Get The App

જોખમી રસ્તે કદમ : ભારત સરકાર વિવિધ પ્રકારની દ્વિધામાં હોય એવું દેખાય છે

- વિશ્વભરના અર્થશાસ્ત્રીઓનો મત લોકડાઉનની વિરુદ્ધનો છે

Updated: Apr 26th, 2020

GS TEAM

Google News
Google News
જોખમી રસ્તે કદમ : ભારત સરકાર વિવિધ પ્રકારની દ્વિધામાં હોય એવું દેખાય છે 1 - image


ભારત સરકાર વિવિધ પ્રકારની દ્વિધામાં હોય એવું દેખાય છે. કારણ કે વિશ્વભરના અર્થશાસ્ત્રીઓનો મત લોકડાઉનની વિરુદ્ધનો છે. એની સામે તબીબી વૈજ્ઞાાનિકોનો મત ઘરબંધી તરફી છે. કેન્દ્ર સરકારે એમાંથી કોઈ મધ્યમ માર્ગ પસંદ કરવાનો થશે. ભારત એક વિરાટ જનરાશિ ધરાવતી હયાતી છે અને આરોગ્ય સુરક્ષા સંબંધિત મહત્વના નિર્ણય લેવાની કપરી જવાબદારી સરકાર ઉપર છે. કોરોના કેટલો સમય ચાલશે તે કોઈ કહી શકે એમ નથી અને પછી પણ એ ક્યારે ઉથલો મારશે એ પણ નક્કી નથી. જો સરકાર લોકડાઉનને વધુ લંબાવે આવે તો મુખ્યત્વે આથક ગતિવિધિઓ સ્થગિત થઈ જાય છે. તારીખ ત્રીજી મે પહેલા જ સરકારે પ્રાયોગિક ધોરણે કેટલીક છૂટછાટો આપી દીધી છે. જો કે આરોગ્યના નિષ્ણાતોની દ્રષ્ટિએ આ એક અખતરો છે જેમાં ખતરો તો છે જ. એટલે સરવાળે હવે ભારતના કદમ જોખમી રસ્તા પર છે. પાર ઉતરી જવાય તો નવાઈ નથી.

સરકારના પક્ષે મર્યાદા એ છે કે આટલા વિરાટ રાષ્ટ્ર માટે ટ્રાયલ એન્ડ એરર પદ્ધતિથી કામ ન કરી શકાય. ઈટાલી અને અમેરિકા અનિર્ણાયકતાનો ભોગ બનેલા છે. પાછળથી ઘણું બ્રહ્મજ્ઞાાન એ દેશોને પ્રાપ્ત થયું છે પણ ક્યાં જઈને રડે ? આપણે ત્યાં હજુ પણ નાગરિકોમાં શિસ્તનો આંશિક અભાવ તો જોવા મળે જ છે. સુરત, અમદાવાદ, ચેન્નાઈ અને હૈદરાબાદ ખાતે ગઈકાલે જ કેન્દ્ર સરકારે પોતાની વિશેષ વરિષ્ઠ અધિકારીઓની ટીમ ઉતારી છે. જેમાં એડિશનલ સેક્રેટરી કક્ષાના અધિકારીઓનો કાફલો છે. ત્રીજી મે પહેલાં કેન્દ્ર સરકાર રાજ્યો પર ભરોસો રાખ્યા વિના સાચી સ્થિતિ જાણવા ચાહે છે. કલકત્તામાં પણ વિસ્ફોટક સ્થિતિ છે. સમગ્ર પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના શાસન પરત્વે નારાજગી વધી ગઈ છે. ગુજરાતમાં ત્રીજી મે સુધીમાં સરકાર વધુમાં વધુ વ્યાપાર-ઉદ્યોગોને મુક્તિ આપવા ચાહે છે. પરંતુ મુક્તિની સાથે યથાસંભવ વધે તે કોરોનાના નવા કેસોને કારણે પુનઃમૂલ્યાંકન સરકાર ચાલુ જ રાખશે અને ત્રીજી તારીખ પછી પણ ગમે ત્યાં ત્રીજા રાઉન્ડના લોકડાઉનનો હુકમ કરી શકે છે.

કેન્દ્ર સરકાર માને છે કે સાવધાનીપૂર્વક પ્રજા પોતાના જીવનને પાટે ચડાવે. એ માટે ધીરજ રાખે અને તેલ જોઈ, તેલની ધાર જોઈને નિર્ણય કરે. બીજા અર્થમાં લાંબેગાળે સરકાર લોકડાઉનને સરકારી આદેશને બદલે સ્વયંશિસ્તનો વિષય બનાવવાની ઈચ્છા રાખશે. સ્પેન તો કોરોનામાં ઘણું ઘેરાઈ ગયું છે. પરંતુ એની હાલત સાવ ઈટાલી જેવી નથી થઈ એનું એક કારણ સ્પેનિશ પ્રજાની આત્મસમજ છે. એવી સમજની અપેક્ષા ભારતીય પ્રજા પાસેથી રાખવી વધારે પડતી કહેવાય. તો પણ સરકાર હવે જે જે પ્રકારની મુક્તિ આપે છે તેમાં પોતાના જોખમે જ નાગરિકોએ સ્વતંત્રતા અને સ્વૈરવિહાર માણવાના રહેશે. ત્રીજી તારીખ પછીની મુક્તિ કેવીક રહે છે તેના પર ભારતમાં કોરોનાના ગ્રાફનો મોટો આધાર છે. લગભગ દરરોજ એક આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ભારત સરકારને વણચાહી સલાહ આપે છે ને કહે છે કે લોકડાઉન એ કંઈ કોરોના સામે લડવાનો ઉપાય નથી. પરંતુ ભારત સરકાર એના પોતાના અનુભવે લોકડાઉનની પ્રખર હિમાયતી છે અને જગતભરમાં ભારતીય લોકડાઉનનો જયજયકાર કરનારો એક અલગ જ ચાહક વર્ગ છે.

જેઓ ઘર ઘરમાં 'ભરાયેલા' છે તેમના પગમાં વ્યર્થ થનગનાટ છે. કેટલાક ભારતીયો તો અવિચારી રીતે તેમના ચરણોને પંખી બનાવીને ઉડી નીકળવા ચાહે છે. તેઓ જાણતા નથી કે સંયોગો હજુ પણ પ્રાણપંખેરુને ઉડી જવા માટેના છે. એનસીસી, એનએસએસ અને સ્કાઉટના એક કરોડથી વધુ કેડેટોને કેન્દ્ર સરકાર અત્યારે કોરોના સામે લડનારા યોદ્ધા તરીકે તાલીમ આપી રહી છે. આ કેડેટોને તાલીમ આપો અને એમની મદદ લો એવી વાત વડાપ્રધાને પંદર દિવસ પહેલા કહી હતી. એનો અર્થ એ તો સ્પષ્ટ છે કે સરકારે એ વાસ્તવિકતા સ્વીકારી લીધી છે કે કોરોનાકાણ્ડમાં ખાધું, પીધું ને રાજ કર્યું એવો કોઈ નિંરાતદાયક વળાંક તો આવવાનો જ નથી. આ એક કરૂણાન્તિકા છે અને એ ટ્રેજેડીના નિયમો પ્રમાણે જ આગળ વધશે. ગ્રીક ટ્રેજેડી હોય કે આપણા મહાકાવ્યો હોય એમાં કરૂણાન્તિકા સર્જાવાના મૂળ કારણ રૂપે મુખ્ય પાત્રોમાંથી કોઈ એક પાત્ર ગંભીર ભૂલ કરે છે. અને એને કારણે જ આગળ જતાં સમગ્ર ઘટનાક્રમ વિકરાળ થઈ જાય છે. ભારત સરકાર એવી કોઈ ભૂલ ન કરે તે આ તબક્કે અપેક્ષિત છે.

ત્રીજા રાઉન્ડના સંભવિત લોકડાઉન માટે પ્રજાને મનોવૈજ્ઞાાનિક રીતે તૈયાર કરવા માટે સરકારી પ્રચારતંત્ર અને ભાજપના મીડિયા સેલ દ્વારા લોકડાઉનના આજ સુધી થયેલા ફાયદાઓના સુદીર્ઘ વર્ણનો સોશિયલ મીડિયામાં વહેતા કરવામાં આવ્યા છે. બીજી રીતે કહો તો લોકડાઉનના ફાયદાકારક પાસાઓનું પ્રજાને જ્ઞાાન આપનારા વક્તાઓ અને લહિયાઓનો દેશમાં અત્યારે પ્રલય થયેલો છે. જે બતાવે છે કે થોડાક મોડા અરસામાં પણ ત્રીજા રાઉન્ડનું લોકડાઉન એક સંભાવના તો છે જ. સરકાર મુક્તિ આપે એ પ્રમાણે વ્યાપાર અને ઉદ્યોગ એ મુક્તિનો કેટલોક ઉપયોગ કરશે એ પણ પ્રશ્ન છે. કારણ કે ગત વીસમી એપ્રિલ પછી સરકારે રજૂઆતોને આધારે જે ઉદ્યોગોને ચાલુ કરવા માટે લિખિત મંજુરી આપી એમાંથી ખરેખર તો વીસ ટકા જ છે જે ચાલુ થયા. એટલે ખરું ચિત્ર તો તારીખ ચતુર્થ મે ના નૂતન પ્રભાત પછી જ ખબર પડશે.

Tags :