઉપર હાથ ઉપાડતા એવા લાખો લોકોના જ્યાં ઘરઘરમાં લપાયેલા છે એ દેશમાં કોરોના હજુ કેવો સમય બતાવશે તેની કલ્પના કરવી રહી.